શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી તરીકે મળેલી વધુ ૩૦૬૪ કિંમતી ભેટ સોગાદો સરકારી તોષાખાનામાં જમા કરાવી...
મુખ્યમંત્રીશ્રીને મળતી પ્રજાકીય ભેટસોગાદોની સરકાર દ્વારા જાહેર હરાજી કરાવીને ગુજરાતની કન્યાઓને શિક્ષિત બનાવવાનો અનન્ય ઉપક્રમ
અગાઉની જાહેર હરાજીઓમાં ભેટ સોગાદોના વેચાણમાંથી મળેલું રૂા. ૧૯ કરોડનું ભંડોળ કન્યા કેળવણી નિધિ માટે જમા
બાર વર્ષમાં ૧૯ કરોડ રૂપિયાની ભેટ સોગાદો સરકારી તોષાખાનામાં જમા કરાવી
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમને આ વર્ષમાં (ર૦૧ર-૧૩) જનતા તરફથી મળેલી વિવિધલક્ષી ભેટસોગાદોની અવનવીન એવી વધુ કુલ ૩૦૬૪ ચીજવસ્તુ્ઓ આજે સરકારી તોષાખાનામાં જમા કરાવી હતી. આજે જમા થયેલી કુલ ભેટસોગાદોનું અંદાજીત એકંદર મૂલ્ય રૂ. ૨૬.૫૪ લાખ થવા જાય છે.
મુખ્યમંત્રીશ્રીએ તોષાખાનામાં જમા કરાવેલી આ કિંમતી ભેટસોગાદોમાં ૧૦૩ વસ્તુઓ સોના-ચાંદીની છે જેની અંદાજિત અપસેટ વેલ્યુ રૂા. ૧૪ લાખ ૮૧ હજાર ૭૧ર થવા જાય છે.
સમગ્ર દેશમાં એકમાત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની કન્યાઓને શિક્ષિત બનાવવા અનોખો વ્ય્ક્તગત સંકલ્પ કર્યો છે. જાહેર સમારંભો અને પ્રજાજનો તરફથી તેમને મળતી તમામ પ્રકારની કિંમતી ભેટસોગાદો રાજય સરકારના તોષાખાનામાં તેઓ શાસનની શરૂઆતથી જ જમા કરાવતા રહ્યા છે અને જાહેર હરાજીથી તેનું પ્રજામાંથી જ ભંડોળ એકત્ર કરી મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ દ્વારા કન્યાઓના શિક્ષણ માટે જ તે વાપરવામાં આવે છે.
નવેમ્બર – ૨૦૦૧ થી અત્યાર સુધીમાં ૧૩ વખત શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ કન્યા કેળવણી માટેના આ પ્રેરક સંકલ્પ તરીકે કુલ મળીને ૧પ૪૬૪ ભેટસોગાદો જમા કરાવી અને તેની હરાજીમાંથી રૂ.૧૮ કરોડ ૯૧ લાખ જેટલું માતબર ભંડોળ મેળવ્યું છે. આજે તોષાખાનામાં જમા થયેલી કુલ ૩૦૬૪ કિંમતી ચીજવસ્તુઓ સાથે મુખ્યમંત્રીશ્રીએ ૧ર વર્ષમાં જમા કરાવેલી કુલ ભેટસોગાદો ૧૮૭૧૦ જેટલી થવા જાય છે. રાજયની જનતાએ ભારે ઉમળકાભર્યો પ્રતિસાદ આપીને તેની હરાજીમાં ભાગ લીધો છે. અત્યાર સુધીમાં અમદાવાદ, ગાંધીનગર, સુરત, મહેસાણા, રાજકોટ, વલસાડ અને વાપી ભાવનગર, ભરૂચ, આણંદ સહિત વિવિધ જિલ્લા ઓમાં આવી જાહેર હરાજી થઇ છે.
આજે જમા કરાવવામાં આવેલી ભેટસોગાદોની જાહેર હરાજીની તારીખ અને સ્થળની જાહેરાત હવે પછી કરાશે.
આજે સરકારી તોષાખાનામાં જમા થયેલી વિવિધ ૩૦૬૪ ભેટસોગાદોમાં ચાંદીના કડાં સહીત ચાંદી – સોનાની મૂર્તિઓ, કલાકૃતિઓ, કલામય રથ, ધાતુની અનન્ય કલાકૃતિઓ, ઘડિયાળો, સ્મૃતિભેટો અને ચંદ્રકો, કાષ્ટ કલાકૃતિઓ, શાલ–પાઘડીઓ, કલા છત્રીઓ, સિક્કા,અવનવી ફોટોફ્રેમ, તલવારો અને તીરકામઠા, આદિવાસી અને અન્ય કોમના પરંપરાગત વસ્ત્રો સહીતની અનેક આકર્ષક ભેટ સોગાદોનો સમાવેશ થાય છે. આમાં સોના ચાંદીની જ ૧૦૩ જેટલી ભેટસોગાદો છે.