પ્રિય મિત્રો,
આજનાં દિવસે આપણે ભારત માતાનાં બે મહાન સપૂતોને શ્રધ્ધાંજલિ પાઠવીએ છીએ. ૧૮૬૯ માં આજનાં જ દિવસે પોરબંદરમાં મહાત્મા ગાંધીનો જન્મ થયો હતો. પોતાનાં વિચારો તથા સત્ય અને અહિંસા જેવા આદર્શોનાં સામર્થ્યથી મોહનદાસ કરમચંદ ગાંધીએ સમગ્ર બ્રિટિશ સામ્રાજ્યનો પાયો હચમચાવી દીધો. આપણા માટે ઘણા ગૌરવની વાત છે કે મહાત્મા ગાંધીએ ગુજરાતને પોતાની જન્મભુમિ અને કર્મભુમિ બનાવ્યું. મને એથીય વિશેષ ગૌરવ એ વાતનું છે કે ગુજરાતે વિશ્વને બતાવી આપ્યું કે ૨૧મી સદીમાં બાપુએ બતાવેલ માર્ગ અને આદર્શો પર ચાલીને વિકાસની નવી ઉંચાઈઓ સુધી કેવી રીતે પહોંચી શકાય.
આ જ દિવસે જન્મેલા શ્રી લાલ બહાદુર શાસ્ત્રીને આપણે હૃદયપૂર્વક શ્રધ્ધાંજલિ પાઠવીએ. શાસ્ત્રીજી મહાત્મા ગાંધીનાં આદર્શો પર ચાલીને જાહેર જીવનમાં નૈતિક મૂલ્યોનાં પ્રેરણાસ્ત્રોત સમાન બની રહ્યા. ‘જય જવાન, જય કિસાન’ ની તેમની હાકલ પ્રત્યેક દેશભક્ત ભારતીયનાં દિલ અને દિમાગમાં આજે પણ ગૂંજી રહી છે.
મિત્રો, મારું કાયમથી માનવું રહ્યું છે કે ગાંધીજીને સમજવા હોય તો આ મહામાનવ પર લખાયેલ ઢગલાબંધ પુસ્તકો વાંચવા માત્રથી કામ ચાલશે નહિ, તેમનાં આદર્શોને જીવી જાણવા પડશે. એટલે જ, આજનાં દિવસે હું લોકોને ખાદીને તેમનાં જીવનનો હિસ્સો બનાવવા માટે પ્રોત્સાહિત કરતો રહું છું.
ખાદી માત્ર કાપડનો ટુકડો નથી, એ એક વિચારધારા છે. ખાદી અને ચરખો – આ બે તો એવા એવા પ્રતિક છે જેણે આઝાદીની લડાઈમાં સમગ્ર દેશને સંગઠિત કર્યો. ખાદીનાં શસ્ત્રથી આપણે ૧૯૪૭ પહેલા શાસન જમાવીને બેઠેલી વિદેશી સલ્તનતને પડકાર ફેંક્યો, અને ખાદી વિદેશી સામ્રાજ્યવાદ સામેની લડતનું પ્રતિક બની ગઈ, જનશક્તિને જાગૃત કરનારું અદભુત શસ્ત્ર બની ગઈ.
મને ખાત્રી છે કે ખાદીની ફેશન દુનિયાભરનાં લોકો પર પોતાનો પ્રભાવ નાંખીને તેમને ઘેલા બનાવી શકે છે. આવનાર સમયમાં ‘ખાદી ફોર નેશન, ખાદી ફોર ફેશન’નું સૂત્ર ઘણું ઉપયોગી નીવડી શકે છે. આ દિશામાં આગળ વધવાની નેમ સાથે ગુજરાત સરકારે નવી વસ્ત્રનીતિ તૈયાર કરી છે જે આપણા વણકરભાઈઓનાં જીવનમાં નવો આનંદ અને સમૃધ્ધિ લઈ આવશે. દરિદ્રનારાયણનાં જીવનમાં મોટું પરિવર્તન લાવવા માટે આ એક અગત્યનું માધ્યમ બની રહેશે.
મિત્રો, આપણે ૧૯૪૭ માં સ્વરાજ તો મેળવી લીધું, પણ ગાંધીજીનાં સ્વપ્નનાં સુરાજ્યની પ્રાપ્તિ કરવી હજી બાકી છે. સુરાજ્યની પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરવાની અને દરિદ્રનારાયણની સેવાને વરેલ હોય તેવા સમાજનું નિર્માણ કરીને મહાત્મા ગાંધીનાં સ્વપ્નને પરિપૂર્ણ કરવાની જવાબદારી હવે આપણા શિરે છે.
છેલ્લે, પ્રખ્યાત વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈનસ્ટાઈને મહાત્મા ગાંધી માટે કહેલા જબરદસ્ત શબ્દો આપની સામે મૂકવા માંગુ છું. તેમણે કહ્યું હતું, “આવનારી પેઢીઓ ભાગ્યે જ માની શકશે કે હાડમાંસનો બનેલો આવો માનવ ક્યારેય પણ આ ધરતી પર ચાલ્યો હતો.”
ફરી એકવાર, ગાંધીજ્યંતિનાં અવસર પર આપ સૌને શુભેચ્છા પાઠવું છું. આજનાં આ દિવસે ચાલો આપણે ખાદીને આપણાં જીવનનો અભિન્ન હિસ્સો બનાવવાનો નિર્ધાર કરીએ. તમારે આખું કબાટ ખાદીથી ભરી દેવાની જરૂર નથી, પણ જાવ અને ખાદીની બહુ નહિ તો થોડી ઘણી વસ્તુઓ ખરીદી લાવો. આ રીતે, તમે માત્ર મહાત્મા ગાંધીનાં આદર્શોને જીવશો એટલું જ નહિ પણ ગાંધીજીનાં દિલમાં જેમનું વિશેષ સ્થાન હતું તેવા દરિદ્રનારાયણનાં જીવનમાં પણ આનંદ અને સમૃધ્ધિનો પ્રકાશ ફેલાવી શકશો.
આપનો,
નરેન્દ્ર મોદી