રથયાત્રાનાં અવસરે મુખ્યમંત્રીશ્રીનો બ્લોગ
પ્રિય મિત્રો,આવતીકાલે ૧૩૬મી રથયાત્રાનાં અવસરે ભગવાન જગન્નાથ અમદાવાદનાં વિવિધ વિસ્તારોમાં વિહાર કરીને લોકો ઉપર આશીર્વાદ વરસાવશે. અમદાવાદની ગલીઓ ભગવાન જગન્નાથની ભક્તિમાં મસ્ત બનીને “જય રણછોડ, માખણ ચોર”નાં નારાઓથી વાતાવરણ ગૂંજવી દેશે. ભક્તિભાવથી સભર આ વાતાવરણનું વર્ણન માત્ર શબ્દોમાં થઈ શકે તેમ નથી.
રથયાત્રા અમદાવાદ અને ગુજરાતની સંસ્કૃતિનું અભિન્ન અંગ બની ચૂકી છે. આધ્યાત્મ, ભક્તિ અને એકતાનાં પવિત્ર સંગમરૂપી આ રથયાત્રાની એક ઝાંખી મેળવવા સાધુ-સંતો અને ભક્તો અમદાવાદમાં ઉમટી પડે છે. અમદાવાદ સિવાય ગુજરાતભરનાં લગભગ ૧૪૦ સ્થળોએ રથયાત્રા યોજાશે.ભગવાન જગન્નાથ ગરીબોનાં દેવ છે. ભગવાન જગન્નાથ સાથે અમદાવાદ શહેરનો એક ગહેરો ઐતિહાસિક નાતો રહ્યો છે. જાણે કે આ શહેર ભગવાનની જ કૃપાદ્રષ્ટિ હેઠળ ઉછરીને મોટુ થયુ હોય. અમદાવાદ ગરીબ મિલમજુરોનું શહેર હતુ અને ભગવાન જગન્નાથનાં આશિષથી આ શહેરે ગરીબીમાંથી સમૃધ્ધિની સફર કાપી છે. તેમના આશીર્વાદ આપણી ઉપર વરસતા રહે તેવી પ્રાર્થના કરીએ. તેમનાં આશિષ ગરીબમાં ગરીબ વ્યક્તિ તથા ખેડુતો ઉપર વરસે અને તેમની કૃપાથી આગામી વર્ષોમાં ભારત વિકાસની નવી ઉંચાઈઓ સિધ્ધ કરે એવી અભ્યર્થના. આવનાર દિવસોમાં સારો વરસાદ વરસે અને આપણા ખેડુત ભાઈ-બહેનોને તેનો લાભ મળી રહે તેવા આશીર્વાદની ભગવાન જગન્નાથ પાસે યાચના કરીએ.
રથયાત્રા ભારતીય સંસ્કૃતિ તેમજ કોમી એખલાસનાં પ્રતિક સમાન બની ચૂકી છે. આપણી વચ્ચે શાંતિ, એકતા અને સદભાવના બની રહે તેવી પ્રાર્થના ભગવાન જગન્નાથને કરીએ.
કચ્છી નૂતન વર્ષ અને અષાઢી બીજનાં અવસર પર હું મારા કચ્છી ભાઈ-બહેનોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવુ છું. આવનાર વર્ષ આપના જીવનમાં ખુશીઓ અને સમૃધ્ધિ લઈ આવે.
આવતીકાલે રથયાત્રાની શરૂઆતમાં ભગવાનની યાત્રાનો માર્ગ સાફ કરવાની પાહિંદ વિધિ કરવાનું ગૌરવ મને પ્રાપ્ત થશે. આપ સૌ આ યાત્રા નિહાળો એવી મારી વિનંતી છે. આ સાથે હું અગાઉની રથયાત્રાઓનાં કેટલાક ફોટોગ્રાફ મુકી રહ્યો છું. આશા છે આપને ગમશે.
જય શ્રીકૃષ્ણ નરેન્દ્ર મોદી