માહિતી ખાતા દ્વારા પ્રકાશિત સુશાસન જનજનની અનૂભુતિ અને Good Governance - People's Voice પુસ્તકોનું વિમોચન સંપન્ન
ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે ગુજરાત સરકારના વાર્ષિક કેલેન્ડર ૨૦૧૪નું વિમોચન કર્યું હતું.
રાજય સરકારના સરકારી મુદ્રણ અને લેખન સામગ્રી વિભાગ દ્વારા તૈયાર થયેલા આ વાર્ષિક કેલેન્ડર ૨૦૧૪નું પ્રકાશન રાજય સરકારના માહિતી કમિશ્નરે પ્રસિધ્ધ કર્યું છે.
આ સાથે જ મુખ્ય મંત્રીશ્રીએ ભારતના પૂર્વ પ્રધાન મંત્રી શ્રી અટલ બિહારી વાજપાઇજીના જન્મદિવસને રાષ્ટ્ર સુશાસન દિવસ તરીકે ઉજવે છે તે નિમિત્ત્ રાજય સરકારના માહિતી વિભાગે પ્રકાશિત કરેલ ‘‘સુશાસનઃ જનજનની અનૂભુતિ ગુજરાતી અને Good Governance - People's Voice અંગ્રેજી એમ બે પુસ્તકોનું વિમોચન પણ આજે કર્યું હતું.
ગુજરાતે છેલ્લા એક દશકમાં અભૂતપૂર્વ ગતિથી હરેક ક્ષેત્રે વિકાસની સિદ્ધિઓ જનભાગીદારીથી પ્રાપ્ત કરી છે અને મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશને રાજયના સુશાસનની અનૂભુતિ કરાવી છે. આ હકીકત સામાન્ય નાગરીકોની સ્વાનુભૂતિરૂપે આ પુસ્તિકામાં સંકલિત કરીને રજૂ કરવામાં આવી છે.
આ વિમોચન પ્રસંગે મુખ્ય મંત્રીશ્રીના અગ્ર સચિવશ્રી ગિરીશચંદ્ર મુર્મુ, માહિતી કમિશ્નરશ્રી ભાગ્યેશ જહા, ડીજીપીએસના શ્રી જયેશભાઇ શાહ, સંયુક્ત માહિતી નિયામકો શ્રી અરવિંદ પટેલ અને પુલક ત્રિવેદી તથા માહિતી પરિવાર ઉપસ્થિત હતા.