લોકશાહીનો વાસ્તવિક મર્મ
મિત્રો,
કેટલાક લાગણીસભર અનુભવને કારણે આજે આ બ્લોગ લખવા પ્રેરાયો છું.
ગુજરાત સરકાર પંચાયતી રાજની સ્વર્ણિમ જયંતિ ઉજવી રહી છે. (જો કે આ કામ ભારત સરકારે પણ કરવું જોઇતું હતું.) સ્વર્ણિમ જયંતિની ઉજવણી નિમિત્તે ગ્રામ સ્વરાજની ભાવના વધુ મજબૂત બને, વધુ વ્યાપક બને તે માટે આગળ - ઉપર અનેક કાર્યક્રમો થવાના છે. પરંતુ તાજેતરમાં એક કાર્યક્રમ ખૂબ જ લાગણીસભર થયો. દરેક તાલુકા પંચાયતની બેઠક દીઠ (જેમાં સરેરાશ પ થી ૬ ગામડાં આવે છે.) એક કાર્યક્રમનું આયોજન કર્યું. જેમાં મંત્રીમંડળના કોઇ સિનિયર વ્યક્તિના હસ્તે પંચાયતમાં સેવા આપી ચૂકેલ ભૂતપૂર્વ જનપ્રતિનિધિઓનું સન્માન કરવાનો કાર્યક્રમ હતો.
વર્ષો પછી આવા વયોવૃધ્ધ-તપોવૃધ્ધ મહાનુભાવોને યાદ કરી તેમનું ગૌરવ કરવાનો આ અવસર એટલો પ્રેરક રહ્યો કે, સહુ કોઇ લાગણીસભર જોવા મળ્યા.
ગયા ૫૦ વર્ષ દરમ્યાન ક્યારેક પણ ચૂંટાયા હોય તેવા પ્રતિનિધિઓની સંખ્યા એક લાખ કરતાં પણ વધુ થાય છે જેમનું સન્માન કરવાનું સૌભાગ્ય અમને મળ્યું છે.
આ મહાનુભાવોમાં ૮૦ ટકા કરતાં વધુ મહાનુભાવો મૂળભૂત રીતે કોંગ્રેસ પક્ષ સાથે સંકળાયેલ રહ્યા છે. પરંતુ પક્ષાપક્ષીથી ઉપર ઉઠી સહુનું ગૌરવ કરવાનો આનંદ અનેરો હોય છે. આજ તો લોકશાહીની ખૂબી છે અને તેથી તો અમે સદાય કહીએ છીએ.
સૌનો સાથ... સૌનો વિકાસ ...
આપનો,
નરેન્દ્ર મોદી
Also See :
Video: An elder who has been felicitated shares his kind words on the initiative of the Gujarat Government.
Presentation: Power Point Presentation on Panchayati Raj