મુખ્યમંત્રીશ્રી પુણેમાં
સંસ્કૃત પ્રકાંડ પંડિત વસંત અનંત ગાડગીલનો અભિવાદન સમારોહ
ર્ડા.આંબેડકરના જીવન આધારિત સંસ્કૃત મહાકાવ્ય "ભીમાયનમ'નું વિમોચન
સંસ્કૃત જ્ઞાનથી જ ભારતીય સંસ્કૃતિક વિરાસતની ઉજ્જવળ પરંપરા ઉજાગર થશે - મુખ્યમંત્રીશ્રી
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે પૂણેમાં જણાવ્યું હતું કે, સંસ્કૃત જ્ઞાન- ભાષાથી જ ભારતીય સાંસ્કૃતિક વિરાસતની ઉજ્જવળ પરંપરાનો પ્રભાવ વિશ્વ સમક્ષ ઉજાગર થશે. સંસ્કૃત ભાષાને લોકભોગ્ય બનાવવા ગુજરાત સરકારે કરેલા પહેલરૂપ પ્રયાસોની ભૂમિકા પણ તેમણે આપી હતી.
પૂણેની શારદા જ્ઞાનપીઠમ્ સ્થાપક સંસ્કૃતના વેદ પ્રકાંડ પંડિત વસંત અનંત ગાડગીલ જેવો ૮૨ વર્ષના છે અને ૬૧ વર્ષ સુધી લગાતાર સંસ્કૃત ભાષા સાહિત્યના-સારસ્વત સંવર્ધક રહ્યા છે તેમનું અભિવાદન પૂણેની ૮૨ જેટલી સંસ્કૃતપ્રેમી સંસ્થાઓના ઉપક્રમે મુખ્ય મંત્રીશ્રીના વરદ્હસ્તે કરવામાં આવ્યું હતું. આજના અવસરે ર્ડા.પ્રભાકર જોષીએ ર્ડા.આંબેડકરના જીવનદર્શનનું સંસ્કૃત મહાકાવ્ય "ભીમાયનમ'નું આલેખન કર્યું છે જેને પંડિત ગાડગીલજીએ શારદા જ્ઞાનપીઠમ્ દ્વારા પ્રકાશિત કરેલું છે તેનું વિમોચન પણ મુખ્યમંત્રીશ્રીએ અત્રે કર્યું હતું.સંસ્કૃત માટે પંડિત ગાડગીલના સમગ્ર જીવન સમર્પણના તપસ્વી જીવનતે સત્સત્ વંદન કરતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, તેઓ ગાડગીલજીના સંસ્કૃતપ્રેમને ઓળખે છે, જે સંસ્કૃતના જ સપના જોવે છે.
પંડિત ગાડગીલજી અને ગુજરાતના કે.કા.શાસ્ત્રીજી જેવા સંસ્કૃત મનીષીઓના જીવનમાંથી પ્રેરણા લેવાનું આપોઆપ મન થાય છે તેનો નિર્દેશ કરતાં તેમણે જણાવ્યું કે, સંસ્કૃતનો રસ્તો જ અપનાવવા આ મનીષીઓ જ પ્રેરણા આપે છે.
ગુજરાતે સોમનાથમાં સંસ્કૃત યુનિવર્સિટી બનાવી છે અને સંસ્કૃત ભાષાના સંવર્ધન અને સમાજ સ્વીકૃતિ માટે રાજ્યમાં એક લાખ લોકોને સંસ્કૃત વાતચીત-સંભાષણનું પ્રશિક્ષણ આપી સક્ષમ બનાવ્યા છે એમ તેમણે જણાવ્યું હતું.મુખ્યમંત્રીશ્રીએ આઝાદ હિન્દુસ્તાનમાં સંસ્કૃત ભાષા સંવર્ધન-વિકાસ માટેની ઉદાસીનતાની માનસિક સ્થિતિને દુર્ભાગ્યપૂર્ણ ગણવી હતી. આપણી સંસ્કૃતિની મહાન ધરોહરને સમજવા માટે સંસ્કૃત જ્ઞાન આવશ્યક છે. પરંતુ આપણી ગુલામીકાળની મનઃસ્થિતિ આજે પણ એવી છે કે વેદિક ગણિતનો પ્રચાર સાંપ્રદાયિક શરમ ગણી લેવાય છે.
આ નકારાત્મક સ્થિતિમાં બદલાવ લાવવાનો માહોલ બનાવીને સંસ્કૃતને લોકભોગ્ય બનાવવા તેમણે અનેક સૂચનો કર્યા હતા. સંસ્કૃત ભાષાથી ભારતીય ધરોહરની પરંપરાના ઉજ્જવળ ઇતિહાસનો પ્રભાવ પ્રસ્થાપિત થાય છે એમ પણ તેમણે જણાવ્યું હતું.
ગુજરાતે મંદિર વ્યવસ્થાપન માટે પુજારીના પ્રશિક્ષણની પહેલ કરી છે એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, સંસ્કૃત માટેની નવી દ્રષ્ટિ સમાજને મળવી જોઇએ.
સંસ્કૃતમાં ર્ડા.આંબેડકરના જીવન કાવ્યના પ્રકાશને આજની એવી ભ્રામક મીથ તોડી છે, જેને એક બ્રાહ્મણ સર્જક પ્રો.જોષીએ દલિત એવા ર્ડા.આંબેડકરનું જીવનચરિત્ર આલેખ્યુ છે. ર્ડા.આંબેડકરે સામાજિક સમરસતાનું જે દર્શન આપ્યું છે તે સંસ્કૃતિની ધરોહરનો આદર્શ છે.
અધ્યક્ષસ્થાને ર્ડા.વિજય ભાટકર જેઓ સંગણક તજજ્ઞ છે તેમણે સંસ્કૃત અને સંસ્કૃતિના સંવર્ધન માટે ગુજરાતમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કરેલી પહેલની ભૂમિકા આપી હતી અને જણાવ્યું કે, ભારતને સુસંસ્કૃત, સમર્થ બનાવવામાં શ્રી નરેન્દ્રભાઇ મોદી જેવા નેતૃત્વની રાષ્ટ્ર અપેક્ષા રાખે છે.
પંડિત વસંત અનંત ગાડગીલે અભિવાદનનો પ્રતિભાવ આપતાં જણાવ્યું કે, સંસ્કૃત ભાષાથી જ ભારતીય સંસ્કારનો આવિર્ભાવ થાય છે. તેમણે નરેન્દ્ર જીવન ચરિત્રનું સંસ્કૃત પ્રકાશન કરવાની અભિલાષા વ્યકત કરી હતી.
આ પ્રસંગે ર્ડા.પતંગરાવ કદમ, ર્ડા.ગો.બં દેગલુરકર, સદાનંદ ફડકે, ર્ડા. શાં.બ.મજમુદાર, ર્ડા.વિશ્વનાથ, દા.કરાડ, ર્ડા.પી.ડી.પાટીલ, ર્ડા.દિપક ટિળક, મહાપોર વૈશાલી બનકર, ર્ડા. વિશ્વજીત કદમ, ર્ડા.રાહુલ કરાડ તથા પુના શહેરની ૬૦ જેટલી વિશ્વ વિઘાલયોના સંચાલકો, સ્થાપકો અને વરિષ્ઠ નાગરિકો અહીં ઉપસ્થિત રહ્યા હતા.