જન્માષ્ટમીની જાહેર રજા છોડીને બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લાની અછત પરિસ્થિતિની સર્વાંગીણ સમીક્ષા પ્રવાસ કરતા મુખ્ય મંત્રી

મુખ્યમંત્રીશ્રીના પ્રેરક સુચનો

અછતની આપત્તિને પણ અવસરમાં પલટાવીએ.

ભુતકાળના પરંપરાગત અછત રાહતના આયોજનમાં સરકારી તિજોરી ખાલી થઇ જતી અને દુરોગામી પરિણામો મળતા ન હતા. આ વર્ષના દુષ્કાળમાં અછત-વ્યવસ્થાપનનું ગુજરાત મોડલ પુરૂં પાડીશું.

નર્મદા કેનાલની બંને બાજુએ મોટાપાયે સરકારી જમીનના વિશાળ પટ્ટાઓ ઉપર લીઝ કરારથી ધાસચારા-નર્સરીના વાવેતરની ઝુંબેશ વિશિષ્ટરૂપે જનભાગીદારીથી ઉપાડાશે

પશુઓ માટે પણ પાણી વ્યવસ્થાપન

દુષ્કાળ રાહતમાં ગણેશ ચતુર્થીથી કુપોષણ મુક્તિની સુખડી વિતરણ જનભાગીદારીથી ઝુંબેશ

નરેગાથી નર્મદાના કેનાલના પાણીથી જળસંગ્રહ તળાવો ભરવા અને ખેત તલાવડી સહિત જળ સંરક્ષણના કામોનું અભિયાન

માત્ર અછત-રાહત નહીં, અછત વ્યવસ્થાપનનું નવતર મોડલ

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી આજે ત્રણ જિલ્લાની અછતની સ્થિતિ અને અછત વ્યવસ્થાપનના પગલાંઓની જિલ્લા મથકોએ સમીક્ષા બેઠકો યોજીને અછતની આ વખતની આપત્તિને ગુજરાતમાં કાયમી ઉત્પાદકીય અસ્કયામતો, જળ સંગ્રહ અને કુપોષણ મુક્તિ માટેના નવતર પહેલરૂપ અભિયાનો પાર પાડીને અવસરમાં બદલવા જિલ્લા વહીવટી તંત્રો અને સમાજ શક્તિને પ્રેરક આહવાન કર્યું હતું.

આજે જન્માષ્ટમીના પર્વની જાહેર રજા હોવા છતાં મુખ્યમંત્રીશ્રીએ બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લાના ત્રણેય મુખ્ય મથકોમાં અછત રાહતની સર્વાંગીણ સમીક્ષાનો ઉપક્રમ હાથ ધર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ રાજયમાં અગાઉના બધા દુષ્કાળની સ્થિતિમાં તત્કાળ રાહત પાછળના ખર્ચમાં સરકારની તિજોરીઓ વપરાઇ જતી હતી અને ભવિષ્યના કોઇ દુરંદેશી આયોજનો જ થતાં નહોતાં. તેની તુલના અને પાણીના સંકટની કાયમી જળસ્થાપનના અભાવે સ્થિતિ વિકટ રહેતી હતી તેની ભુમિકા આપી જિલ્લા તંત્રોએ હવે નર્મદા માતા તેના પાણીથી દુષ્કાળના સંકટમાં વહેતા કરીને સહભાગી બન્યા છે,ત્યારે દુષ્કાળના સંકટને પહોંચી વળવાની ક્ષમતાથી પણ એક ડગલું આગળ વધીને દુષ્કાળનું સંકટની આપત્તિને અવસરમાં બદલી કાયમી સમસ્યાઓના નિવારણના નવા પહેલરૂપ આયામો સફળ બનાવવાના છે તેવુ પ્રરક આહવાન કર્યુ હતું. ભુતકાળના અછતના પેરામીટર અને પરંપરાગત રાહત સિવાય ગુજરાતમાં વિકાસની કાયમી ઉત્પાદકીય અસ્કયામતો ઉત્પન્ન કરવા અને દુષ્કાળ નિવારણ વ્યવસ્થાપનનું ગુજરાત મોડલ દેશને આપવાનો અવસર ઝીલી લેવાનું પ્રેરક આહવાન મુખ્યમંત્રીશ્રીએ આપ્યું હતું. રાજય સરકાર આ દિશામાં અછત-વ્યવસ્થાપનના મોડલ માટે કૃત સંકલ્પ છે, એમ તેમણે નિર્ધારપૂર્વક જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ આજે ઉત્તર ગુજરાતમાં અછતગ્રસ્ત જાહેર થયેલા બનાસકાંઠા જિલ્લા અને પાટણ જિલ્લાના મુખ્ય મથકોએ જિલ્લા વહીવટીતંત્રો સાથે અછતના સંકટની તીવ્રતા અને રાજય સરકારે અછતગ્રસ્ત વિસ્તારોની જનતાને ખેતીવાડી, સિંચાઇ, પીવાના પાણી, ધાસચારો, ગ્રામીણ રોજગારી સહિતના અછત રાહતના સર્વગ્રાહી પગલાંની સમીક્ષા કરી હતી.

અછતના સંકટને અવસરમાં પલટાવવા માટે જિલ્લા વહીવટી તંત્રની ટીમો પ્રો એકટીવ, વિઝનરી બનીને ભવિષ્યમાં કોઇપણ અછતમાં પડકાર સામે ક્ષમતા નિર્માણથી સુનિશ્ચિત કરવાના પ્રેરક સુચનો મુખ્યમંત્રીશ્રીએ કર્યા હતા. નર્મદા બ્રાન્ચ કેનાલ માટેના જમીન સંપાદનના બધા જ કામો બનાસકાંઠા જિલ્લાએ કરીને પ્રેરક દ્રષ્ટાંત પુરૂં પાડયું છે, ત્યારે બ્રાન્ચ કેનાલના કામોનું મહિનાવાર આયોજન પુર્ણ કરવાનું મિશન ઉપાડવા તેમણે તાકીદ કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ બનાસકાંઠામાં નર્મદા નીર મુખ્ય કેનાલના ૭૦ કી.મી.ના બંને કાંઠે અને ૧૫ કી.મી. જેટલી બ્રાન્ચ કેનાલની પણ બંને બાજુએ મનરેગાની યોજનાને પ્રેરીત કરીને નર્સરીના અને ધાસચારાના વાવેતરનું ઉત્તમ પ્રકારનું ઉત્પાદકીય કામ વિશાળ પાયા પર રોજગારી આપે તે રીતે હાથ ધરવાનું તત્કાળ આયોજન કરવાનું જણાવ્યું હતું. અછતના સંકટને અવસરમાં પલટાવવાનું આહવાન કરતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જળસંચય અને જળ સંરક્ષણના કાયમી ઉત્પાદકીય કામો અને વિશેષ કરીને ચેકડેમોના ડીસીલીટીંગ કરવાનું વ્યાપક અભિયાન ઉપાડવા અને નરેગા દ્વારા ખેત તલાવડીના કામોનું સમયબધ્ધ તાકિદનું આયોજન કરવા પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. અછતના સંકટ દરમિયાન નર્મદાના પાણીથી તળાવો ઉંડા કરવાનું અભિયાન તાકીદે હાથ ધરવા તેમણે સુચના આપી હતી. પશુધન માટે પણ પાણીની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટેની સુચના આપતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, પશુઓ માટે પાણી અને ધાસચારાનું આયોજન પરિણામકારી હોવું જોઇએ.

ધાસચારા માટે સ્થાનિક ધોરણે ઉપલબ્ધ ધાસચારાનું એકત્રીકરણ મુદા્‍ નોંધીને બનાસકાંઠા અને પાટણમાં ઝુંબેશ ઉપાડી પાર પાડવાની તાકીદ મુખ્યમંત્રીશ્રીએ કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ જિલ્લાઓમાં અછતનો સંપૂર્ણ પ્રતિકાર કરવા માટેના નીતિવિષયક નિર્ણયોનું માર્ગદર્શન આપ્યું હતું.

ડાર્કઝોનના ત્રણેય જિલ્લાઓમાં વીજ જોડાણો ખેતીવાડી માટે પ્રાયોરીટીથી ખેતીવાડી માટે આપવા અને ડ્રીપ ઇરીગેશન ફરજીયાત અપનાવવાની ઝુંબેશ ઉપાડવાની ભુમિકા તેમણે આપી હતી.

પાટણ અને બનાસકાંઠાના પીવાના પાણી પુરવઠા સહિતના જિલ્લા અછત રાહત કંટીજન્સી પ્લાનના અમલીકરણની સમીક્ષા દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, નર્મદાના પાણી સહિત જળ સંગ્રહ અને જળ સંરક્ષણના સંશાધનોનો મહત્તમ કાયમી અસ્કમાતો તરીકે નિર્માણ કરવાનું, તળાવો ભરવાનું, ઉંડા કરવાનું અભિયાન ઉપાડવાનું છે.

જેમાં રાજયના જંગલ વિસ્તારમાં પીવાના પાણીની પુરવઠાની યોજના વન વિસ્તાર હાથ ધરવા માગે તેને તાત્કાલીક મંજુર કરવામાં આવશે. રાજયમાં નર્મદા કેનાલની બંને બાજુએ ગૌશાળા, પાંજરાપોળોને ધાસચારાના વાવેતર માટે તત્પર હોય તેમને આ દુષ્કાળના વર્ષમાં એક વર્ષ માટે ધાસચારા માટે નર્મદા કેનાલનું પાણી અને સરકારી સંપાદીત જમીન લીઝ ઉપર આપવાનો તેમણે નિર્ણય કર્યો હતો.

જીવદયાનું કામ કરતી ગૌશાળાઓને પ્રેરીત કરીને કરાર આધારિત ધાસચારા અને નર્સરીના વિશાળ વાવેતરનું સંયોજન કરવાની નરેગા આધારિત યોજના નર્મદા કેનાલની બંને બાજુની સરકાર સંપાદીત જમીન ઉપર બહુલક્ષી કાર્ય યોજના ઉપાડવા દુષ્કાળ રાહતને વિકાસના પેકેજરૂપે અપનાવવા તેમણે જીલ્લા તંત્રોને સમુહ ચિંતન કરવા અનુરોધ કર્યો હતો.

નરેગા યોજનામાં રોજગારી માટેના કામો સહિત ધાસચારાના વાવેતરની મોટા પાયે વૈજ્ઞાનિક ધોરણે ઉગાડવાની સુચના મુખ્યમંત્રીશ્રીએ આપી હતી. નરેગામાં જળસંચયના કામો ખેત તલાવડી માટેના કામોની ઝુંબેશ ઉપાડીને મનરેગા યોજના દ્વારા મહત્તમ રોજગારી સાથે ઉત્પાદકીય કામો ઉપાડવાનું નવું વિઝન પુરૂં પાડવા તેમણે જિલ્લા ટીમોને પ્રેરણા આપી હતી.

સરકાર હસ્તકના ટયુબવેલમાં નાના ખેડૂતો જ મુખ્યત્વે લાભાર્થી છે ત્યારે ખેતી વિષયક વીજ જોડાણો સરકારી ખર્ચે કરવાનો નિર્ણય રાજય સરકારે લીધો છે. અને ડ્રીપ ઇરીગેશનથી ખેતી કરવા વીજળી અને પાણીની બચત કરવાનું અભિયાન ઉપાડવા તેમણે સુચવ્યું હતું.

બનાસકાંઠા, પાટણ અને કચ્છ સહિતના જિલ્લાઓમાં પરંપરાગત ખેત પધ્ધતિમાં આમુલ બદલાવ આવ્યો છે ત્યારે પરંપરાગત ખેતીને બદલે ફળફળાદી, બાગાયત ખેતીવાડી માટે ઓછા વરસાદે મહત્તમ લાભકારક ખેતી માટેના નવા આયામો હાથ ધરવા મુખ્યમંત્રીશ્રીએ માર્ગદર્શન આપ્યું હતું.

ટયુબવેલ માટે ડ્રીપ ઇરીગેશન ફરજીયાત અપનાવે તેને પ્રાયોરીટીના ધોરણે કૃષિ વિષયક વીજ જોડાણો અગ્રીમ ધોરણે આપવાના અભિયાનની ભુમિકા તેમણે આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ દુષ્કાળના પડકાર સામેના વ્યવસ્થાપનમાં કુપોષણ નિવારણને પણ પ્રાથમિક અગ્રતા આપવાનું સુચન કરતા જણાવ્યું કે, જનભાગીદારી અને સમાજ સેવાને જોડીને અછત રાહત, કુપોષણ મુક્તિ માટે સુખડીના પોષક આહારનું અભિયાન ઉપાડવાનો આ અવસર છે.

ધાસ ઉગાડવાની સાથે ધાસ બચતની ઝુંબેશ ઉપાડવા માટે ગામે ગામ કોમ્યુનીટી ચાફકટરની ડેરી સહકારી વ્યવસ્થા ઉભી કરીને ૪૦ ટકા ધાસ બચતનું અભિયાન ઉપાડવા તેમણે સુચના આપી હતી.

બનાસકાંઠામાં પાલનપુર ખાતે જિલ્લા પ્રભારી મંત્રીશ્રી નીતીનભાઇ પટેલ, વરિષ્ઠ મંત્રીશ્રી ફકીરભાઇ વાધેલા, રાજય મંત્રીશ્રી લીલાધર વાધેલા, ધારાસભ્યો તથા જિલ્લા અધિકારીઓની ઉપસ્થિતિમાં અછત વ્યવસ્થાપનનું આગવું ચિંતન પ્રસ્તુત કર્યું હતું.

બપોરે પાટણ જિલ્લામાં અછત વ્યવસ્થાપનનું ગુજરાત મોડલ સર્જવા માટે જિલ્લા અછત રાહતની સમીક્ષા બેઠકમાં મહેસુલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ, મંત્રીશ્રી રમણલાલ વોરા, મંત્રીશ્રી જયનારાયણ વ્યાસ, સહ પ્રભારી રાજય મંત્રીશ્રી જયસિંહ ચૌહાણ, પ્રભારી સચિવશ્રી રાજીવ ગુપ્તા, ધારાસભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લાઅધિકારીઓ પાસેથી મુખ્યમંત્રીશ્રીએ અછત વ્યવસ્થાપનના પગલાંની જાણકારી મેળવી પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.

બંને જિલ્લાના કલેકટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓએ જિલ્લા કંન્ટીજન્સી પ્લાનના અમલની ભુમિકા આપતું પ્રેઝન્ટેશન રજુ કર્યું હતું.