PM Modi calls for collective effort to completely eliminate the ‘treatable disease’ of leprosy from India
Mahatma Gandhi had an enduring concern for people afflicted with leprosy: PM
Effort to eliminate leprosy from this country under the National Leprosy Eradication Programme is a tribute to Mahatma Gandhi’s vision: PM

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતમાંથી ‘સારવારક્ષમ રોગ’ રક્તપિત્તને સંપૂર્ણપણે નાબૂદ કરવા સહિયારા પ્રયાસો માટે અપીલ કરી છે.

રક્તપત્તિ નિવારણ દિવસના પ્રસંગે પોતાના સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આપણે સારવાર મેળવીને સ્વસ્થ થનાર વ્યક્તિઓના સામાજિક-આર્થિક ઉત્થાન અને રાષ્ટ્રનિર્માણમાં તેમના પ્રદાન માટે ખભેખભો મિલાવીને કામ કરવું પડશે. તેમણે જણાવ્યું હતું કે, અમે એ સુનિશ્ચિત કરવા આતુર છીએ કે આપણા દેશના નાગરિકો સન્માનપૂર્વક જીવન જીવે, જેનું સ્વપ્ન મહાત્મા ગાંધીએ જોયું હતું.

પ્રધાનમંત્રીએ યાદ કર્યું હતું કે, મહાત્મા ગાંધીએ રક્તપિત પીડિતો માટે સતત પ્રયાસ કર્યા હતા. તેઓ આ રોગીઓની સારવાર કરવાની જ નહીં, પણ તેમને આપણા સમાજના મુખ્ય પ્રવાહમાં સામેલ કરવાનું સ્વપ્ન સેવતા હતા તેવું તેમણે ઉમેર્યું હતું.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, રાષ્ટ્રીય રક્તપિત નાબૂદી કાર્યક્રમ હેઠળ આ દેશમાંથી રક્તપિત નાબૂદ કરવાનો પ્રયાસ મહાત્મા ગાંધીના સ્વપ્નને શ્રદ્ધાંજલિ સમાન છે. તેમણે આ કાર્યક્રમ 1955માં શરૂ થયો હોવાની યાદ અપાવી હતી. તેમણે નોંધ્યું હતું કે, જાહેર સ્વાસ્થ્ય સમસ્યા તરીકે રક્તપિત નાબૂદીનો લક્ષ્યાંક વર્ષ 2005માં હાંસલ કરવામાં આવ્યો છે, જે રાષ્ટ્રીય સ્તરે 10,000ની વસતિ દીઠ 1 કેસથી ઓછાનો દર હતો. તેમણે જણાવ્યું હતું કે, ત્યારબાદ કેસ નિદાનના દરમાં આંશિક ઘટાડો થયો છે, છતાં નિદાન સમયે દેખાતી ખોડ વધી છે. તેમણે કહ્યું હતું કે, એક રાષ્ટ્ર તરીકે અમે છેવાડાના માણસ સુધી પહોંચવા કોઈ કસર બાકી નહીં રાખીએ, પણ આ રોગ સાથે જોડાયેલ સામાજિક કલંકને દૂર કરવા પણ સહિયારો પ્રયાસ કરીશું.

પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, વર્ષ 2016માં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય અભિયાન હેઠળ સમુદાયમાં રક્તપિતના કેસ વહેલાસર ઓળખવા ત્રિપાંખિયો વ્યૂહ અપનાવવામાં આવ્યો છે, ખાસ કરીને અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારોમાં. વર્ષ 2016માં વિશેષ લેપ્રોસી કેસ ડિટેક્શન અભિયાન (રક્તપિત કેસ નિદાન અભિયાન) હાથ ધરવામાં આવ્યું હતું. તેના પરિણામે 32,000થી વધારે કેસોની પુષ્ટિ થઈ હતી અને તેની સારવાર કરવામાં આવી હતી. ઉપરાંત દર્દીઓના અતિ સંપર્કમાં રહેનારી વ્યક્તિઓને પણ રોગ ન થાય તેની શક્યતા ઘટાડવા દવા આપવામાં આવી હતી.