કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇનાના સેન્ટ્રલ પોલિટિકલ અને લીગલ અફેર્સ કમિશનના સેક્રેટરી મહામહિમ શ્રી મેંગ જિઆનઝુ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યાં હતાં.
પ્રધાનમંત્રીએ છેલ્લાં બે વર્ષમાં ભારત અને ચીન વચ્ચે ઉચ્ચ સ્તરીય મુલાકાતોના સઘન આદાનપ્રદાનને આવકાર્યું હતું અને કહ્યું હતું કે, આ પ્રકારની મુલાકાતોથી બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક સમજણમાં વધારો થયો છે.
પ્રધાનમંત્રીએ આનંદપૂર્વક મે, 2015માં ચીનની તેમની દ્વિપક્ષીય સફળ મુલાકાત અને જી-20 સમિટમાં ભાગ લેવા સપ્ટેમ્બર, 2016માં હાંગ્ઝુની મુલાકાતને યાદ કરી હતી.
બંને નેતાઓએ પારસ્પરિક હિતના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી, જેમાં આતંકવાદ વિરોધી દ્વિપક્ષીય સહકાર સામેલ છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આતંકવાદ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી માટે મોટું જોખમ છે તથા આતંકવાદ વિરોધી બાબતો પર ભારત અને ચીન વચ્ચે સહકારમાં વૃદ્ધિને આવકારી હતી.