કૃષિ મહોત્સવ
મુખ્ય મંત્રીશ્રીની વિડીયો કોન્ફરન્સ
ખેડૂતો સાથે સાંધ્ય વાર્તાલાપમાં નરેન્દ્રભાઈ મોદીએ આપી ખેતીવાડી ક્ષેત્રમાં આધુનિક માળખાકીય સુવિધાના વિકાસ-વ્યૂહની ભૂમિકા
ખેતીવાડીનું આખું માળખાકીય સુવિધાનું સમયઉચિત સમયપત્રક તૈયાર કર્યું છે
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કૃષિ મહોત્સવના અભિયાન દરમિયાન વિડીયો કોન્ફરન્સ દ્વારા ખેડૂતોની સાથે વાર્તાલાપ કરતાં જણાવ્યું કે, ભૂતકાળમાં ખેડૂતને કુદરતને ભરોસે છોડી દેવાયેલો આ સરકારે ખેડૂતની ખેતી સમૃદ્ધ બને-પોષણક્ષમ બને એવું કૃષિ-માળખાકીય સુવિધાનું સર્વાંગીણ નેટવર્ક ઉભું કર્યું છે.ખેતીની પૂર્વતૈયારી માટે પાણી, જમીન, બિયારણ, ખાતર, વાવણીથી લણણી અને તે પછી ખેતપેદાશોના બજાર અને નિકાસ સુધીની આધુનિક માળખાકીય વિકાસની સુવિધા આપી છે, એમ તેમણે જણાવ્યું હતું.
દેશનો કૃષિ વિકાસ દર ત્રણ ટકાએ આજેય ડચકાં ખાય છે ત્યારે ગુજરાતે અગિયાર ટકાનો કૃષિ વિકાસ કઇ રીતે હાંસલ કર્યો તેની અચરજ-ચર્ચા થાય છે એનો ઉલ્લેખ કરી મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ખેતીવાડી ક્ષેત્રે ખેડૂતને તેના નસીબ ઉપર નથી છોડી દીધો, આયોજનબદ્ધ રીતે ખેતીવાડીને રાજ્યના આર્થિક વિકાસના મહત્વના પાસા તરીકે ગણીને આધુનિક ખેતી માટે ખેડૂતને કૃષિ માળખાકીય સુવિધાઓનું નેટવર્ક આ સરકારે ઉપલબ્ધ કર્યું છે.
રાજ્યમાં કલાઇમેટ ઝોન અંતર્ગત જમીન સુધારણા, જળસંચય, વોટરશેડ કાર્યક્રમ, ખારાશ નિવારણ, સુદૃઢ બજાર વ્યવસ્થા, ખેતીમાલ ગોડાઉન-કોલ્ડ સ્ટોરેજ ચેઇન સુધીની વ્યવસ્થા કરી છે, એમ તેમણે જણાવ્યું હતું.
એકરદીઠ વધુ ઉત્પાદકતા અને મૂલ્યવર્ધિત ખેતીનું ઉત્પાદન એ ગુજરાતના કૃષિ વિકાસનું મહત્વનું પાસું છે. કૃષિ વૈજ્ઞાનિકોએ અનેક પ્રકારના સંશોધનો કરી ઓછા ખર્ચે વધુ ઉત્પાદનનો રસ્તો બતાવ્યો છે. વીજળી પુરવઠા માટે દર વર્ષે ૧પ૦થી ૧૭પ સબ સ્ટેશનો ઉભા થાય છે એના કારણે વીજળી પુરતી મળે છે, પાક ઉભો હોય ત્યારે પાણીના પંપની મોટર વીજળીની અનિયમિતતા અને વોલ્ટેજ ધટાડાના કારણે બળી જતી ત્યારે ખેડૂતનું હૈયું બળી જતું. માત્ર પાક બળી જતો હતો એવું નહોતું.
ખેડૂતો ઉપર ખેતીના ખર્ચનું ભારણ ધટાડવા અનેક માળખાકીય સુવિધા વિકાસ ઉપકારક બન્યા છે જ પરંતુ એની સાથે ખેડૂતની કમાણી વધતી રહી એવી પોસ્ટ હાર્વેસ્ટ એગ્રો ઇન્ફ્રાસ્ટ્રકચરની સુવિધા ઉભી કરી છે.
ભૂતકાળની બધી અવાવરૂ વાવોને પુનઃજીવિત કરી જલમંદિરો બનાવ્યા. તેની બાજુમાં પંચવટી ઉભી કરીને ધટાટોપ વનરાજીની દિશા લીધી છે, એમ તેમણે જણાવ્યું હતું. ગુજરાત સરકારે ખેતરથી બજારતંત્ર સુધી ખેત પેદાશોના પરિવહન માટે સારા માર્ગની જરૂર વિચારીને કિસાનપથ બનાવ્યા છે તેની રૂપરેખા પણ મુખ્ય મંત્રીશ્રીએ આપી હતી.
ગુજરાતનો ખેડૂત દુનિયાના બજારોમાં પાક, ફળફળાદી, શાકભાજી નિકાસ કરતો થયો છે ત્યારે આખા ગુજરાતમાં માલસંગ્રહ માટે નવું માળખું ખૂબ મોટા પાયા ઉપર ઉભું કરાશે. નાના-સિમાંત ખેડૂત પાસે તદ્દન ટૂંકી જમીનમાં પણ પોષણક્ષમ બાગાયત-શાકભાજીની ખેતી કરે અને સમૃદ્ધિ માપે તે માટે ગ્રીન હાઉસ-નેટહાઉસની યોજના શરૂ કરી છે. આવા નેટહાઉસ રપ,૦૦૦ જેટલા નવા બનાવ્યા છે. રૂપિયો ગામડામાં દોડે તો જ શહેર તરફનું અર્થતંત્ર ધબકતું રહેશે એમ તેમણે જણાવ્યું હતું.
ખેડૂતને પોષાય એવી ખેતી ઓછી જમીનમાં વધારે ઉત્પાદન અને ઉત્પાદકતા વધારે મળે તે કૃષિ મહોત્સવે ખૂબ જ મોટું પરિવર્તન લાવી દીધું છે.
આ વર્ષે પણ ચોમાસામાં પૂરતો વરસાદ, જયાં જોઇએ ત્યાં અને જયારે જોઇએ એવો પડે એ માટે કુદરત મહેર કરશે અને આપણે ખેડૂતો પણ વરસાદનું પાણી વેડફશે નહીં એમ પણ તેમણે જણાવ્યું હતું. ઓછી જમીને પાકનું ઉત્પાદન અને ઓછા પશુઓએ વધુ દૂધ ઉત્પાદન એ માટે ખેડૂત કોઇ કચાશ નહીં રાખે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.