પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સક્રિય વહીવટ અને સમયસર અમલીકરણ માટે આઇસીટી આધારિત મલ્ટિ-મોડલ પ્લેટફોર્મ પ્રગતિ મારફતે 16મા સંવાદની અધ્યક્ષતા કરી હતી.
પ્રધાનમંત્રીએ શ્રમ અને રોજગાર મંત્રાલય સાથે સંબંધિત ફરિયાદોના સંચાલન અને નિવારણ સંબંધિત પ્રગતિની સમીક્ષા કરી હતી, જેમાં મુખ્યત્વે ફરિયાદો ઇપીએફઓ, ઇએસઆઇસી અને શ્રમ કમિશનર્સ સાથે સંબધિત હતી. સચિવ (શ્રમ વિભાગ)એ ફરિયાદ નિવારણ વ્યવસ્થામાં સુધારાની રૂપરેખા રજૂ કરી હતી, જેમ કે દાવાઓના ઓનલાઇન ટ્રાન્સફરની શરૂઆત; ઇલેક્ટ્રોનિક ચલણ; મોબાઇલ એપ્લિકેશન્સ અને એસએમએસ એલર્ટ; આધાર નંબર સાથે યુએએનનું જોડાણ; ટેલિ-મેડિસિનની શરૂઆત અને વધુ સુપર-સ્પેશ્યાલિટી હોસ્પિટલને પેનલમાં સમાવેશ કરવી વગેરે.
પ્રધાનમંત્રીએ શ્રમ અને ઇપીએફ લાભાર્થીઓની ફરિયાદોની મોટી સંખ્યા પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, સરકારે કામદારોની જરૂરિયાતો પ્રત્યે વધુ સંવેદનશીલતા દાખવવી જોઈએ. તેમણે કહ્યું હતું કે, લોકશાહીમાં શ્રમિકો તેમના કાયદેસર અધિકારો મળવા સંઘર્ષ ન કરવા જોઈએ. તેમણે એવી વ્યવસ્થા ઊભી કરવાની વિનંતી કરી હતી, જેમાં તમામ કર્મચારીઓ માટે નિવૃત્તિના લાભોને અંતિમ ઓપ આપવાની પ્રક્રિયા કર્મચારી નિવૃત્ત થાય એના એક વર્ષ અગાઉ શરૂ થઈ શકે. તેમણે કહ્યું હતું કે, જો આકસ્મિક સંજોગોમાં કર્મચારીનું મૃત્યુ થાય તો તેની સાથે સંબંધિત કાગળિયા નિશ્ચિત સમયની અંદર પૂર્ણ થવા જોઈએ અને અધિકારીઓને આ માટે જવાબદાર બનાવવા જોઈએ.
ઇ-નામ પહેલની પ્રગતિની સમીક્ષા દરમિયાન અધિકારીઓએ ઉલ્લેખ કર્યો હતો એપ્રિલ, 2016માં શરૂ થયેલી આ પહેલ 8 રાજ્યોમાં 21 બજારોમાં ફેલાયેલી હતી, પણ હવે 10 રાજ્યોના 250 બજારોમાં તેનું વિસ્તરણ થયું છે. 13 રાજ્યોએ એપીએમસી કાયદામાં સુધારો કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે. પ્રધાનમંત્રી મોદીએ બાકીના રાજ્યોને ઝડપથી એપીએમસી કાયદામાં સધારો કરવાની વિનંતી કરી હતી, જેથી સમગ્ર દેશમાં ઇ-નામ લાગુ કરી શકાય. તેમણે કહ્યું હતું કે, જો આકારણી અને ગ્રેડિંગ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે, તો ખેડૂતને લાભ થઈ શકે છે તથા ખેડૂત સમગ્ર દેશના બજારોમાં તેમના ઉત્પાદનનું વેચાણ કરી શકે. તેમણે ઇ-નામ પર રાજ્યોના મુખ્ય સચિવોને સૂચવા કરવા પણ જણાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ તેલંગાણા, ઓરિસ્સા, મહારાષ્ટ્ર, કેરળ, ઉત્તરપ્રદેશ, દિલ્હી, પંજાબ, હિમાચલપ્રદેશ, સિક્કિમ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને બિહાર સહિત કેટલાક રાજ્યોમાં પથરાયેલા રેલવે, રોડ, વીજળી અને કુદરતી ગેસના ક્ષેત્રોમાં આવશ્યક માળખાગત પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા પણ કરી હતી. પ્રધાનમંત્રીએ સમયસર પ્રોજેક્ટ પૂર્ણ કરવાના મહત્ત્વ પર પણ ભાર મૂક્યો હતો, જેથી સમયની સાથે પ્રોજેક્ટના ખર્ચમાં વધારો ટાળી શકાય અને પ્રોજેક્ટમાં કલ્પના કરેલા મૂળ ફાયદા લોકોને સમયસર મળે. આજે સમીક્ષા થયેલા પ્રોજેક્ટ્સમાં સામેલ છેઃ હૈદરાબાદ અને સીકંદરાબાદ માટે મલ્ટિ-મોડલ ટ્રાન્સપોર્ટ સિસ્ટમનો બીજો તબક્કો; અંગામલી-સબરીમાળા રેલવે લાઇન; દિલ્હી-મેરઠ એક્સપ્રેસ-વે; સિક્કિમમાં રેનોક-પેકયોંગ રોડ પ્રોજેક્ટ; અને પૂર્વ ભારતમાં વીજળીનું માળખું મજબૂત કરવાના પ્રોજેક્ટનો પાંચમો તબક્કો. ઉત્તરપ્રદેશમાં ફૂલપુર-હલ્દિયા ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા પણ હાથ ધરવામાં આવી હતી.
પ્રધાનમંત્રીએ અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન (અમૃત)ની પ્રગતિની પણ સમીક્ષા કરી હતી. તેમણે તમામ મુખ્ય સચિવોને અમૃત હેઠળ તમામ 500 શહેરોના રહેવાસીઓને પીવાનું સ્વચ્છ પાણી ઉપલબ્ધ કરવાની સુનિશ્ચિતતા કરવા પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, હિંદીમાં “नगर”શબ્દનો અર્થ નળ (પીવાનું પાણી), ગટર (સ્વચ્છતા અને સાફસફાઈ) અને રસ્તા (માર્ગો) થાય છે. તેમણે કહ્યું હતું કે, અમૃત નાગરિક-કેન્દ્રીય સુધારા પર કેન્દ્રીત હોવી જોઈએ.
પ્રધાનમંત્રીએ સંબંધિત મુદ્દાઓ પર કહ્યું હતું કે, આ પ્રકારના સુધારા સરકારના તમામ વિભાગોમાં પણ થવા જોઈએ. વિશ્વ બેંકના વેપારવાણિજ્ય સરળ કરવાના લેટેસ્ટ રિપોર્ટનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ તમામ મુખ્ય સચિવો અને ભારત સરકારના તમામ સચિવોને રિપોર્ટનો અભ્યાસ કરવા તથા તેમના વિભાગો અને રાજ્યોમાં સુધારા માટેની શક્યતા ધરાવતા સંભવિત ક્ષેત્રોનું વિશ્લેષણ કરવા જણાવ્યું હતું. તેમણે આ સંબંધમાં તમામને એક મહિનાની અંદર રિપોર્ટ સુપરત કરવા અને આ રિપોર્ટ્સની સમીક્ષા કરવા કેબિનેટ સચિવને જણાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે યુનિયન બજેટ એક મહિનો અગાઉ રજૂ કરવામાં આવશે, જેથી તેના પ્રોજેક્ટ્સ અને યોજનાઓનો ઝડપથી અમલ સુનિશ્ચિત થાય. તેમણે તમામ રાજ્યોને અગાઉથી તેમની યોજના બનાવવા વિનંતી કરી હતી, જેથી તેમને આ કદમનો મહત્તમ લાભ મળી શકે.
આગામી સરદાર પટેલ જયંતિના ઉપક્રમે પ્રધાનમંત્રીએ તમામ સચિવો અને મુખ્ય સચિવોને તમના હાથ નીચેના વિભાગો અને સંસ્થાઓમાંથી ઓછામાં ઓછી એક વેબસાઇટ સુનિશ્ચિત કરવા કામ કરવા વિનંતી કરી હતી, જે ભારતની તમામ સત્તાવાર ભાષાઓમાં ઉપલબ્ધ હશે.