રક્ષાબંધન – ભાઈ અને બહેન વચ્ચેના સ્નેહના બંધનની ઉજવણી
પ્રિય મિત્રો,
આજે સમગ્ર વિશ્વમાં ભારતીયો રક્ષાબંધનનું પર્વ મનાવી રહ્યા છે. આ શુભ દિવસે, હું તમામને મારી હાર્દિક શુભેચ્છા પાઠવું છું.
રક્ષાબંધનનું પર્વ એક હજાર વર્ષથી પણ વધારે સમયથી એ આપણી સંસ્કૃતિનો એક અભિન્ન હિસ્સો બની ગયેલ છે. આ એક એવું પર્વ છે કે જે ભાઈ અને બહેન વચ્ચેના સ્નેહના બંધનની જબરદસ્ત શક્તિને મૂર્તિમંત કરે છે. આ પર્વ વિશેની વિશેષતા એ છે કે તે હંમેશાં બદલાતા સમય સાથે એકરૂપ રહેલ છે. પ્રાચીનકાળથી, મધ્યકાલીન યુગથી લઈને અત્યાર સુધી, તેની ઉજવણીનું સ્વરૂપ અને પદ્ધતિમાં ખૂબ જ પરિવર્તન આવેલ છે, પરંતુ રક્ષાબંધનની નવીનતામાં ફક્ત વધારો જ થયેલ છે!
આજે આપણે માતૃ-શક્તિના સામર્થ્યને સલામ કરીએ છીએ. એ હકીકત છે કે કોઈ પણ સમાજ, જે સ્ત્રીઓનું સન્માન નથી કરતો, તે પ્રગતિની ઊંચાઈઓને પાર કરી શકતો નથી. આપણે વિકાસની યાત્રામાં નારી-શક્તિની સહભાગિતા સુનિશ્ચિત કરવી જ જોઈએ. ગુજરાતમાં આપણે મહિલા સશક્તિકરણ માટેનાં વિવિધ પ્રગતિશીલ પગલાંઓ લીધેલ છે. અને જણાવતાં આનંદ થાય છે કે આ પહેલોનાં સકારાત્મક પરિણામો દેખાઈ રહ્યાં છે.
રક્ષાબંધન નિમિત્તે, હું સમગ્ર ગુજરાતમાંથી આવેલા લોકોને મળવાની આશા રાખું છું. આ લોકો વિવિધ ક્ષેત્રોના તથા સમાજના તમામ વર્ગમાંથી આવતા લોકો છે, જેઓ આ તહેવાર નિમિત્તે પોતાનો આનંદ વહેંચવા માટે આવે છે. તેમને મળવાથી વાસ્તવમાં તમારા મનોબળમાં વધારો કરી શકાય છે..!
ફરી એક વખત, રક્ષાબંધન નિમિત્તે મારી હાર્દિક શુભેચ્છાઓ.
આપનો,
નરેન્દ્ર મોદી