પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને મળેલી કેન્દ્ર સરકારની પ્રધાન મંડળની બેઠકમાં જીએસટી કાઉન્સિલની તથા નીચે મુજબની વિગતો ધરાવતા સચિવાલયની સ્થાપનાને મંજૂરી આપી છે.
(1) સુધારેલા બંધારણના આર્ટિકલ 279 એ મુજબ જીએસટી કાઉન્સિલની રચના
(2) નવી દિલ્હીમાં ઓફિસ ધરાવતા જીએસટી કાઉન્સિલના સચિવાલયની રચના
(3) જીએસટી કાઉન્સિલના સેક્રેટરી (મહેસૂલ) ની એક્સ-ઓફિશીયો સેક્રેટરી તરીકે નિમણૂક
(4) ચેરપર્સન, સેન્ટ્રલ બોર્ડ ઓફ એકસાઈઝ અને કસ્ટમ્સ (સીબીઈસી)ની જીએસટી કાઉન્સિલની તમામ કાર્યવાહીઓમાં કાયમી આમંત્રીત (નોન-વોટિંગ) તરીકે નિમણૂક
(5) જીએસટી કાઉન્સિલના સેક્રેટરિયેટમાં એક અધિક સચિવની ( ભારત સરકારના અધિક સચિવ કક્ષાના સ્તરની) તથા જીએસટી કાઉન્સિલના સેક્રેટરીયેટમાં કમિશનર(ભારત સરકારના સંયુક્ત સચિવના સ્તર) ની ચાર જગાઓ ભરવી
કેબિનેટે એવો પણ નિર્ણય લીધો હતો કે જીએસટી કાઉન્સિલના સેક્રેટરિયેટને થતા આવર્તક અનાવર્તક ખર્ચાઓને પહોંચી વળવા માટે પૂરતુ ભંડોળ પૂરૂં પાડવું. આ બાબતે થતો તમામ ખર્ચ કેન્દ્ર સરકારે ભોગવવાનો રહેશે. જીએસટી કાઉન્સિલના સેક્રેટેરીયેટમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો બન્નેમાંથી અધિકારીઓ ડેપ્યુટેશન પર મેળવીને નિમણૂક કરાશે. જીએસટીના અમલીકરણ પહેલા આ દિશામાં લેવા જોઈતા જરૂરી પગલા મુજબ આ નિર્ણય લેવાયા છે.
નાણાં પ્રધાને જીએસટી કાઉન્સિલની પ્રથમ બેઠક તા. 22 અને 23 સપ્ટેમ્બર, 2016ના રોજ નવી દિલ્હીમાં યોજવાનો નિર્ણય કર્યો છે.
પશ્ચાદભૂમિકાઃ
દેશમાં ગુડઝ અને સર્વિસ ટેક્સ લાગુ પાડવા માટે બંધારણ ( 123મો સુધારો)ના સુધારા બીલ 2016ને તા. 8મી સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે. અને તેને બંધારણ ( 123મો સુધારો) એકટના સુધારા તરીકે નોટીફાય કરવામાં આવેલ છે. સુધારેલા બંધારણના આર્ટીકલ 279 (એ) મુજબ રાષ્ટ્રપતિ દ્વારા જીએસટી કાઉન્સિલની રચના આર્ટીકલ 279એ લાગુ પડ્યાના 60 દિવસની અંદર કરી દેવાની રહે છે. આર્ટીકલ 279એને અમલમાં લાવતું જાહેરનામું તા. 12મી સપ્ટેમ્બર, 2016ના રોજ બહાર પાડી દેવામાં આવ્યું છે.
આર્ટીકલ 279એ મુજબ કાઉન્સિલ જીએસટીને લગતી બાબતો અંગે રાજ્ય અને કેન્દ્ર સરકારોને ભલામણો કરશે. આ ભલામણોમાં જીએસટીમાંથી બાકાત રાખવા જેવા ગુડઝ અને સર્વિસીસ, મોડલ જીએસટી કાયદો, પ્લેસ ઓફ સપ્લાયનું નિયમન કરતા સિધ્ધાંતો થ્રેશહોલ્ડ લિમિટ, બેન્ડ સાથેના ફલોર રેટસ, કુદરતી આફતો કે સંકટ વખતે વધારાના સ્ત્રોત ઊભા કરવા માટેના ખાસ રેટસ, કેટલાક રાજ્યો માટે ખાસ જોગવાઈઓ વગેરેનો સમાવેશ થશે.