સર્વ મહાનુભાવો તથા નવજુવાન મિત્રો, આજે ચાર જુલાઈ છે. ચાર જુલાઈ, આજથી એકસો દસ વર્ષ પૂર્વે સ્વામી વિવેકાનંદજીનો દેહોત્સર્ગ થયો હતો. એકસો દસ વર્ષ પૂર્વે આજની તારીખે સ્વામી વિવેકાનંદજી આ જગતને છોડીને પરલોક સિધાવી ગયા હતા. પરંતુ, એ વખતે પોતાના જીવનકાળ દરમિયાન સ્વામી વિવેકાનંદે પોતે કહ્યું હતું અને એમની વિદાય પછી આ દેશના અનેક મહાપુરુષોએ પણ કહ્યું છે અને આપણે બધા પણ અનુભવીએ છીએ. એમણે કહ્યું હતું કે આ શરીર સાથે તો મારો નાતો બહુ ટૂંકો છે. માત્ર ઓગણચાલીસ વર્ષની ભર યુવાનીએ સમગ્ર વિશ્વને અચંબિત કરીને વિવેકાનંદજીએ વિદાય લઈ લીધી. એમણે કહ્યું હતું કે આ શરીર સાથેનો તો મારો નાતો બહુ ટૂંકો છે પણ, હું જન્મોજન્મ મારા મિશનની પૂર્તિ માટે અવિરત પ્રયાસ કરતો રહીશ. આ રાષ્ટ્રના અનેક મહાપુરુષો, મહાત્મા ગાંધીથી લઈને સુભાષ બોઝ હશે કે અરવિંદજી હશે, સૌએ કહ્યું છે કે વિવેકાનંદજી આજે પણ આ રાષ્ટ્રને પ્રેરણા પણ આપે છે અને સામર્થ્ય પણ આપે છે. એમની આજે પુણ્યતિથિએ એક એવા કામનો આપણે આરંભ કરી રહ્યા છીએ, એક વિચારને આજે હકીકતમાં પરિવર્તિત કરી રહ્યા છીએ, જેની અસરો આગામી પેઢીઓ સુધી રહેવાની છે.

મિત્રો, આજનો આ ઘટનાક્રમ એ માત્ર કોઈ એક નવી યોજનાની શરૂઆત છે એવું નથી. આજનો આ અવસર ગુજરાતના લોકોને માત્ર કોમ્પ્યુટર સાથે જોડવાનો છે એવું નથી. આજનો અવસર વર્તમાન પેઢીને ઉજ્જવળ ભાવિ પેઢી સાથે જોડવાનો એક સફળ પ્રયાસ છે. મિત્રો, દુનિયા બદલાઈ ચૂકી છે, જગત બદલાણું છે અને બદલાયેલા જગતને જો ન જાણીએ, બદલાયેલા જગતને ન સ્વીકારીએ તો આપણે કાલબાહ્ય થઈ જઈએ, ઇરિલેવન્ટ થઈ જઈએ, આપણે એકલા અટૂલા પોતાની દુનિયામાં મસ્ત રહીને માત્ર જગતને જોતા રહીએ. મિત્રો, બારસો વર્ષની ગુલામીમાં દેશ જે પછાતપણાનો ભોગ બન્યો એ ફરી બની જાય. હિંદુસ્તાનને પછાતપણાના ગ્રહણમાંથી મુક્ત કરાવવાનો સંકલ્પ કરવો પડે. અને સ્વામી વિવેકાનંદજીની દોઢસોમી જંયતી ઊજવતા હોઈએ ત્યારે પ્રત્યેક યુવાનનું એક સપનું હોય કે અમારા બનતા પ્રયત્નોથી અમે જ્યાં હોઈશું ત્યાં, જે કોઈ નાની મોટી જવાબદારી હશે એના સહારે, જે કંઈ ઈશ્વરે ક્ષમતા આપી હશે એના ભરોસે, આ દેશને પછાતપણામાંથી મુક્ત કરવા માટેનો ભગીરથ, અવિરત, અખંડ, એકનિષ્ઠ પુરુષાર્થ કરતા રહીશું. આ સંકલ્પ પ્રત્યેકનો હોવો જોઈએ અને એ સપનાને સાકાર કરવું હશે તો આપણે જ્યાં હોઈશું ત્યાં કોઈને કોઈ નવી વાત લઈને શરૂઆત કરવી પડશે.

ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવા મહાપુરુષોએ જે દિવસોમાં સમાજ સુધારક તરીકે આધુનિક શિક્ષણ માટેની આહલેક જગાવી હશે ત્યારે સમાજને લાગ્યું હશે કે આ બધાની શું જરૂરિયાત છે? પરંતુ એવા મહાપુરુષોના પરિણામે સો વર્ષ, સવાસો વર્ષ, દોઢસો વર્ષના ગાળામાં સમાજજીવનની અંદર બદલાવ શરૂ થતો હોય છે. ભાઈઓ-બહેનો, આજે કદાચ આ ટેક્નોલૉજી, આ ઇન્ફર્મેશન ટેક્નોલૉજી, આ બાયો ટેક્નોલૉજી, આ નૅનો ટેક્નોલૉજી, આ લાઇફ સાયન્સ, આ બધા શબ્દો અવનવા લાગતા હશે. પણ એક વાત નિશ્ચિત છે કે ટેક્નોલૉજીએ જગત આખાનો ભરડો લીધો છે, માનવજાતનો ભરડો લીધો છે અને ટેક્નોલૉજી વગરના જીવનની કલ્પના કરવી અસંભવ છે, અસંભવ છે. અને જો ટેક્નોલૉજી વગરનું જીવન અસંભવ હોય તો ભારતનું યુવા ધન ટેક્નોલૉજીથી અછૂત કેવી રીતે રહી શકે? ટેક્નોલૉજીથી અલિપ્ત કેવી રીતે રહી શકે? અને એવા સંજોગોમાં આવશ્યકતા હોય છે કે સમગ્ર બાબતને સરળીકરણ કરીને લોકભોગ્ય કેવી રીતે બનાવવું. આવશ્યકતા હોય છે સહજ સરળ રીતે એને ઉપલબ્ધ કેવી રીતે કરાય. આવશ્યકતા હોય છે એ બધી જ બાબતોને હાથવગી કેવી રીતે કરાય. અને એકવાર આ બધી ચીજો હાથવગી હોય ને તો બધાને આપોઆપ ચીજો શીખવાનું, સમજવાનું, ઉપયોગ કરવાનું આવડતું હોય છે. તમે ક્લાસરૂમમાં ભાષણ લઈને કોઈને કહો કે બૅંકિંગની વ્યવસ્થામાં એ.ટી.એમ. નામની આવી વ્યવસ્થા આવવાની છે અને તમારે આવી રીતે પૈસા મુકાશે, લેવાશે, આમ કરાશે, તેમ કરાશે તો ઘણીવાર માણસ માથું ખંજવાળે કે આ નવું એ.ટી.એમ. શું આવ્યું પાછું..? પણ એકવાર એ.ટી.એમ. મુકાઈ જાય અને એકવાર તમે એને બતાવી દો કે નાણાની લેવડદેવડ માટેની આ પદ્ધતિ છે તો અભણ માણસ પણ એ પદ્ધતિ જાણી જાય છે, એનો અમલ કરતો હોય છે, જાણી લેતો હોય છે. અનેક લોકો હશે કે જેણે પહેલાં મોબાઇલ જોયો હશે ત્યારે આશ્ચર્ય થયું હશે, પણ આજે ગામડામાં જીવનમાં ક્યારેય શિક્ષણનો અવસર ન મળ્યો હોય તે પણ મોબાઇલની ઉપયોગિતા બરાબર જાણતો હોય છે. અને મેં તો જોયું છે કે ટેક્નોલૉજીનું પૅનિટ્રેશન કેટલી હદે થઈ રહ્યું છે. એકવાર હું વલસાડ જિલ્લાના કપરાળા તાલુકાના આદિવાસી વિસ્તારમાં એક નાનકડા કાર્યક્રમ માટે ગયો હતો. ખૂબ ઇન્ટિરિઅર્ વિસ્તાર છે. ત્યાં એક ડેરીના ચિલિંગ સેન્ટરનું ઉદઘાટન હતું. અને આખો વનવાસી વિસ્તાર છે, એ જંગલોની અંદર નાનકડી ઓરડીમાં એક ચિલિંગ સેન્ટર બનાવેલું. પણ ત્યાં સભા કરવાની કોઈ જગ્યા નહોતી એટલે ત્રણ કિલોમીટર દૂર એક શાળાના મેદાનની અંદર સમારંભ રાખ્યો હતો. અને આ કાર્યક્રમના સ્થળે જે દૂધ ભરનારી બહેનો હોય છે, આદિવાસી બહેનો, એવી ત્રીસ-ચાલીસ બહેનો ત્યાં હાજર રાખી હતી, બાકી કાર્યક્રમ ત્રણ કિલોમીટર દૂર હતો. અમે ચિલિંગ સેન્ટરનું ઉદઘાટન કર્યું. અને બધી જ બહેનો સરસ મજાની વેશભૂષા સાથે જાણે ઘરે કોઈ અવસર હોય એવી રીતે તૈયાર થઈને આવી હતી. અને અમે જેવા કાર્યક્રમમાંથી પગથિયાં ઊતરતા હતા અને મેં જોયું કે ત્રીસ-ચાલીસ બહેનોમાંથી પોણા ભાગની બહેનો એવી હતી કે જે મોબાઇલથી અમે બધા ઊતરતા હતા એનો ફોટો પાડતી હતી. આદિવાસી બહેનો, કપરાળા જેવા વલસાડના અંદર આંતરિયાળ વિસ્તારમાં, ત્યારે મને સહજ કૌતુક થયું એટલે હું તે બહેનો પાસે ગયો, મેં કહ્યું, “બહેનો, આ મોબાઇલ પર ફોટો પાડીને શું કરશો?” તમે પણ વિચાર કરો કે તમે શું જવાબ આપો, મનમાં વિચારી લો. સાહેબ, એ બહેનોએ મને કહ્યું કે એ તો અમે ડાઉનલોડ કરાવી દઈશું. કપરાળા તાલુકાના આદિવાસી વિસ્તારમાં દૂધ ભરવા આવેલી આદિવાસી મા કે બહેન... એ કોઈ કૉલેજમાં ડાઉનલોડ કોને કહેવાય એ ભણવા ગઈ નથી, પણ એને ખબર છે કે હું આ ફોટો પાડું છું એને ક્યાંક ડાઉનલોડ કરવાની વ્યવસ્થા હોય છે અને એ ફોટાની પ્રિન્ટ આઉટ પણ મને મળી શકતી હોય છે. એનો અર્થ એ થયો કે કોઈ ફૉર્મલ વ્યવસ્થા ન હોય તેમ છતાં પણ ટેક્નોલૉજી આપોઆપ ટ્રાવેલ કરતી હોય છે. સમયાનુકૂલ પરિવર્તન સાથે સમાજજીવનનું અંગ બની જતી હોય છે, જીવન વ્યવસ્થાનું અંગ બની જતી હોય છે, પ્રત્યેક વ્યક્તિના મનનો કબજો લેતાં પણ ટેક્નોલૉજી વાર નથી કરતી. અને જો આ સ્થિતિ સહજ રીતે હોય તો આને આપણે ‘પડશે તેવા દેવાશે’, ‘આવશે ત્યારે જોઈશું’ અને ‘હમણાં તો આ છે ને’ એના બદલે સહેજ દૂરનું જોઈને એને અવસર તરીકે, ઑપર્ચ્યૂનિટી તરીકે, એક તક તરીકે આયોજન સાથે કેમ આગળ ન વધીએ? અને એમાંથી આપણે આગળ વધી રહ્યા છીએ.

ભાઈઓ-બહેનો, દુનિયામાં ચર્ચા છે, એકવીસમી સદી કોની? સમગ્ર વિશ્વ એ માને છે કે એકવીસમી સદી એશિયાની છે, પણ એ નિર્ધારિત નથી કરી શકતા કે એકવીસમી સદી હિંદુસ્તાનની હશે કે એકવીસમી સદી ચીનની હશે. સ્પર્ધા હિંદુસ્તાન અને ચીન વચ્ચે ચાલી રહી છે ત્યારે આપણી પાસે એકવીસમી સદી હિંદુસ્તાનની હશે એના માટેનાં મહત્વપૂર્ણ સશક્ત પરિબળો કયાં? એક મોટામાં મોટું સશક્ત પરિબળ છે આપણી પાસે, આ દેશની પાંસઠ ટકા જનસંખ્યા. આ દેશની પાંસઠ ટકા જનસંખ્યા પાંત્રીસ વર્ષ કરતાં નીચેની ઉંમરની છે. આ દેશ દુનિયાનો સૌથી યુવાન દેશ છે. યૌવનથી તરબતર જે ભૂમિ હોય, જે સમાજનો પાંસઠ ટકા વર્ગ પાંત્રીસથી નીચેની ઉંમરનો હોય એના બાહુમાં સામર્થ્ય કેટલું હોય, એના સપનાં કેટલી ઊંચી ઉડાન ભરનારાં હોય એનો આપણે અંદાજ કરી શકીએ છીએ. આવશ્યકતા છે એને અવસર આપવાની અને અવસર આપવો હશે તો જે પ્રકારની યુગની રચના બની છે એમાં આ સપનાને સાકાર કરવાની યુવાશક્તિ કેવી રીતે જોડવી. મિત્રો, ચીને આજથી દસ વર્ષ પહેલાં એક કામ ઉપાડ્યું હતું. કયું કામ? એને લાગ્યું કે જો ચીનને એકવીસમી સદીની અંદર વિશ્વની અંદર તાકાત બનાવવી હશે તો ચીનના નાગરિકોને અંગ્રેજી આવડવું બહુ જરૂરી છે. અને તેથી ચીને ચીનનાં બાળકો અંગ્રેજી શીખે એના માટે વ્યાપક અભિયાન ચલાવ્યું હતું. સફળતા કેટલી મળી કે ન મળી, એનો લાભ મળ્યો કે ન મળ્યો... પણ એમને ખબર હતી કે વિશ્વની અંદર હવે એકલા અટૂલા ચીનની અંદર આપણે તાકતવર બનીએ એ નહીં ચાલે, જગતની અંદર પ્રસારિત થવું પડશે, સ્પ્રેડ થવું પડશે. અને એમણે એ દિશામાં પોતાના આયોજનને આગળ ધપાવ્યું હતું. મિત્રો, આપણા ગુજરાતમાં વર્ષો સુધી, તમે તો એ વખતે જન્મ્યા પણ નહીં હો, મિત્રો. મગન પાંચમાવાળા અને મગન સાતમાવાળા એવી ચર્ચા ચાલતી હતી. શિક્ષણ જગતમાં કામ કરનાર બે નેતાઓ અહીં હતા. એક એમ કહે કે અંગ્રેજી પાંચમાથી હોય, બીજા કહે કે અંગ્રેજી સાતમાથી હોય. અને એના કારણે અને અહીં તો ચાલ્યું હતું ‘મગન માધ્યમ’, ગુજરાતી ભાષા શીખો તો લોકો કહે કે ‘મગન માધ્યમ’. આવા શબ્દપ્રયોગો હતા. આખી દુનિયાની સામે ગુજરાતનો નવજુવાન આંખમાં આંખ મિલાવીને વાત કરી શકે એ સામર્થ્ય એનામાં હોવું જોઇએ. અને ગુજરાતી એક ગ્લોબલ કૉમ્યુનિટી છે. આપણે એક અભિયાન ઉપાડ્યું ‘સ્કોપ’ દ્વારા. બોલચાલનું અંગ્રેજી તો આવડવું જ જોઈએ. અને એના કારણે એની એમ્પ્લોયેબિલિટી પણ વધી. આજે એને મોલમાં નોકરી લેવી હોય, સાતમું-આઠમું કે દસમું ભણેલો હોય, તો એને અમુક પગાર મળે. પણ એણે જો સ્કોપની ટ્રેનિંગ લીધી હોય અને પાંચ-પંદર અંગ્રેજી વાક્યો બોલવાનું સામર્થ્ય આવી ગયું હોય, એની સોફ્ટ સ્કિલ ડેવલપ થઈ હોય અને બિહેવિયર ટ્રેનિંગ થઈ ગઈ હોય તો એનો પગાર પાંચના બદલે સાત થાય, સાતને બદલે અગિયાર થાય. એની આવશ્યકતા વધવા માંડી. અને મિત્રો, મારે ગર્વ સાથે કહેવું છે કે ગુજરાતના ગોલ્ડન જ્યુબિલી વર્ષમાં એક લાખ લોકો, અંગ્રેજી બોલતાં-વાંચતાં શીખવવાનો જે પ્રયાસ આદર્યો હતો, એ આંકડો એક લાખને પણ વટાવી ગયો હતો અને એ કામ આજે પણ ચાલે છે.

મિત્રો, આપણે એક યોજના કરી હતી, ‘જ્યોતિગ્રામ’. ગુજરાતનાં ગામડાંને ચોવીસ કલાક વીજળી મળે, ઘણા લોકોને એમ લાગતું હતું કે આ વીજળી તો ટી.વી. ચલાવવા માટે આવી લાગે છે..! ના, જે દિવસે જ્યોતિગ્રામ યોજના માટે અર્બો-ખર્બો રૂપિયા ખર્ચાતા હતા ત્યારે ખબર હતી કે આ ઊર્જાનાં વાવેતર શાના માટે કરીએ છીએ. એમાંથી ગુજરાતના ગ્રામીણ જીવનમાં કેવા પ્રકારનો નવો ઓપ આપવો છે એની પૂરી ખબર હતી. અને એકવાર વીજળીની બધી વ્યવસ્થા થઈ ગઈ, પછી કયું કામ ઉપાડ્યું? કોમ્પ્યુટર નેટવર્ક ઊભું કરવાનું કામ ઉપાડ્યું. હાર્ડવેર, જ્યાં હોય ત્યાં, સ્કૂલોમાં, પંચાયતોમાં હાર્ડવેર આપો. પછી ઉપાડ્યું, કનેક્ટિવીટી આપો. નવજુવાન મિત્રો તમારામાંથી મોટા ભાગનાનું બૅકગ્રાઉન્ડ ગામડાંનું છે. ભારત સરકારે આના આગલા વર્ષે પોતાના બજેટમાં કહ્યું હતું કે અમે ત્રણ હજાર ગામોની અંદર બ્રોડબેન્ડ કનેક્ટિવીટીનો પાયલોટ પ્રોજેક્ટ કરીશું. છ લાખ ગામડાઓનું હિંદુસ્તાન, એમાં ત્રણ હજાર ગામોનો ભારત સરકારનો પાયલોટ પ્રોજેક્ટ. મુખવાસ જેટલું પણ ન મળે. મિત્રો, મારે ગર્વ સાથે કહેવું છે કે ગુજરાતે ચાર વર્ષ પહેલાં અઢાર હજાર ગામોમાં બ્રોડબેન્ડ કનેક્ટિવીટીનું કામ પૂરું કર્યું. આ માળખાકિય સુવિધાઓ ઊભી કરી. હવે ધ્યાનમાં આવે છે કે સમાજજીવનની અંદર હવે ટેક્નોલૉજીએ એટલી બધી જગ્યા બનાવી દીધી છે કે જે જગ્યાને કારણે આ પ્રકારની ઓછીવત્તી ટેક્નોલૉજી જાણનારા લોકોની જરૂરત પડશે. મિત્રો, બસમાં પણ ગઈકાલ સુધી કંડક્ટર ચોપાનિયું ફાડીને ટિકિટ ફાડતો હતો. સમય આવવાનો છે કે એના હાથમાં એક નાનકડું ઇન્સ્ટ્રુમેન્ટ હશે, ખાલી આમ ચાંપ દબાવીને જ તમને ટિકિટ આપતો હશે. જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં, તમે નાનકડી રેસ્ટોરન્ટમાં જાવ તો પણ હવે પેલો ભજિયાનંદ ચાનું બિલ લખતો નથી, નાનું એક ડબલું લઈને આમઆમ દબાવે અને તરત જ તમને કહે ને તમે ગેટ પર જાવ, તમારું બિલ તૈયાર હશે. આ બદલાવ આવી રહ્યો છે. તો ગુજરાતના ગરીબ પરિવારનાં બાળકોને આ બદલાયેલા વાતાવરણમાં રોજીરોટી મળે, એનું શોષણ ન થાય, એની પાસે ડિગ્રી પ્લસ એક પ્રકારની ક્વૉલિટી હોય, તે પાંચને બદલે સાત, સાત ને બદલે નવ, નવને બદલે અગિયાર હજાર રૂપિયા કમાતો થાય અને એના માટેના અભિયાનનો એક ભાગ એટલે એમ્પાવર સ્કીમ, ઇલેક્ટ્રૉનિક મેન પાવર. અને મિત્રો, ભારત સરકારે એક વર્ષ પહેલાં ત્રણ હજાર ગામોમાં બ્રોડબેન્ડ કનેક્ટિવીટીનું આયોજન વિચાર્યું હતું. એ બજેટને આજે દોઢ વર્ષ થઈ ગયું. શું થયું હશે એ તપાસનો વિષય છે. અમે માર્ચના આખરે બજેટ પાસ કર્યું અને આજે ચોથી જુલાઈએ એ યોજના લાગુ કરી દઈ રહ્યા છીએ.

મિત્રો, બદલાતા જતા યુગમાં જેમ આજે અભણ હોવું એ શ્રાપ લાગતો હોય છે, આપણને પણ ચાર મિત્રોની વચ્ચે અભણ હોવાની વાત થાય તો નીચા જોણું થતું હોય છે. જેમ અભણ હોવાનું નીચાજોણું થતું હોય છે એમ આવનારા દિવસોમાં તમને જો કોમ્પ્યુટર નહીં આવડતું હોય, તમે ઇન્ફર્મેશન ટેક્નોલૉજીથી પરિચિત નહીં હો તો તમે પણ દુનિયાની નજરોમાં અભણ જ ગણાશો. હું નથી ઇચ્છતો કે મારા ગુજરાતનો કોઈ નવજુવાન દુનિયાની નજરમાં અભણ હોય. આખું વિશ્વ એને પૂછે તો એને ખબર હોય કે હા, હું આ જાણું છું. હવે ગરીબ બાળક ક્યાં જાય? એને આ બધું શીખવું હોય, હજાર, પંદરસો, બે હજાર રૂપિયા ફી હોય અને ફી ભર્યા પછી પણ જો કોઈ ભાગેડુ આવી ગયો, તો ફી બધાની ભરાઈ જાય પછી કોમ્પ્યુટર લઈને બીજા ગામ જતો રહ્યો હોય. ગરીબ માનવી છેતરાઈ જાય. માતાઓ-બહેનોને શીખવું હોય તો ક્યાં જાય? અને એમાંથી આપણે વિચાર કર્યો કે સરકારની પોતાની યોજનાથી એક વ્યાપક અભિયાન ઉપાડવામાં આવે. જેમ ‘સ્કોપ’નું વ્યાપક અભિયાન ઉપાડ્યું, જેના કારણે લોકો શીખવા માટે પહેલાં અઢી હજાર, ત્રણ હજાર ફી ચૂકવતા હતા એના બદલે મફતના ભાવે શીખી જાય એવી વ્યવસ્થા કરી, લોકોએ લાભ લીધો. મિત્રો, આ યોજના પણ કેવી છે? શેડ્યૂલ્ડ કાસ્ટ માટે મફત, શેડ્યૂલ્ડ ટ્રાઇબ માટે મફત, ઓ.બી.સી. માટે મફત, બહેનો માટે મફત, અને કોઈકને પૂરતું હોય તો પણ કેટલી ફી? પચાસ રૂપિયા, માત્ર પચાસ રૂપિયા..! પાંચ-દસ કપ ચા પીએ એટલામાં પતી જાય. અને મને ખાતરી છે કે જે આ શિક્ષણ લેશે અને તેનાં સર્ટિફિકેટ સાથે જોડશે એનું મૂલ્ય વધવાનું છે, બજારમાં એનું મહાત્મય વધવાનું છે. અને મિત્રો, ઘણા લોકોને આશ્ચર્ય થશે. આ યોજનાની સફળતા શેમાં છે? મેં અમારા અધિકારીઓને કહ્યું હતું કે આપણે આટલી બધી બ્રોડબેન્ડ કનેક્ટિવીટી આપી છે, ગામડે ગામડે કોમ્પ્યુટર લગાવ્યાં છે, મારે ટ્રાયલ લેવો છે કે આ બધી ચીજો જનસામાન્ય સાથે જોડાવાની છે કે નહીં અને એટલા માટે મેં આગ્રહ રાખ્યો હતો કે આ જે ટ્રેનિંગ થવાની છે આપણી, એમ્પાવરવાળી, એનું રજિસ્ટ્રેશન લોકો ઑનલાઇન કરાવે. ખબર તો પડે કે આ ટેક્નોલૉજીથી આપણે તેમની સાથે જોડાયેલા છીએ કે નથી જોડાયા? અને આજે મારે ગર્વથી કહેવું છે કે આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં, આજે સાંજે હું મંચ ઉપર આવ્યો ત્યાં સુધીનો આંકડો કહું છું, આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં ઑનલાઇન રજિસ્ટ્રેશન એક લાખ ચાર હજાર લોકોએ કરાવ્યું છે. અને એમાંય ગર્વની વાત, ૮૪% રજિસ્ટ્રેશન ગામડાનાં લોકોએ કરાવ્યું છે, ૧૬% શહેરોનું રજિસ્ટ્રેશન છે. એનો અર્થ એ થયો કે તીર બરાબર નિશાના પર લાગ્યું છે. કારણકે આખી યોજનાનો હેતુ આ આખીય બાબત ગામડામાં મારે પહોંચાડવી છે, ગામડાંના ઘર સુધી પહોંચાડવી છે. કારણકે શહેરમાં તો નાની-મોટી વ્યવસ્થા હોય છે જેનો લાભ લઈ લીધો હોય છે, જ્યાં મળતો હોય છે. બંને માટે સમાંતર છે ગામડું હોય કે શહેર હોય, પણ ગામડામાં ચોર્યાસી ટકા લોકોનો આ ઉત્સાહ, આ રજિસ્ટ્રેશન પોતે જ બતાવે છે કે આજે આ યોજના સફળ થઈ ગઈ. અને એમાંય આનંદદાયક સમાચાર, આ જે એક લાખ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે તે પૈકી ૬૬% ટકા પુરુષો છે, ૩૪% બહેનો છે દોસ્તો, ચોત્રીસ ટકા બહેનો છે. આ મોટી બાબત છે. ગુજરાતનાં ગામડાંની ગૃહિણી યા દીકરી આ પ્રકારના શિક્ષણને સમજે, ઉમંગભેર જોડાય એ વાત જ ઉજજવળ ભવિષ્યનો સંકેત આપે છે દોસ્તો અને હજુ તો આ યોજના વિશે આજે છાપામાં જાહેરાત આવી છે. એના પહેલાં છાપામાં જે દિવસે બજેટમાં જાહેરાત કરી હતી ત્યારે એક થોડોઘણો ઉલ્લેખ આવ્યો હતો. આ વાત હજુ તો કાનોકાન પહોંચી છે, કોઈ મોટું કૅમ્પેન નથી થયું. કૅમ્પેનની શરૂઆત થશે તો કદાચ આજે થશે. છાપાના મિત્રો છે અહીંયાં, ટી.વી., મીડિયાવાળા છે, એ લોકો થોડુંઘણું બતાવશે એટલે આજે શરૂઆત થશે. તેમ છતાંય જો આટલો બધો આવકાર મળ્યો હોય એનો અર્થ એ થયો કે કેટલા મહત્વપૂર્ણ કામને આ રાજ્ય સરકારે જનતાની નાડ પારખીને પકડ્યું છે એનો અંદાજ આવી શકે છે.

ભાઈઓ-બહેનો, એ વાત નિશ્ચિત છે કે હુન્નર વગર સફળતા સંભવ નથી હોતી. આપણે કોઈ સુખી મા-બાપના દીકરાઓ નથી, આપણને કંઈ પાંચ પેઢી ચાલે એવું કંઈ વારસામાં મળ્યું નથી. આપણી પાસે તો ઈશ્વરે આપેલી ક્ષમતા છે. બે હાથ છે, હૈયું છે, દિમાગ છે, એના દ્વારા જ જીંદગી જીવવાની છે. અને જો નક્કી જ હોય કે આપણી મૂડી આ જ છે તો એ મૂડીમાં વૃદ્ધિ કરવાનું સાધન છે, હુન્નર. અને આ કૌશલ્ય વર્ધન થાય, અનેકવિધ આવી ક્ષમતાઓનો અભ્યાસ થાય, એનાથી પરિચિત થઈએ તો જીવનને સફળ કરવા માટે ખૂબ મોટી શક્તિ મળતી હોય છે. મિત્રો, એક સમય હતો કે ગુજરાતની અંદર ટેક્નિકલ એજ્યુકેશન માટેની કૉલેજનાં એકમો માંડ ૪૪૨ હતાં, ૨૦૦૧ માં આપણે જ્યારે જવાબદારી લીધી ત્યારે. આજે આંકડો લગભગ ૧૭૦૦-૧૮૦૦ એ પહોંચ્યો છે. ક્યાં ૪૪૨..! આપણે ગુજરાતની જવાબદારી લીધી ત્યારે આ રાજ્યમાં અગિયાર યુનિવર્સિટી હતી. આજે ભાઈઓ, બેંતાલીસ યુનિવર્સિટી છે. આ બધું કોના માટે? ગુજરાતના નવજુવાનો માટે, ગુજરાતની ભાવિ પેઢી માટે, મારી સામે બેઠેલા આ સક્ષમ સપનાંઓ માટે, એમના માટે છે આ બધું. એક સમય હતો, ડિપ્લોમા કે ડિગ્રી કે એન્જિનિયરિંગમાં ભણવું હોય તો મધ્યમ વર્ગનાં મા-બાપ વિચારી ન શકે, ડોનેશન ક્યાંથી લાવવું, દાખલ ક્યાં કરવા છોકરાંઓને..? પછી શું થાય? ભાઈ, મેળ નહીં પડે, તું ક્યાંક હવે બી.એ., બી.કોમ. થઈ જા અને ક્યાંક કારકુનમાં કોઈ નોકરી મળી જાય તો જોજે..! અનેક નવજુવાનોના સપનાં ચૂર ચૂર થઈ જાય. મિત્રો, આપણે દસ જ વર્ષમાં ટેક્નિકલ એજ્યુકેશનને એટલું બધું બળ આપ્યું કે ૨૦૦૧ માં ડિપ્લોમા કે ડિગ્રી એન્જિનિયરિંગ માટે આપણી પાસે શરૂઆતમાં માંડ ૨૩,૦૦૦ બેઠકો હતી, આજે લગભગ ૧,૨૩,૦૦૦ બેઠકો ટેક્નિકલ શિક્ષણ માટે ઉપલબ્ધ કરી દીધી છે. જેને ભણવું હોય એને મારે અવસર આપવો છે. ગરીબમાં ગરીબ પરિવારનો દીકરો કે દીકરી, એને ઓશિયાળી જીંદગી જીવવી ન પડે એના માટેનું કામ ઉપાડ્યું છે. મિત્રો, ઘણાં બાળકો એવાં હોય છે કે સાતમા-આઠમામાં સંજોગોવશાત ભણવાનું છોડી દીધું હોય, કાં તો કોઈ અવળે રસ્તે ચડી ગયા હોય, કાં મિત્રો એવા મળી ગયા હોય અને પછી સમજદારી આવી હોય, એટલે આઈ.ટી.આઈ. જૉઇન કર્યું હોય. બિચારો ટર્નર બને કે ફિટર બને કે પ્લમ્બર બને કે વેલ્ડર બને... અને એને એમ લાગતું હતું કે પતી ગયું, મારી જીંદગી તો હવે અહીં પૂરી થઈ ગઈ. મિત્રો, આ સરકારે નક્કી કર્યું કે મારા ગુજરાતના કોઈ જવાનીયાની જીંદગીને, એના સપનાંને હું પૂર્ણવિરામ નહીં મૂકવા દઉં. હું ફરીથી દરવાજા ખોલીશ, હું ફરીથી બારીઓ ખોલીશ, એનામાં ફરી સપનાં જગાવીશ, એને નવી જીંદગી જીવવા માટે પ્રેરણા આપીશ, એને નવી હામ આપીશ. અરે, ગઈકાલ જેવી ગઈ એ ગઈ, આવતીકાલ હજુ સારી થઈ શકે છે એવો વિશ્વાસ એને હું આપીશ. અને એના માટે શું કર્યું? એક સાહસપૂર્ણ નિર્ણય કર્યો કે આઠમા સુધી ભણીને છોડી દીધું હોય, પણ જો બે વર્ષ આઈ.ટી.આઈ.નાં કરે તો હું એને દસમા ધોરણનું સર્ટિફિકેટ આપી દઈશ, દસમા ધોરણ સુધી ભણીને આઈ.ટી.આઈ. કર્યું હોય, બે વર્ષ કર્યાં હોય તો એને બારમા ધોરણની બરાબર ગણવામાં આવશે, એને બારમું પાસ માનવામાં આવશે. એટલું જ નહીં, આના ભરોસે એને ડિપ્લોમા એન્જિનિયરિંગ કરવું હશે તો દરવાજા ખુલ્લા, એમાં જઈ શકશે. એમાંથી એને ડિગ્રી એન્જિનિયરિંગ કરવું હશે તો એમાંય જઈ શકશે. પહેલાં જે દરવાજા બંધ થઈ જતા હતા કે સાતમું કે આઠમું છોડ્યું એટલે પત્યું, ખેલ પૂરો..! સાહેબ, આ બધું બદલી નાખ્યું છે. કોના માટે? દોસ્તો, તમારા માટે, ગુજરાતની આવતીકાલ માટે.

મિત્રો, હું આજે તમને વિનંતી કરવા માગું છું. મારી સામે માત્ર આ સભાગૃહમાં લોકો છે એવું નથી, ઑનલાઇન બધા જ આઈ.ટી.આઈ.માં, બધા જ ટ્રેનિંગ સેન્ટરમાં લાખો નવજુવાનો આ કાર્યક્રમમાં મારી સાથે મોજૂદ છે, દૂરસુદૂર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાં બેઠેલા લોકો, નવજુવાનો મને સાંભળી રહ્યા છે. મિત્રો, આજ હું તમને કહેવા માગું છું, સપનાં જોવાનું બંધ ન કરતા. અરે, ક્યારેક અવરોધો આવ્યા હશે, ક્યારેક રુકાવટો આવી હશે, ક્યારેક નિષ્ફળતાઓ જોવી પડી હશે તેમ છતાંય અગર જો ઉત્તમ સંકલ્પ સાથે સપનાંને સાચાં કરવા માટે જીદ હશે, પરિશ્રમ હશે તો આપની પણ બધી ઇચ્છાઓ, આકાંક્ષાઓ પરિપૂર્ણ થશે એ હું વિશ્વાસથી કહેવા માગું છું. અને આ રાજ્ય, આ રાજ્ય આ દેશની નવજુવાન પેઢીને, આ દેશના નવયુવાન દીકરા-દીકરીઓને એક અપ્રતિમ અવસર આપવા માટે પ્રતિબદ્ધ છે, જેના દ્વારા તે પોતાના સઘળાં સપનાં સાકાર કરી શકે, પોતાના પરિવારની આશા-આકાંક્ષાઓ પૂરી કરી શકે. અને એક વાત નક્કી માનજો નૌજવાનો, ઈશ્વરે મને અને તમને સમાન જ શક્તિ આપેલી છે. ઈશ્વરે મને તમારા કરતાં બે ચમચી વધારે આપી છે એવા ભ્રમમાં રહેવાની જરૂર નથી. ઈશ્વરે મને જેટલું આપ્યું છે એટલું તમને પણ આપ્યું છે. મિત્રો, સપનાં જુઓ, સંકલ્પ કરો, સાહસ કરો, કદમ ઉઠાવો, મિત્રો, મંજિલ સામે આવીને ઊભી રહેશે એવો મારો વિશ્વાસ છે.

સરકારના બજેટમાંથી આ રાજ્યની અંદર ટેક્નિકલ મેનપાવર તૈયાર કરવાનું આ જે અભિયાન ઉપાડ્યું છે, ગુજરાત જે રીતે પ્રગતિ કરી રહ્યું છે એમાં એક નવી તાકાત તરીકે ઉમેરાવાનું છે, ગુજરાતને આગળ વધવામાં એ પૂરક બનવાનું છે. મિત્રો, હમણાં ગુજરાતમાં ૨૬,૦૦૦ જેટલા લોકોની પોલીસમાં ભરતી કરી. અને એમાં એક શરત હતી, કોમ્પ્યુટરનું નૉલેજ હોય એણે અરજી કરવાની. મિત્રો, મારે આનંદ સાથે કહેવું છે કે આજે ગુજરાતના પોલીસ મેળામાં કૉન્સ્ટેબલ લેવલે કામ કરનાર કોમ્પ્યુટર લિટરેટ લોકોની ફોજ ઊભી થઈ ગઈ છે, એક પ્રકારે ટેક્નિકલી સાઉન્ડ એવું મારું આખું ડિપાર્ટમેન્ટ બની ગયું છે. અને જો આવનારા દિવસોમાં બધી જ જગ્યાએ આ પ્રકારના હ્યુમન રિસોર્સ ઉપલબ્ધ થાય તો આ રાજ્ય કેટલી તીવ્ર ગતિથી આગળ વધી શકે..! એ સપનાં સાકાર કરવા માટે આજે આ યોજનાને ગુજરાતના નવજુવાનોને સમર્પિત કરું છું. નવજુવાન બહેનો, નવજુવાન ભાઈઓ, એમની શક્તિ પર મને પૂરો ભરોસો છે, મિત્રો. એ શક્તિને લઈને આપણે આગળ વધવું છે અને મને ખાત્રી છે દોસ્તો, કે આપ પણ સપનાં જોતા હશો. અવસર આપવાનું કામ સરકાર કરી રહી છે, વ્યવસ્થા ઊભી કરવા માટે સરકાર બે કદમ આગળ વધી રહી છે. અને નિર્ધારિત પરિણામો પ્રાપ્ત કરવા ગુજરાતનો નવજુવાન સક્ષમ છે એવો મારો વિશ્વાસ છે. મિત્રો, ગુજરાતનું સમૃદ્ધ ભાવિ, એ સમૃદ્ધ ભાવિની સમૃદ્ધિના આપ પણ હકદાર બનો, સમૃદ્ધ ભાવિની સમૃદ્ધિના આપ પણ ભાગીદાર બનો એના માટેનો આ એક અવસર છે. અને એ અવસર આજે ઊભો થયો છે ત્યારે ગુજરાતભરના ખૂણે ખૂણે મારી આ વાત સાંભળી રહેલા સૌ નવજુવાનોને અને આ સભાગૃહમાં સામે બેઠેલા સૌ નવજુવાનોને સાચા અર્થમાં એક ઇલેક્ટ્રૉનિક મેનપાવર તરીકે, એક અતિરિક્ત શક્તિવાળા મેનપાવર તરીકે હું ગુજરાતની ધરતી પર એક નવા પ્રકરણના ઉમેરા સાથે આવકારું છું અને આપ સૌને અંત:કરણપૂર્વક દોસ્તો, ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. અને નવજુવાનો, આપના સપનાં સાકાર કરવા માટે હું સદા સર્વદા આપની સાથે છું. આપના સપનાં સાકાર થાય એના માટે પરસેવો પાડવાની મારી તૈયારી છે. આપની ઇચ્છાઓ, આકાંક્ષાઓ પૂર્તિ થાય એના માટે આ સરકાર બે ડગલાં આગળ ચાલવા માટે તૈયાર છે. શર્ત આ છે કે મારા ગુજરાતનો નવજુવાન ડગ માંડવા નીકળે..! એની આંગળી પકડવા હું તૈયાર છું, એનો હાથ પકડીને ચાલવા હું તૈયાર છું, એને મારા કરતાં આગળ લઈ જવા માટે હું તૈયાર છું. આ સરકાર આખેઆખી ગુજરાતની નવજુવાન પેઢીને સમર્પિત છે, એના ભાગ્યને બદલવા માટે સમર્પિત છે. એના સપનાને સાકાર કરવા માટે સમર્પિત છે. આવો દોસ્તો, હું જ્યારે તમારી ઉંમરનો હતો ત્યારે મને આવું સૌભાગ્ય નહોતું મળ્યું, દોસ્તો. મને એ વખતે કોઈ મળ્યું ન હતું કે જે આ પ્રકારનો વિશ્વાસ આપે. ભાઈઓ-બહેનો, આજે આખેઆખી સરકાર આપના વિશ્વાસનો શ્વાસ બની જાય એટલી, પ્રત્યેક પળ આપની જોડે છે. એની સાથે આપ જોડાવ એ જ અપેક્ષા સાથે, મારી સાથે પૂરી તાકાતથી બોલશો...

ભારત માતા કી જય..!! બે મુઠ્ઠી બંધ કરીને પૂરી તાકાતથી બોલો, દોસ્તો. ભારત માતા કી જય..!! વંદે માતરમ... વંદે માતરમ... વંદે માતરમ..!!

Explore More
PM Modi's reply to Motion of thanks to President’s Address in Lok Sabha

Popular Speeches

PM Modi's reply to Motion of thanks to President’s Address in Lok Sabha
Modi govt's next transformative idea, 80mn connections under Ujjwala in 100 days

Media Coverage

Modi govt's next transformative idea, 80mn connections under Ujjwala in 100 days
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Economic Benefits for Middle Class
March 14, 2019

It is the middle class that contributes greatly to the country through their role as honest taxpayers. However, their contribution needs to be recognised and their tax burden eased. For this, the Modi government took a historic decision. That there is zero tax liability on a net taxable annual income of Rs. 5 lakh now, is a huge boost to the savings of the middle class. However, this is not a one-off move. The Modi government has consistently been taking steps to reduce the tax burden on the taxpayers. Here is how union budget has put more money into the hands of the middle class through the years...