ટેકનોલોજીના માધ્યમથી ભારતના વિવિધ ૧૦૦૦ સ્થળો ઉપર ચાની દુકાનોમાં બેઠલા હજારો-હજારો સામાન્યજનો સાથે સુશાસન વિષે વાતચીત કરતા ભાજપાના વડાપ્રધાન પદના ઉમેદવાર
વર્તમાન સ્થિતિમાં શાસક ઉપરથી દેશની જનતાનો તૂટી ગયેલો ભરોસો પ્રસ્થાપિત કરવા સુશાસનની અનુભૂતિ કરાવવાનો નિર્ધાર
- ચા એ ભારતીયજનોનું રાષ્ટ્રીય પીણું
- ચાની દુકાન છે, લોકચર્ચાની ચોપાલ
- ‘ચાય પે ચર્ચા' - એ ભારતીય લોકતંત્રમાં જન-જન સાથે વિવિધ ચર્ચાનો સફળ પ્રયોગ
ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાનપદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ લોકતંત્રમાં શાસન ઉપરથી જનતાનો ભરોસો તૂટી જવાની વર્તમાન સ્થિતિને ગંભીર સંકટ ગણાવતા જણાવ્યું કે લોકશાહીમાં જનતાનો ભરોસો પૂનઃસ્થાપિત કરવા માટે સુશાસનની અનુભુતિનો સાક્ષાત્કાર કરાવવા તેઓ પ્રતિબધ્ધા છે.
અમદાવાદના એસ.જી. હાઇવે ઉપર ‘ચાય પે ચર્ચા'ના અભિનવ પ્રયોગ દ્વારા દેશના સામાન્યજનો સાથે સંવાદ કરવાના શ્રી નરેન્દ્ર ભાઇ મોદીના સાર્વજનિક જીવનમાં નવીનતમ પહેલનો આજે સાંજે પ્રારંભ થયો હતો.
શ્રી નરેન્દ્રભાઇ મોદી ટેકનોસેવી છે અને તેમના પ્રેરક માર્ગદર્શન હેઠળ ભારતના જાહેરજીવનમાં કોઇ રાજકીય નેતાએ ચાની દુકાન ઉપર જન-જનની વચ્ચે બેસીને વિવિધ વિષયોની ચર્ચા કરવાનો એક નવો જ ઐતિહાસિક કિર્તીમાન સ્થાપિત કર્યો છે. આજના પ્રથમ પ્રયોગની ચર્ચાનો વિષય તેમણે સુશાસન (ગુડ ગવર્નન્સ્) રાખ્યો હતો અને ટેકનોલોજીના વવિધ પાંચ માધ્યમો દ્વારા સુશાસનના વિષય માટે દેશભર માંથી સામાન્ય નાગરિકને પ્રશ્નો પૂછવા સૂચનો આપવા કે અનુભવ દર્શાવવા આમંત્રણ આપ્યું હતું. દેશના વિવિધ ૩૦૦ શહેરોમાં ૧૦૦૦ ચાની દુકાનો ઉપર એકત્ર થયેલા હજારો લોકોએ ‘ચાય પે ચર્ચા'માં ભાગ લઇ શ્રી નરેન્દ્ર ભાઇ મોદીને પૂછાયેલા પ્રશ્નોના પ્રેરક ઉત્તરો જાણ્યા હતા.
ચાય એ આપણું રાષ્ટ્રીય પીણું છે અને ચાની દુકાન એ સામાન્ય માનવી માટે ચર્ચાની ચોપાલ છે. મેં નાનપણમાં રેલ્વેના ડબ્બામાં ચા વેચતા સામાન્ય માનવીની વાતો જાણી છે એમ મુખ્ય મંત્રીશ્રીએ ‘ચાય પે ચર્ચા'ના નવતર પ્રયોગની ભૂમિકા આપણાં જણાવ્યું હતું.
ચાની દુકાનમાં જનતા અનેક વિષય ઉપર પોતાના અભિપ્રાય આપે છે, સમસ્યાના સુઝાવની ચર્ચા કરી છે અને એક પ્રકારે ‘ચાય પે ચર્ચા' લોકસભાનું રૂપ છે એમ તેમણે જણાવ્યું હતું.
‘ચાય પે ચર્ચા'ના આ પહેલા એપિસોડની સફળતાના પગલે અન્ય સ્થળોએ પણ ચાયની દુકાન ઉપર જઇશું અને જુદા જુદા વિષય ઉપર જનતા સાથે સંવાદ કરીશું તેમના પ્રશ્ન સાંભળીશું, સુઝાવ-સૂચનો મેળવીશું એમ તેમણે જણાવ્યું હતું. હરેક પ્રસંગે લગભગ ૧૦૦૦ સ્થાનોમાં ટેકનોલોજીથી આ ચર્ચા જીવંત સ્વરૂપે રહેશે એમ પણ તેમણે ઉમેર્યું હતું.
આજના પ્રથમ પ્રયોગમાં હજારો સામાન્યજનોએ પ્રશ્નો મોકલ્યા છે અને ભાગ લીધો છે તેમને અભિનંદન આપતાં શ્રીનરેન્દ્ર ભાઇ મોદીએ જણાવ્યું કે ચાયની દુકાન એટલા માટે પસંદ કરી છે કે ચાની દુકાન ગરીબમાં ગરીબ માટે રોજીરોટીનું સાધન છે અને જન-મનની વાતચિતનું કેન્દ્ર છે.
આજના ‘ચાય પે ચર્ચા'ના પ્રથમ પ્રયોગમાં ‘સુશાસન'ના વિષય ઉપર ભારતના વિવિધ શહેરો-ગામોમાંથી પૂછાયેલા સામાન્ય જનના સવાલોના માર્ગદર્શક ઉત્તરો શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ આપ્યા હતા.
તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીજીએ આપણને સ્વરાજ અપાવ્યું પણ એને સુરાજ્યેમાં લઇ જઇ શક્યા નથી અને છેલ્લા એક દશકામાં તો દેશમાં એવી મનઃસ્થિતિ કુશાસન (બેડગવર્નન્સ)થી થઇ છે કે જનતાનો ભરોસો જ શાસન માંથી ઉઠી ગયો છે.
સવાસો કરોડ દેશવાસીઓમાં પાોતાની જ ચૂંટાયેલી સરકાર ઉપર જનતાનો ભરોસો ઉઠી જાય તો તે લોકતંત્ર સામે મોટું સંકટ છે. શરીર બહારથી ગમે તેવું તંદુરસ્તી દેખાતું હોય પણ એકવાર તેને ડાયાબિટીસનો રોગ પ્રવેશે તો અનેક બિમારીનો શિકાર બની જાય છે અને કુશાસનમાં આ પ્રકારની વિકૃતિઓ પ્રવેશી ગયા પછી દેશને બરબાદી તરફ લઇ જાય છે. વર્તમાનમાં આવી જ સ્થિેતિ છે અને તેથી જ જનતાનો ભરોસો શાસન વ્યવસ્થાામાં પૂનઃ સ્થાથપિત કરવા સુશાસનની અનુભૂતિ કરાવવા તેઓ પ્રતિબધ્ધા છે એમ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ચૂંટણી એ લોકતંત્રમાં લોકશિક્ષણનું પર્વ છે અને બધી રાજકીય પાર્ટીએ જનતા સમક્ષ પોતાની વાત કહેવી જોઇએ, સમજાવવી જોઇએ અને લોકોની વાતો સમજવી જોઇએ. આ હેતું છે. ‘ચાય પે ચર્ચા' નો, ટેકનોલોજીના માધ્યમ દ્વારા આ નવતર લોકશિક્ષણના પ્રયોગની પહેલ કરી છે. આના દ્વારા તેઓ દેશના બે કરોડ જનોની સાથે સંપર્ક કરી શકશે.