રથયાત્રાની પૂર્વસંધ્યાએ અમદાવાદના સુપ્રસધ્ધિ જગન્નાથજી મંદિરની મુલાકાત લઇ દર્શન કરતાં મુખ્યમંત્રીશ્રી

રથયાત્રાની પૂર્વતૈયારીઓનું નિરીક્ષણ કર્યું

મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રથયાત્રાની પૂર્વસંધ્યાએ અમદાવાદના સુપ્રસધ્ધિ જગન્નાથજી મંદિરની મુલાકાત લઇ ભગવાન જગન્નાથજીની ૧૩૫મી રથયાત્રાની પૂર્વતૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું.

શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભકિતભાવપૂર્વક ભગવાન જગન્નાથજીની સંધ્યા આરતી તથા ભકિતભાવપૂર્વક દર્શન કરી મહંત શ્રી દિલીપદાસજીના આશાર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

મુખ્ય મંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ૧૩૫ વર્ષથી જગન્નાથ રથયાત્રાની આગવી પરંપરા આજે ગુજરાતના ૧૨૦ જેટલા નગરો, શહેરોમાં ઉમંગ, ઉત્સાહથી રથયાત્ર રૂપે વિસ્તરી છે.

જગન્નાથજી ગરીબોના દેવતા છે, દરિદ્રનારાયણ સાથે તેમના પૂજન, અર્ચન, કારોબાર બધામાં આત્મીયતાનો ભાવ છલકે છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, અમદાવાદ ૧૦૦ વર્ષ પહેલાં મીલ મજદુર-ગરીબો દરિદ્રનારાયણના નગર તરીકે વસ્યુ હતું અને ભગવાન જગન્નાથજીની કૃપાથી આ નગરની શાખ સમૃધ્ધિ વધતી રહી છે. આજે પણ એટલા માટે જ પ્રતિવર્ષ અષાઢી બીજે જગન્નાથજી નગરજનોના હાલ ચાલ પૂછવા તેમને દર્શન દેવા નગરયાત્રાએ નીકળે છે.

આ વર્ષે પણ ભગવાન જગન્નાથજીની કૃપા ખેડૂતો, ગ્રામીણ અને નગર સંસ્કૃતિ સહિત સૌ કોઇ પર વરસતી રહે, સારો વરસાદ થાય અને સમૃધ્ધિ વધવા સાથે ગુજરાતના વિકાસની નવી ઉંચાઇઓ પાર કરવામાં પણ જગન્નાથ ભગવાનના કૃપા આશિષ સૌ પર ઉતરે તેવી શ્રધ્ધા તેમણે વ્યકત કરી હતી.

આ પ્રસંગે શહેરી વિકાસ મંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, અમદાવાદના મેયર શ્રી આસિત વારા, સાંસદ શ્રી ર્ડા.કિરીટ સોલંકી અને પરિમલભાઇ નથવાણી, જગન્નાથ મંદિરના ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઇ જ્હા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.