જનશક્તિના સાક્ષાત્કારથી વિકાસના વિરાટ સામર્થ્યની ઝલક દર્શાવતું આ સ્વર્ણિમ ગુજરાત પ્રદર્શન અઢી લાખ ચોરસ ફૂટ પરિસરમાં જાહેર જનતા માટે આજથી ૬ઠ્ઠી મે, ર૦૧૧ સુધી સાંજે ૪-૦૦ વાગ્યાથી ૯-૦૦ વાગ્યા દરમિયાન ખુલ્લું રહેશે.
વિકાસ માટેનું ગુજરાતનું સામર્થ્ય અનેક વિવિધ ક્ષેત્રોમાં પ્રસ્તુત થયું છે. તાપી-સાબરમતી અને નર્મદાના નામથી ઉભા કરાયેલા ત્રણ ડોમમાં આ પ્રદર્શન પ્રદર્શિત કરાયું છે. આ ‘‘નર્મદે સર્વદે...'' પ્રદર્શનમાં નર્મદા યોજનાના વિકાસની અથથી ઇતિ સુધીની માહિતી અદ્યતન વિગતો સાથે લેસર શોના માધ્યમ દ્વારા અહીં રજૂ કરવામાં આવી છે.
મેરીટાઇમ બોર્ડ દ્વારા યોજાયેલા પ્રદર્શનમાં જુદા જુદા જહાજોની પ્રતિકૃતિ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. જેમાં એલ.એન.જી. કેરેયર મોડેલ અને તટરક્ષક દળનું જહાજ જોવા ગમે તેવા છે.
ગ્રામ વિકાસ વિભાગ દ્વારા મહિલા સ્વાવલંબન ક્ષેત્રે ‘મિશન મંગલમ્' યોજનાની વાત પ્રસ્તુત કરાઇ છે તથા જળસંચય અને પાણીનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે.
યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અંબાજી અને જગત મંદિર દ્વારકાની પ્રતિકૃતિ, બુદ્ધિસ્ટ હેરીટેજ અને સિદ્ધપુરના રૂદ્રમહાલયની પ્રતિકૃતિ દર્શાવાઇ છે જે લોકોને મનભાવક છે, અહીં સ્લાઇડ શો પણ છે.
આતંકવાદ સામે લડતાં જાંબાંઝ સુરક્ષા કર્મીઓની દિલધડક કામગીરીને અહીં જુદી જુદી ફિલ્મો દ્વારા પ્રસ્તુત કરાઇ છે.
રાજ્ય સરકારને મળેલા વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડનું પ્રત્યક્ષ નિદર્શન અહીં ખૂબ જ સુંદર રીતે રજૂ કરાયું છે. આ ઉપરાંત રાજ્યની મહાનગરપાલિકાઓને મળેલા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડની વિગતો પણ રજૂ કરાઇ છે.
રાજ્ય સરકારના માહિતી ખાતા દ્વારા પ્રકાશિત વિવિધ પ્રકાશનો, દીપોત્સવી અંક તેમજ રાજ્યની વિકાસલક્ષી અને કલ્યાણકારી યોજનાઓને આવરી લેતું સાહિત્ય પણ મહાનુભાવોએ રસપૂર્વક જોયું હતું.
ડી.એમ.આઇ.સી., ધોલેરા, એસ.આઇ.આર., ગીફટ સીટી સહિત વિવિધ વિભાગો રાજ્યપાલશ્રી તથા મુખ્ય મંત્રીશ્રીએ રસપૂર્વક નિહાળ્યા હતા.
રાજ્યપાલશ્રીએ હાઇડ્રોલિક લિફટ સિસ્ટમને રીમોટ કંટ્રોલથી કાર્યરત કરી સ્વર્ણિમ જયંતીના કળશને પ્રદર્શિત કર્યો હતો. જયારે મુખય મંત્રીશ્રીએ રીમોટ બટન દબાવતાં તેમાં વીજળીના બલ્બ પ્રકાશિત થયા હતા અને તે સાથે આ પ્રદર્શન ખુલ્લું મુકાયું હતું.
મેગા એકઝીબીશનના આ ઉદ્દઘાટન સમારોહમાં વિધાનસભાના અધ્યક્ષ શ્રી ગણપતભાઈ વસાવા, મંત્રીમંડળના વરિષ્ઠ સભ્યશ્રીઓ ઉપરાંત સંસદસભ્યો, ધારાસભ્યો, બોર્ડ-નિગમના ચેરમેનશ્રીઓ તેમજ મુખ્ય સચિવ શ્રી એ. કે. જોતિ સહિતના વરિષ્ઠ સચિવશ્રીઓ, ઉચ્ચ અધિકારીઓ વગેરેએ ઉપસ્થિત રહી પ્રદર્શનને રસપૂર્વક નિહાળ્યું હતું.