NCTCનો આદેશ ભારતીય સંવિધાનના  સંધીય સમવાયતંત્રના માળખાની ભાવનાની સદંતર વિરૂધ્ધનો

નરેન્દ્રભાઇ મોદી નેશનલ કાઉન્ટર ટેરરિઝમ સેન્ટર(NCTC) ના કેન્દ્રીય આદેશનો અમલ તાત્કાલિક અસરથી પાછળ ખેંચો

બંધારણે આપેલા કાયદો-વ્યવસ્થા અંગેના રાજ્યોના સત્તાઅધિકારો છીનવી  લેવાનું કેન્દ્ર સરકારનું એક વધુ દુષ્કૃત્ય છે

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વડાપ્રધાન ડો. મનમોહનસિંહને પત્ર પાઠવીને નેશનલ કાઉન્ટર ટેરરિઝમ સેન્ટર (NCTC) અંગે ભારત સરકારના ગૃહ મંત્રાલયે બહાર પાડેલા આદેશ અંગે  આક્રોશ અને વિરોધ વ્યકત કર્યો છે અને એવી સ્પષ્ટ માંગણી કરી છે કે ભારતના સંવિધાનની સંધીય સમવાયતંત્રના માળખાની જોગવાઇઓનું સદંતર ઉલ્લંધન કરતા અને રાજ્યોની સત્તાઓ ઉપર તરાપ મારતા, આદેશનો અમલ તાત્કાલિક અસરથી મોકૂફ કરી દેવો જોઇએ.

મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીને લખેલા પત્રમાં NCTCના અમલથી રાજ્યોની કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટેના અધિકારો ઉપર કેવી વિપરીત અસરો ઉભી થશે તેની સ્પષ્ટ ભૂમિકા આપતાં જણાવ્યું છે કે, કેન્દ્રીય ગૃહમંત્રાલયે ૩ જી ફેબ્રુઆરી-ર૦૧રના રોજ બંધારણના આર્ટિકલ ૭૩ની જોગવાઇના નામે ઓફિસ મેમોરેન્ડમ Ш 11011/67/05-IS.IVથી આદેશ બહાર પાડીને તમામ પ્રકારની ઇન્ટેલીજન્સ એજન્સીઓને NCTC હેઠળ મૂકી દેવાનો નિર્ણય કર્યો છે. આ નોટીફીકેશન અંતર્ગત તો દેશના રાજ્યોની અને દેશ બહારની તમામ ઇન્ટેલીજન્સ અને તપાસ એજન્સીઓએ NCTCને સહાયક ભૂમિકામાં જ કાર્ય કરવાનું રહેશે.

ઉપરાંત NCTCને અનલોફૂલ એકટીવિટી (પિ્રવેન્શન એકટ) હેઠળ ધરપકડ (એરેસ્ટ) અને સર્ચ (શોધ)નીસત્તાઓ પણ આપવામાં આવેલી છે. વાસ્તવમાં, ભારતીય બંધારણમાં કાયદો અને વ્યવસ્થાનો વિષય રાજ્ય સરકારોની યાદીમાં મૂકવામાં આવેલો છે અને કાયદો-વ્યવસ્થા તથા પોલીસ અને ગુનાઇત તપાસ એ રાજ્યોની સત્તાનો વિષય છે. આ સંદર્ભમાં, NCTCના અમલથી રાજ્ય સરકારોની સત્તા ઉપર સીધી તરાપ મારવામાં આવી છે. એટલે જ નહીં, આ પ્રકારના આદેશનો અમલ કરવા માટે રાજ્ય સરકારોનો પરામર્શ કરવાની પણ દરકાર કેન્દ્ર સરકારે લીધી નથી જે સંવિધાનના સંધવાયતંત્રના માળખાના સિધાંતોની ભાવનાનું સીધું ઉલ્લંધન છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું છે કે આતંકવાદ અને નકસલવાદ જેવા, દેશ સામે અંતરાયરૂપ ગંભીર સંકટોને પરાસ્ત કરવા માટે એકસૂત્રીય રાજકીય ઇચ્છાશકિતની રણનીતિ માટે બધાં રાજ્યોને વિશ્વાસમાં લેવાને બદલે, તેની આડમાં રાજ્યોના સત્તાઅધિકાર છીનવી લેવાનો કેન્દ્ર સરકારનો આ આદેશ તાત્કાલિક પાછો ખેંચી લેવાવો જોઇએ અને રાજ્ય સરકારોની સાથે પરામર્શ કરવો જ જોઇએ.