જાપાનની સુઝુકી કંપનીના ચેરમેનશ્રીએ કંપનીના પદાધિકારીઓ સાથે મુખ્યમંત્રીશ્રીની ફળદાયી સૌજ્ન્ય મૂલાકાત લીધી
બહુચરાજીમાં સુઝુકી મોટર મેન્યુફેકચરીંગ પ્લાન્ટનું કામ શરૂ કરાશે - ઓ સુઝૂકી
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની આજે જાપાનની વિશ્વખ્યાત કંપની સુઝુકી મોટર કોર્પોરેશનના ચેરમેન શ્રીયુત ઓ. સુઝુકી (Mr. O SUZUKI) એ સૌજ્ન્ય મૂલાકાત લીધી હતી અને બહુચરાજી ખાતે કંપની તરફથી સ્થપાનારા સુઝુકી મોટર મેન્યુફેકચરીંગ પ્લાન્ટનું નિર્માણ કાર્ય ટૂંકસમયમાં શરૂ કરાશે એમ જણાવ્યું હતું.કંપનીના બોર્ડ ઓફ ગવનીંગ બોડીએ બહુચરાજી પ્લાન્ટના કાર્યારંભ માટે મંજૂરી આપી છે એમ મારૂતિ સુઝુકી ઇન્ડિયા લિમીટેડના ચેરમેન શ્રી આર. સી. ભાર્ગવે જણાવ્યું હતું.અત્યંત ઉષ્માસભર વાતાવરણમાં યોજાયેલી આ સૌજ્ન્ય મૂલાકાત સમયે મારૂતિ સુઝૂકી કંપનીના મેનેજિંગ ડિરેકટર શ્રીયુત (K AUYAKAWA) કે ઓયાકાવા, ડિરેકટર શ્રીયુત એસ. નાકાનિશી સહિત અન્ય પદાધિકારીઓ તથા ગુજરાત સરકારના ઉદ્યોગ અગ્ર સચિવશ્રી એમ. શાહુ, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવશ્રી કે. કૈલાસનાથન અને અધિક અગ્ર સચિવશ્રી એ. કે. શર્મા, ઉદ્યોગ કમિશ્નરશ્રી કમલ દયાની, અમદાવાદ કલેકટરશ્રી રૂપવંતસિંહ અને દિલ્હીના ગુજરાત સરકારના અગ્ર નિવાસી કમિશ્નરશ્રી ભરત લાલ ઉપસ્થિત રહયા હતા.
મુખ્યમંત્રીશ્રીએ સુઝુકી ઓટોમોબાઇલ્સ પ્લાન્ટ બહુચરાજીમાં આકાર લઇ રહયો છે અને તે માટે ગુજરાત આવેલા શ્રી ઓ સુઝુકી અને તેમની કંપનીના પદાધિકારીઓને હાર્દિક આવકાર આપતા જણાવ્યું કે બહુચરાજી પ્રદેશ હવે ઓટોમોબાઇલ હબ બની રહેવાનો છે.શ્રીયુત ઓ સુઝુકીએ ગુજરાત સરકાર તરફથી કંપનીના પ્લાન્ટ માટે મળી રહેલા સહયોગની પ્રસંશા કરી હતી અને સમગ્રતયા બહુચરાજીનો સુઝુકી મોટર પ્લાન્ટ રોજગારીની તકો અને આનુસંગિક ઓટો મેન્યુફેકચરીંગ એકમોના વિકાસ સહિત માળખાકીય સુવિધાઓનો વિકાસ કઇ રીતે કરશે તેની રૂપરેખા આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત સરકારના રચનાત્મક અભિગમની અને સહયોગની તત્પરતા વ્યકત કરી હતી.
સુઝુકી કંપનીના ચેરમેનશ્રીએ મુખ્યમંત્રીશ્રી સાથે વ્યકિતગત મૂલાકાત પણ કરી હતી.