When the entire country stands with our forces, the strength of our jawans increases 125 crore times: PM Modi during #MannKiBaat
Decision to implement demonetisation wasn’t easy. There will be inconvenience to rid the country of troubles of 70 years: PM #MannKiBaat
Govt, post offices, banks are working hard & with dedication to fight evils of black money & corruption: PM Modi during #MannKiBaat
Despite inconvenience, people across the country have accepted demonetisation drive. This shows their potential: PM during #MannKiBaat
Villages, farmers & small traders have a pivotal role in our country’s economy: PM Modi during #MannKiBaat
Urge small traders to embrace technology by using banking apps & digital payment systems: PM Modi during #MannKiBaat
By embracing technology, we can build a cashless society. This will be a big transformation: PM during #MannKiBaat
We can gradually move from a ‘less-cash’ society to a cashless society. Youth can play a major role in this: PM Modi during #MannKiBaat
Youth can be the agents of change in fighting black money & corruption: PM Narendra Modi during #MannKiBaat

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર.

ગત મહિને આપણે બધા દિવાળીનો આનંદ લઈ રહ્યા હતા. દર વર્ષની જેમ આ વખતે દિવાળીના પ્રસંગે હું ફરી એક વાર જવાનો સાથે દિવાળી મનાવવા ચીનની સીમા પર, સરહદે ગયો હતો. આઈટીબીપીના જવાનો, સેનાના જવાનો સાથે હિમાલયની ઊંચાઈએ મેં દિવાળી મનાવી. હું દર વખતે જઉં છું પરંતુ આ દિવાળીનો અનુભવ કંઈક અલગ જ હતો. દેશના સવાસો કરોડ દેશવાસીઓએ જે અનોખા અંદાજમાં, આ દિવાળી સેનાના જવાનોને સમર્પિત કરી, તેની અસર ત્યાંના દરેક જવાનોના ચહેરા પર અભિવ્યક્ત થતી હતી. તેઓ ભાવનાઓથી ભરપૂર દેખાતા હતા અને એટલું જ નહીં, દેશવાસીઓએ જે શુભકામના સંદેશ મોકલ્યા, પોતાની ખુશીમાં દેશના સુરક્ષા દળોને સામેલ કર્યા તે એક અદભુત પ્રતિભાવ હતો. અને લોકોએ માત્ર સંદેશા મોકલ્યા એવું નથી, તેઓ મનથી જોડાઈ ગયા હતા. કોઈએ કવિતા લખી; કોઈએ ચિત્ર બનાવ્યાં; કોઈએ કાર્ટૂન બનાવ્યાં; કોઈએ વિડિયો બનાવ્યા અર્થાત્ લગભગ દરેક ઘર સૈનિકોની ચોકી બની ગયું હતું. અને જ્યારે પણ એ પત્રો હું જોતો હતો તો મને પણ ખૂબ જ આશ્ચર્ય થતું હતું કે કેટલી કલ્પના છે, કેટલી લાગણીઓ ભરેલી છે અને તેમાંથી જ માયગવ (mygov)ને વિચાર આવ્યો કે કેટલીક પસંદગીની ચીજો તારવીને તેની એક કૉફી ટેબલ બુક બનાવવી જોઈએ. કામ ચાલી રહ્યું છે. આપ બધાના યોગદાનથી, દેશની સેનાના જવાનોની ભાવનાઓ વિશેતમારી બધાની કલ્પના- દેશના સુરક્ષા દળો પ્રત્યે તમારો જે ભાવ છે, તે આ ગ્રંથમાં સંકલિત થશે.

સેનાના એક જવાને મને લખ્યું- વડા પ્રધાનજી, અમારા સૈનિકો માટે હોળી, દિવાળી વગેરે દરેક તહેવાર સરહદ પર જ ઉજવાય છે, દરેક સમયે દેશની સુરક્ષામાં ડૂબેલા રહીએ છીએ. તેમ છતાં તહેવારોના સમયે ઘરની યાદ આવી જ જાય છે. પરંતુ સાચું કહું, આ વખતે એવું ન લાગ્યું. આ વખતે એવું જરા પણ ન લાગ્યું કે તહેવાર છે અને હું ઘર પર નથી. એવું લાગ્યું કે જાણે અમે પણ સવાસો કરોડ ભારતવાસીઓ સાથે દિવાળી મનાવી રહ્યા છીએ.

મારા પ્રિય દેશવાસીઓ, આ દિવાળીએ આપણા સુરક્ષા દળો, જવાનો પ્રત્યે જે લાગણી જાગી છે તે શું માત્ર કેટલાક પ્રસંગો પર જ સીમિત રહેવી જોઈએ? મારો આપને અનુરોધ છે કે આપણે એક સમાજના રૂપમાં, રાષ્ટ્રના રૂપમાં આપણો સ્વભાવ, આપણી પ્રકૃતિ બનાવીએ. કોઈ પણ ઉત્સવ હોય, તહેવાર હોય, ખુશીનો પ્રસંગ હોય, આપણા દેશના જવાનોને કોઈ ને કોઈ રૂપમાં જરૂર યાદ કરીએ. જ્યારે સમગ્ર રાષ્ટ્ર સેના સાથે ઊભું રહે છે તો સેનાની તાકાત ૧૨૫ કરોડ ગણી વધી જાય છે.

કેટલાક સમય પહેલાં મને જમ્મુ-કાશ્મીરનાં ગામોના બધા સરપંચ મળવા આવ્યા હતા. જમ્મુ-કાશ્મીર પંચાયત પરિષદના એ લોકો હતા. કાશ્મીરખીણનાં અલગ-અલગ ગામોમાંથી આવ્યા હતા. લગભગ ૪૦-૫૦ સરપંચ હતા. મને તેમની સાથે ઘણો સમય વાત કરવાની તક મળી. તેઓ પોતાનાં ગામોના વિકાસની કેટલીક વાતો લઈને આવ્યા હતા, કેટલીક માગણીઓ લઈને આવ્યા હતા પરંતુ જ્યારે વાતો થઈ તો સ્વાભાવિક હતું કે ખીણની સ્થિતિ, કાયદો-વ્યવસ્થા, બાળકોનું ભવિષ્ય, આ બધી વાતો નીકળે જ. અને એટલા પ્રેમથી, એટલી નિખાલસતાથી ગામોના એ સરપંચોએ વાતો કરી, દરેક બાબત મારા હૃદયને સ્પર્શી ગઈ. વાત-વાતમાં કાશ્મીરમાં જે શાળાઓ સળગાવવામાં આવતી હતી તેની ચર્ચા પણ થઈ અને મેં જોયું કે જેટલું દુઃખ આપણને દેશવાસીઓને થાય છે તેટલી જ પીડા એ સરપંચોને પણ હતી અને તેઓ પણ માનતા હતા કે શાળાઓ નહીં, બાળકોનું ભવિષ્ય સળગાવાયું છે. મેં તેમને અનુરોધ કર્યો કે તેઓ જઈને એ બાળકોના ભવિષ્ય પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે. આજે મને ખુશી થઈ રહી છે કે કાશ્મીર ખીણમાંથી આવેલા એ બધા સરપંચોએ મને જે વચન આપ્યું હતું તેને સારી રીતે નિભાવ્યું, ગામોમાં જઈને બધા લોકોને જાગૃત કર્યા. હમણાં થોડા દિવસ પહેલાં જ્યારે બૉર્ડની પરીક્ષા થઈ તો કાશ્મીરનાં દીકરા-દીકરીઓએ-કાશ્મીરના લગભગ ૯૫ ટકા વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓએ બૉર્ડની પરીક્ષામાં ભાગ લીધો. બૉર્ડની પરીક્ષાઓમાં આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓનું સામેલ થવું તે એ વાત તરફ સંકેત કરે છે કે જમ્મુ-કાશ્મીરના આપણાં બાળકો ઉજ્જવળ ભવિષ્ય માટે, શિક્ષણના માધ્યમથી, વિકાસની નવી ઊંચાઈઓને પામવા માટે કૃત સંકલ્પ છે. તેમના આ ઉત્સાહ માટે હું તેમને તો અભિનંદન પાઠવું જ છું પરંતુ સાથે તેમનાં માતાપિતાને, તેમના સ્વજનોને, તેમના શિક્ષકોને અને બધા ગામ સરપંચોને ખૂબ જ વધાઈ આપું છું.

પ્રિય ભાઈઓ અને બહેનો,

આ વખતે જ્યારે મેં ‘મનની વાત’ માટે લોકો પાસે સૂચનો માગ્યાં તો હું કહી શકું છું કે બધાનાં સૂચનો એક તરફી જ આવ્યાં. બધા કહેતા હતા કે, 500 અને એક હજારની નોટ પર વિસ્તારથી વાત કરીએ. આમ તો આઠ નવેમ્બરે રાત્રે આઠ વાગ્યે રાષ્ટ્રના નામે સંબોધન કરતી વખતે દેશમાં સુધાર લાવવા માટે એક મહા અભિયાન આરંભ કરવાની મેં ચર્ચા કરી હતી. જે સમયે મેં આ નિર્ણય કર્યો હતો, તમારી સામે પ્રસ્તુત કર્યો હતો ત્યારે પણ મેં બધાની સામે કહ્યું હતું કે નિર્ણય સામાન્ય નથી. મુશ્કેલીઓથી ભરેલો છે. પરંતુ નિર્ણય જેટલો મહત્ત્વપૂર્ણ છે તેટલો જ મહત્ત્વનો તેનો અમલ છે. અને મને એ અંદાજ હતો કે આપણા સામાન્ય જીવનમાં અનેક પ્રકારની નવી-નવી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. અને ત્યારે પણ મેં કહ્યું હતું કે નિર્ણય એટલો મોટો છે કે તેની અસરમાંથી બહાર નીકળવા માટે પચાસ દિવસ તો લાગશે જ. અને તે પછી સામાન્ય સ્થિતિ તરફ આપણે જઈ શકીશું. સિત્તેર વર્ષથી આપણે જે બીમારીઓને વેઠી રહ્યા છીએ તે બીમારીઓમાંથી મુક્તિનું અભિયાન સરળ ન જ હોઈ શકે. તમારી મુશ્કેલીઓ-તકલીફોને હું સારી પેઠે સમજી શકું છું. પરંતુ જ્યારે હું આપ સહુનું સમર્થન જોઉં છું, તમારો સહયોગ જોઉં છું, તમને ભ્રમિત કરવા માટે ઘણા બધા પ્રયાસો ચાલી રહ્યા છે, તે છતાં પણ, ક્યારેક ક્યારેક મનને વિચલિત કરનારી ઘટનાઓ બહાર આવે છે તેમ છતાં, તમે સત્યના આ માર્ગને સારી રીતે સમજ્યો છે, પાંચસો અને હજારની નોટ બંધ કરવાની દેશહિતની આ વાતને સારી રીતે સ્વીકારી છે.

અને આટલો મોટો દેશ, આટલી બધી નોટોની ભરમાર, અબજો-ખર્વો નોટ અને આ નિર્ણય-સમગ્ર વિશ્વ બહુ બારીકાઈથી જોઈ રહ્યું છે, દરેક અર્થશાસ્ત્રી આનું ખૂબ જ વિશ્લેષણ કરી રહ્યા છે, મૂલ્યાંકન કરી રહ્યા છે. સમગ્ર વિશ્વ એ વાતને જોઈ રહ્યું છે કે શું હિન્દુસ્તાનના સવાસો કરોડ દેશવાસી મુશ્કેલીઓ-તકલીફો વેઠીને પણ સફળતા મેળવશે? વિશ્વના મનમાં કદાચ પ્રશ્નચિહ્ન હોઈ શકે છે. ભારતને ભારતના સવાસો કરોડ દેશવાસીઓ પ્રત્યે માત્ર શ્રદ્ધા જ છે. વિશ્વાસ જ છે કે સવાસો કરોડ દેશવાસીઓ સંકલ્પ પૂર્ણ કરીને જ રહેશે. અને આપણો દેશ સોનાની જેમ દરેક રીતે તપીને, નિખરીને બહાર નીકળશે અને તેનું કારણ આ દેશના નાગરિકો છે, તેનું કારણ તમે છો. આ સફળતાનો માર્ગ પણ તમારા કારણે જ સંભવ બન્યો છે.

સમગ્ર દેશમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનાં બધાં એકમો, એક લાખ ત્રીસ હજાર બૅન્ક શાખાઓમાં લાખો બૅંક કર્મચારીઓ, દોઢ લાખથી વધુ પૉસ્ટ ઑફિસ, એક લાખથી વધુ બૅન્ક મિત્ર દિવસ-રાત આ કામમાં લાગેલા છે, સમર્પિત ભાવથી જોડાયેલા છે. વિવિધ પ્રકારના તણાવની વચ્ચે આ બધા લોકો ખૂબ જ શાંત ચિત્તથી તેને દેશની સેવાનો એક યજ્ઞ માનીને એક મહાન પરિવર્તનનો પ્રયાસ માનીને કાર્યરત્ છે. સવારે શરૂ કરે છે તો રાત ક્યારે પડશે તે ખબર પણ નથી રહેતી, પરંતુ બધા કરી રહ્યા છે. અને આ જ કારણે સ્પષ્ટ દેખાય છે કે ભારત આમાં સફળ થશે જ. અને મેં જોયું છે કે આટલી મુશ્કેલીઓ વચ્ચે બૅંકના, પૉસ્ટ ઑફિસના બધા લોકો કામ કરી રહ્યા છે. અને માનવતાના મુદ્દે વાત કરવામાં આવે તો તેઓ બે ડગલાં આગળ દેખાય છે.

કોઈએ મને કહ્યું કે ખંડવામાં એક વૃદ્ધ ભાઈનો અકસ્માત થયો. અચાનક નાણાંની જરૂર પડી. ત્યાંના સ્થાનિક બૅંકના કર્મચારીના ધ્યાનમાં આ વાત આવી અને મને એ જાણીને બહુ ખુશી થઈ કે તેઓ પોતે તેમના ઘરે, તે વૃદ્ધ વ્યક્તિને પૈસા પહોંચાડી આવ્યા જેથી સારવારમાં મદદ થાય. આવા તો અગણિત કિસ્સાઓ દરરોજ ટીવીમાં, મિડિયામાં, અખબારોમાં, વાતચીતમાં બહાર આવે છે. આ મહાયજ્ઞમાં પરિશ્રમ કરનારા, પુરુષાર્થ કરનારા બધા સાથીઓનો હું અંત:કરણપૂર્વક આભાર માનું છું. શક્તિની પિછાણ ત્યારે જ થાય જ્યારે કસોટીમાંથી પાર ઉતરીએ. મને બરાબર યાદ છે – વડા પ્રધાન જનધન યોજનાનું અભિયાન ચાલી રહ્યું હતું અને બૅંકના કર્મચારીઓએ જે રીતે તેને પોતાના ખભા પર ઉપાડી લીધી હતી અને જે કામ સિત્તેર વર્ષમાં નહોતું થયું તે તેમણે કરીને દેખાડ્યું હતું. તે વખતે તેમના સામર્થ્યનો પરિચય થયો હતો. આજે ફરી એક વાર, આ પડકારને તેમણે ઉપાડ્યો છે અને મને વિશ્વાસ છે કે સવાસો કરોડ દેશવાસીઓનો સંકલ્પ, બધાનો સામૂહિક પુરુષાર્થ આ રાષ્ટ્રને એક નવી તાકાત બનાવીને પ્રગતિ કરાવશે.

પરંતુ દુર્ગુણો એટલા ફેલાયેલા છે કે આજે કેટલાક લોકોને દુર્ગુણો છુટતા નથી. હજુ પણ કેટલાક લોકોને લાગે છે કે આ ભ્રષ્ટાચારના પૈસા, આ કાળુ નાણું, આ હિસાબ વગરના પૈસા, આ બેનામી પૈસા કોઈ ને કોઈ રસ્તો શોધીને ફરીથી વ્યવસ્થામાં લાવી દઉં. તેઓ પોતાના પૈસા બચાવવા માટે ગેરકાયદે રસ્તા શોધી રહ્યા છે. દુઃખની વાત એ છે કે તેમાં પણ તેમણે ગરીબોનો ઉપયોગ કરીને રસ્તો શોધી કાઢ્યો છે. ગરીબોને ભ્રમિત કરીને, લાલચ કે પ્રલોભનની વાતો કરીને, તેમનાં ખાતાંમાં પૈસા નાખીને અથવા તેમની પાસે કોઈ કામ કરાવીને પૈસા બચાવવાનો પ્રયત્ન કેટલાક લોકો કરી રહ્યા છે. હું એવા લોકોને આજે કહેવા માગું છું- સુધરવું કે ન સુધરવું એ તમારી મરજી, કાયદાનું પાલન કરવું કે ન કરવું તે તમારી મરજી. કાયદો જોશે કે શું કરવું. પરંતુ કૃપા કરીને તમે ગરીબોની જિંદગી સાથે છેડછાડ ન કરો. તમે એવું કંઈ ન કરો જેથી રેકૉર્ડ પર ગરીબનું નામ આવે અને બાદમાં જ્યારે તપાસ થાય ત્યારે મારા પ્રિય ગરીબો તમારા પાપના કારણે મુસીબતમાં ફસાઈ જાય. અને બેનામી સંપત્તિનો એટલો કઠોર કાયદો બન્યો છે, જે આમાં લાગુ થઈ રહ્યો છે, તેના લીધે ઘણી મુશ્કેલીઓ આવશે અને સરકાર નથી ઈચ્છતી કે આપણા દેશવાસીઓને કોઈ તકલીફ પડે.

મધ્યપ્રદેશના કોઈ શ્રીમાન આશીષે પાંચસો અને હજારની નોટના માધ્યમથી ભ્રષ્ટાચાર અને કાળા નાણાં વિરુદ્ધ જે લડાઈ છેડવામાં આવી છે તે અંગે મને ટેલિફોન કરીને તેના વખાણ કર્યા છે:

“સર નમસ્તે. મારું નામ આશીષ પારે છે. હું તિરાલી ગામ, તિરાલી તાલુકો, હરદા જિલ્લો, મધ્યપ્રદેશનો સામાન્ય નાગરિક છું. તમારા દ્વારા જે હજાર-પાંચસોની નોટો બંધ કરવામાં આવી છે તે ખૂબ જ પ્રશંસનીય છે. હું ઈચ્છું છું કે ‘મનની વાત’માં અનેક ઉદાહરણો કહેજો કે લોકોએ અસુવિધા સહન કરવા છતાં પોતાના રાષ્ટ્રની ઉન્નતિ માટે આ કઠોર નિર્ણયનું સ્વાગત કર્યું છે જેનાથી લોકોમાં ઉત્સાહ વધશે અને રાષ્ટ્ર નિર્માણ માટે કેશલેસ પ્રણાલિ ખૂબ જ જરૂરી છે ને હું સમગ્ર દેશ સાથે છું. હું ખૂબ જ ખુશ છું કે તમે હજાર-પાંચસોની નોટ બંધ કરી દીધી.”

આ જ રીતે મને એક ફોન કર્ણાટકના શ્રીમાન યેલપ્પા વેલાન્કરજી તરફથી આવ્યો છે:

“મોદીજી નમસ્તે. હું કર્ણાટકના કોપ્પલ જિલ્લાના આ ગામમાંથી યેલપ્પા વેલાન્કર બોલું છું. તમને મનથી ધન્યવાદ દેવા માગું છું કારણકે તમે કહ્યું હતું કે સારા દિવસો આવશે (અચ્છે દિન આયેંગે), પરંતુ કોઈએ પણ વિચાર્યું નહોતું કે આટલો મોટો નિર્ણય તમે કરશો. પાંચસો અને હજારની નોટ, આ બધું જોઈને કાળાં નાણાંવાળા અને ભ્રષ્ટાચારીઓને બોધપાઠ મળ્યો છે. ભારતના દરેક નાગરિકના આનાથી વધુ સારા દિવસ ક્યારેય નહીં આવે. તે માટે હું તમને મનથી પૂર્ણ ધન્યવાદ આપવા માગું છું.”

કેટલીક વાતો મિડિયાના માધ્યમથી, લોકોના માધ્યમથી, સરકારી સૂત્રોના માધ્યમથી જાણવા મળે છે તો કામ કરવાનો ઉત્સાહ ઘણો વધી જાય છે. એટલો આનંદ આવે છે, એટલો ગર્વ થાય છે કે મારા દેશમાં સામાન્ય માનવીનું કેવું અદભુત સામર્થ્ય છે! મહારાષ્ટ્રના અકોલામાં નેશનલ હાઇવે એનએચ-૬ પર કોઈ રેસ્ટૉરન્ટ છે. તેણે એક મોટું બૉર્ડ લગાવ્યું છે કે જો તમારા ખિસ્સામાં જૂની નોટ હોય અને તમે જમવા માગતા હો તમે પૈસાની ચિંતા ન કરો. અહીંથી ભૂખ્યા ન જાવ. જમીને જ જાવ અને ફરીથી આ રસ્તા પરથી પસાર થવાનો મોકો મળે તો જરૂર પૈસા દઈ દે જો. અને લોકો ત્યાં જાય છે, જમે છે અને બે-ચાર-છ દિવસ પછી જ્યારે ત્યાંથી ફરીથી પસાર થાય છે તો પૈસા આપી દે છે. આ મારા દેશની તાકાત છે જેમાં સેવાભાવ, ત્યાગની ભાવના અને પ્રમાણિકતા પણ છે.

હું ચૂંટણીમાં ‘ચા પર ચર્ચા’ કરતો હતો અને સમગ્ર વિશ્વમાં આ વાત પહોંચી ગઈ હતી. દુનિયાના અનેક દેશના લોકો ‘ચા પર ચર્ચા’ શબ્દ બોલતા પણ શીખી ગયા. પરંતુ મને ખબર નહોતી કે ‘ચા પર ચર્ચા’માં લગ્ન પણ થાય! મને ખબર પડી કે ૧૭ નવેમ્બરે સુરતમાં એક એવાં લગ્ન થયાં જે ‘ચા પર ચર્ચા’ સાથે થયાં. ગુજરાતના સુરતમાં એક દીકરીએ પોતાને ત્યાં લગ્નમાં જે લોકો આવ્યા તેમને માત્ર ચા પીવડાવી અને બીજો કોઈ ખર્ચ ન કર્યો. ન કોઈ જમણવાર. કંઈ નહીં. કારણકે નોટબંધીને કારણે પૈસાની મુશ્કેલી હતી. જાનૈયાઓએ પણ ચાને એટલું જ સન્માન માન્યું.સુરતના ભરત મારુ અને દક્ષા પરમાર જેમણે પોતાનાં લગ્નના માધ્યમથી ભ્રષ્ટાચાર વિરુદ્ધ, કાળાં નાણાં વિરુદ્ધ આ જે લડાઈ ચાલી રહી છે તેમાં જે યોગદાન કર્યું છે તેનાથી તેઓ પ્રેરણારૂપ બન્યાંછે. નવપરિણીત ભરત અને દક્ષાને હું ખૂબ જ આશીર્વાદ આપું છું અને લગ્નના પ્રસંગને પણ આ મહાન યજ્ઞમાં પરિવર્તિત કરીને એક નવા અવસરમાં પરિવર્તિત કરવા માટે ખૂબ ખૂબ વધાઈ-અભિનંદન આપું છું. અને જ્યારે આવાં સંકટ આવે છે તો લોકો ઉત્તમ રસ્તા પણ શોધી લે છે.

હું એક રાત્રે મોડો આવ્યો હતો તો ટીવી જોતો હતો. મેં સમાચારમાં જોયું કે આસામમાં ધેકિયા જુલી નામનું એક નાનકડું ગામ છે. ત્યાં ચાના બગીચાના કારીગરો રહે છે અને તેમને દર અઠવાડિયે પૈસા મળે છે. તેમને બે હજાર રૂપિયાની નોટ મળી તો તેમણે શું કર્યું? અડોશ-પડોશની ચાર મહિલાઓ એકઠી થઈ ગઈ અને ચારેયે સાથે જઈને ખરીદી કરી અને બે હજાર રૂપિયાની નોટથી ચૂકવણી કરી તો તેમને નાની નોટની જરૂર જ ન પડી કારણકે ચારેયે સાથે મળીને ખરીદી કરી અને નિર્ણય કર્યો કે આગલા અઠવાડિયે જ્યારે મળીશું ત્યારે આપણે બેસીને હિસાબ જોઈ લઈશું. લોકો પોતપોતાના રસ્તા શોધી રહ્યા છે. અને પરિવર્તન પણ જુઓ. સરકાર પાસે એક સંદેશો આવ્યો. આસામના ચાના બગીચાના લોકો કહી રહ્યા છે કે અમારે ત્યાં એટીએમ લગાવો. જુઓ, કઈ રીતે ગામડાના જીવનમાં પણ પરિવર્તન આવી રહ્યું છે. આ અભિયાનનો કેટલાક લોકોને તો તાત્કાલિક લાભ મળી ગયો છે. દેશને તો લાભ આવનારા દિવસોમાં મળશે, પરંતુ કેટલાક લોકોને તો તાત્કાલિક લાભ મળી ગયો છે. મેં થોડો હિસાબ પૂછ્યો, શું થયું છે, નાનાં-નાનાં શહેરોની થોડી જાણકારી મેળવી. મને લગભગ ૪૦-૫૦ શહેરોની જે જાણકારી મળી કે આ નોટબંધી કરવાના કારણે જેટલા જૂના પૈસા બાકી હતા, લોકો પૈસા નહોતા દેતા, પાણી, વીજળી વગેરેનો કરવેરો નહોતા ભરતા અને તમે સારી રીતે જાણો છો કે ગરીબ લોકો બે દિવસ પહેલાં જઈને એક-એક પૈસો ચુકવી દેવાની ટેવ રાખે છે. આ જે મોટા મોટા લોકો હોય છે ને, જેમની પહોંચ હોય છે, જેમને ખબર છે કે કોઈ તેમને ક્યારેય પૂછનાર નથી, તેઓ પૈસા નથી દેતા. અને તેમનો ઘણો વેરો બાકી રહે છે. દરેક મહાનગરપાલિકાને કરવેરા પેટે માંડ પચાસ ટકા વેરો મળે છે. પરંતુ આ વખતે આઠ તારીખના આ નિર્ણયના કારણે બધા લોકો પોતાની જૂની નોટો જમા કરાવવા માટે દોડી ગયા. ૪૭ શહેરી એકમોમાં ગયા વર્ષે આ સમયે લગભગ ત્રણ-સાડા ત્રણ હજાર કરોડ રૂપિયાનો કરવેરો આવ્યો હતો. તમને જાણીને નવાઈ લાગશે, આનંદ પણ થશે કે આ એક જ સપ્તાહમાં ૧૩ હજાર કરોડ રૂપિયા જમા થઈ ગયા. હવે તે મહાનગરપાલિકામાં ચાર ગણા પૈસા આવી ગયા તો સ્વાભાવિક છે કે ગરીબ વસ્તીઓમાં ગટરની વ્યવસ્થા થશે, પાણીની વ્યવસ્થા થશે, આંગણવાડીની વ્યવસ્થા થશે. આવાં તો અનેક ઉદાહરણ મળી રહ્યા છે જેમાં તેનો સીધો સીધો લાભ પણ નજરે પડે છે.

ભાઈઓ-બહેનો, આપણું ગામ, તેમજ આપણા ખેડૂતો આપણા દેશની અર્થવ્યવસ્થાની એક મજબૂત કડી છે. એક તરફ અર્થ વ્યવસ્થાના આ નવા બદલાવને કારણે, મુશ્કેલીઓ વચ્ચે દરેક નાગરિકો પોતાની જાતને સુવ્યવસ્થિત કરી રહ્યા છે. પરંતુ મારા દેશના ખેડૂતોને વિશેષ અભિનંદન આપવા માંગુ છું. હમણાં હું પાકની લણણીના આંકડાઓ લઈ રહ્યો હતો..મને ખુશી થઈ કે ઘઉં હોય કે કઠોળ હોય કે તલ હોય, નવેમ્બરની 20 તારીખ સુધીનો હિસાબ મારી પાસે હતો. ગત વર્ષની તુલનામાં વાવણીમાં મોટાપ્રમાણમાં વધારો નોંધાયો છે. મુશ્કેલીઓ વચ્ચે પણ ખેડૂતોએ માર્ગ શોધ્યો છે. સરકારે પણ કેટલાય મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે જેમાં ખેડૂતો તેમજ ગામડાંઓને પ્રાથમિકતા અપાઈ છે પરંતુ તેમ છતાં પણ મુશ્કેલીઓ તો છે જ, પરંતુ મને વિશ્વાસ છે કે જે ખેડૂત કોઈ મુશ્કેલી હોય, પ્રાકૃતિક આપત્તિઓ હોય તેમાં પણ જો હંમેશા અડગ ઉભો હોય, ત્યારે આ વખતે પણ તે અડગ ઉભો રહેશે.

આપણા દેશના નાનાં વેપારીઓ, જેઓ રોજગાર પણ આપે છે, આર્થિક ગતિવિધી પણ વધારે છે. ગત બજેટમાં અમે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો હતો કે મોટા-મોટા Mall ની જેમ ગામડાંના નાના-નાના દુકાનદારો પણ હવે ચોવીસે કલાક પોતાનો વ્યવસાય કરી શકશે, કોઈ કાયદો તેમને રોકી નહીં શકે. કારણ કે મારો મત હતો કે મોટા-મોટા Mall ને 24 કલાક મળે છે તો ગામડાંના ગરીબ દુકાનદારોને શા માટે ન મળવું જોઈએ ? મુદ્રા યોજનાથી તેઓને લોન આપવાની દિશામાં મોટી પહેલ કરવામાં આવી છે. લાખો-કરોડો રૂપિયા મુદ્રા યોજનાથી આવા નાના-નાનાં લોકોને પહોંચાડવામાં આવ્યા, કારણ કે મોટી સંખ્યામાં લોકો નાનાં-મોટા વેપાર કરે છે, અને અબજો રૂપિયાના વેપારને ગતિ આપે છે. પરંતુ આ નિર્ણયથી તેઓને પણ મુશ્કેલી આવશે તે સ્વાભાવિક છે..પરંતુ મેં જોયું કે હવે તો આપણા આ નાનાં વેપારીઓ પણ ટેકનોલોજીના માધ્યમથી, મોબાઈલ એપના માધ્યમથી, મોબાઈલ બેન્કના માધ્યમથી, ક્રેડિટ કાર્ડના માધ્યમથી, પોતાની રીતે ગ્રાહકોની સેવા કરી રહ્યા છે, વિશ્વાસના આધાર પર પણ કરે છે અને હું આપણા નાનાં વેપારી ભાઈ-બહેનોને પણ કહેવા માગું છું કે સારો મોકો છે, તમે લોકો પણ ડીજીટલ દુનિયામાં પ્રવેશ કરી લો. આપ પણ મોબાઈલ ફોનમાં બેન્કોની એપ ડાઉનલોડ કરી લો. આપ પણ ક્રેડિટ કાર્ડ માટે પીઓએસ મશીન વસાવી લો, આપ પણ નોટ વગર કેવી રીતે વેપાર થઈ શકે તે શીખી લો. જરા જુઓ મોટા મોલ, ટેક્નોલોજીના માધ્યમથી પોતાના વેપારને કેવી રીતે વધારી રહ્યા છે, એક નાનો વેપારી પણ આવી સામાન્ય યુઝર ફ્રેન્ડલી ટેક્નોલોજીથી પોતાનો વેપાર વધારી શકે છે. બગાડવાનો તો સવાલ જ નથી, વધારવાનો અવસર છે. હું આપને નિમંત્રણ આપુ છું કે ‘કેશલેસ સોસાયટી’ બનાવવામાં આપ બહુ મોટું યોગદાન આપી શકો છો, આપ આપના વેપારને વધારવામાં મોબાઈલ ફોન પર પૂરી બેન્કિંગ વ્યવસ્થા ઉભી કરી શકો છે અને આજે નોટો ઉપરાંત અનેક રસ્તાઓ છે, જેમાં આપણે વેપાર ચલાવી શકીએ છીએ. ટેક્નોલોજીકલ રસ્તાઓ સુરક્ષિત છે અને ત્વરિત છે. હું ઈચ્છીશ કે માત્ર આ અભિયાનને સફળ બનાવવામાં આપ મદદ કરો અને તેટલું જ નહીં આપ બદલાવનું પણ નેતૃત્વ કરો અને મને વિશ્વાસ છે કે આપ બદલાવનું નેતૃત્વ કરી શકો છો. આપ આખા ગામના વેપારમાં આ ટેક્નોલોજીના આધાર પર કામ કરી શકો છો તેવો મને વિશ્વાસ છે. હું મજૂર ભાઈ-બહેનોને પણ કહેવા માગું છું કે તમારું ઘણું શોષણ થયું છે. કાગળ પર એક પગાર થાય છે અને જ્યારે હાથમાં આવે છે ત્યારે અલગ હોય છે. ક્યારેક પૂરો પગાર મળે છે તો ક્યારેક બહાર કોઈ ઉભું હોય તે તેને થોડો હિસ્સો આપવો પડે છે અને મજૂરો મજબૂરીમાં આ શોષણને જીવનનો હિસ્સો બનાવી દેતા હોય છે. આ નવી વ્યવસ્થાથી અમે ઈચ્છીયે છીયે કે આપનું પણ બેન્કમાં ખાતુ હોય, આપના પગારના નાણાં આપની બેન્કમાં જમા થાય જેથી લઘુત્તમ વેતનનું પાલન થાય. આપને પૂરા નાણાં મળે, કોઈ કાપી ના શકે. આપનું શોષણ ન થાય તેમજ એકવાર આપની બેન્કમાં નાણાં આવ્યા તો આપ પણ મોબાઈલ ફોન પર – કોઈ મોટા સ્માર્ટફોનની જરૂરિયાત નથી. આજકાલ તો આપનો મોબાઈલ ફોન પણ ઈ-પાકિટનું કામ કરે છે – આપને તે જ મોબાઈલ ફોનથી આડોશ-પાડોશની નાની-મોટી દુકાનમાંથી જે ખરીદવું છે તે ખરીદી શકો છો, તેનાથી પૈસા પણ ચૂકવી શકો છો..તેથી જ મજૂર ભાઈ-બહેનોને આ યોજનામાં ભાગીદાર બનવા માટે હું વિશેષ આગ્રહ કરું છું, કારણ કે આખરે તો આટલો મોટો નિર્ણય મેં દેશના ગરીબો, ખેડૂતો, મજૂરો, વંચિતો તેમજ પીડિતો માટે લીધો છે, જેનો લાભ તેઓને મળવો જોઈએ.

આજે હું વિશેષરૂપથી યુવાનો સાથે વાત કરવા માંગુ છું. આપણે દુનિયામાં ગાઈ-વગાડીને કહીએ છીએ કે ભારત એવો દેશ છે કે જેની પાસે 65 ટકા જનસંખ્યા, 35 વર્ષથી ઓછી ઉંમરની છે. મારા દેશના યુવા અને યુવતિઓ, હું જાણું છું કે મારો નિર્ણય તો આપને પસંદ આવ્યો જ હશે. હું એ પણ જાણું છું કે આપ આ નિર્ણયનું સમર્થન કરો છો. હું એ પણ જાણું છું કે આપ આ વાતને સકારાત્મકરૂપથી આગળ વધારવા માટે પૂરતું યોગદાન પણ આપી રહ્યા છો. પરંતુ દોસ્તો, આપ મારા સાચા સિપાહી છો, આપ મારા સાચા સાથી છો. માં ભારતીની સેવા કરવાનો એક અદભૂત મોકો આપણને પ્રાપ્ત થયો છે. દેશને આર્થિક ઉંચાઈ પર લઈ જવાનો અવસર આવ્યો છે. મારા નવયુવાનો શું આપ મારી મદદ કરી શકો છો? મને સાથ આપશો, આટલાથી વાત અટકશે નહીં. જેટલો અનુભવ આપને આજની દુનિયાનો છે, જૂની પેઢીને તેટલો નથી. બની શકે કે આપના પરિવારમાં મોટા ભાઈને જાણ નહીં હોય તેમજ માતા-પિતા, કાકા-કાકી, મામા-મામીને પણ કદાચ ખબર નહીં હોય. એપ શું હોય છે તે આપ જાણો છો, ઓનલાઈન બેન્કિંગ શું હોય છે તે આપ જાણો છો, ઓનલાઈન ટિકિટ બુકિંગ કેવી રીતે કરાય તે આપ જાણો છો. આપના માટે આ દરેક બાબતો બહુ સામાન્ય છે અને આપ તેનો ઉપયોગ પણ કરો છો પરંતુ આજે દેશ જે મહાન કાર્ય કરવા માગે છે, આપણું સપનું છે ‘કેશલેસ સોસાયટી’. સો ટકા કેશલેસ સોસાયટી સંભવ નથી પરંતુ શું ભારત ‘લેસ કેશ સોસાયટી’ની શરૂઆત તો કરે. એકવાર જો આજે આપણે ‘લેસ કેશ સોસાયટી’ની શરૂઆત કરી દઈએ તો કેશલેસ સોસાયટીની મંઝિલ બહુ દૂર નહીં હોય અને મને તેમાં આપની શારિરીક મદદ જોઈશે, આપનો સમય જોઈશે, આપનો સંકલ્પ જોઈશે. અને મને વિશ્વાસ છે કે આપ મને ક્યારેય નિરાશ નહીં કરો. કારણ કે આપણે બધા હિન્દુસ્તાનના ગરીબોનું જીવન બદલવાની ઈચ્છા ધરાવનારા લોકો છીયે. આપ જાણો છો કે કેશલેસ સોસાયટી માટે ડીજીટલ બેન્કિંગ માટે કે મોબાઈલ બેન્કિંગ માટે આજે ઘણાં અવસર છે. દરેક બેન્ક ઓનલાઈન સુવિધા આપે છે. હિન્દુસ્તાનમાં દરેક બેન્કની પોતાની એક એપ છે. દરેક બેન્કનું પોતાનું વોલેટ છે. વોલેટનો સીધો મતલબ છે ઈ-પાકિટ. કેટલીયે પ્રકારના કાર્ડ ઉપલબ્ધ છે. જન-ધન યોજના અંતર્ગત ભારતના કરોડો ગરીબ પરિવારો પાસે રૂ-પે કાર્ડ છે તેમજ 8 તારીખ બાદ જે રૂ-પે કાર્ડનો બહુ ઓછો ઉપયોગ થતો હતો. ગરીબોએ રૂ-પે કાર્ડનો ઉપયોગ શરૂ કરી દીધો અને લગભગ 300 ટકા ની તેમાં વૃદ્ધિ નોંધાઈ છે. જેવી રીતે મોબાઈલ ફોનમાં પ્રિપેડ કાર્ડ આવે છે તેવી રીતે બેન્કોમાં પણ પૈસા ખર્ચવા માટે પ્રિપેડ કાર્ડ ઉપલબ્ધ છે. એક સારું પ્લેટફોર્મ છે વેપાર કરવાની ‘યુપીઆઈ’ કે જેનાથી આપ ખરીદી પણ કરી શકો છો, પૈસા પણ મોકલાવી શકો છો, પૈસા મેળવી પણ શકો છો અને આ કામ એટલું સરળ છે કે જેટલું તમે વોટ્સએપ પર મોકલો છો. સાવ અશિક્ષિત વ્યક્તિ હશે, તેને પણ આજે વોટ્સએપ પર મેસેજ કેવી રીતે મોકલાય તે આવડે છે. ફોરવર્ડ કેવી રીતે કરવાનું છે તે પણ આવડે છે. તેટલું જ નહીં, ટેક્નોલોજી આટલી સરળ થતી જશે કે આ કામ માટે કોઈ મોટા સ્માર્ટફોનની પણ આવશ્યકતા નથી. સાધારણ ફિચર ધરાવતા ફોન હોય છે તેમાં પણ કેશ ટ્રાન્સફર થઈ શકે છે. ધોબી હોય, શાકભાજી વેચનારા હોય, દૂધ વેચનારા હોય, છાપા વેચનારા હોય, ચા વેચનારા હોય કે ચણા વેચનારા હોય, દરેક વ્યક્તિ તેનો સરળતાથી ઉપયોગ કરી શકે છે અને મેં પણ આ વ્યવસ્થાને વધુ સરળ બનાવવા માટે વધુ ભાર આપ્યો છે. દરેક બેન્કો તેના પણ લાગી ગઈ છે અને હવે તો ઓનલાઈન સરચાર્જનો જે ખર્ચ આવતો હતો તેને પણ નાબૂદ કરી દીધો છે અને આવા અન્ય પ્રકારના કાર્ડ પર ખોટા ખર્ચા આવતા હતા તેને પણ આપે જોયું હશે કે 2-4 દિવસમાં અખબારમાં – દરેક ખર્ચાને નાબૂદ કરી દેવાયા છે, જેથી કેશલેસ સોસાયટીની ચળવળને બળ મળે.

મારા નવયુવાન મિત્રો,

આ બધું થયા બાદ પણ એક આખી પેઢી એવી છે જે આનાથી અપરિચીત છે. અને હું જેટલું જાણું છું તેટલું આપ દરેક લોકો, આ મહાન કાર્યમાં સક્રિય છો. વોટ્સએપ પર જેવી રીતે ક્રિએટીવ મેસેજ આપ મોકલો છો, સ્લોગન, કવિતાઓ, કિસ્સાઓ, કાર્ટૂન, નવી-નવી કલ્પનાઓ એ બધું હું જોઈ રહ્યો છું અને કેટલીએ મુશ્કેલીઓ વચ્ચે આપણી યુવાપેઢીની આ જે સર્જનશક્તિ છે, તો એવું લાગે છે કે આ ભારત ભૂમિની વિશેષતા છે કે કોઈ જમાનામાં યુદ્ધના મેદાનમાં ગીતાનો જન્મ થયો હતો, તેવી જ રીતે આજે આટલા મોટા બદલાવના સમયમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ, ત્યારે આપની અંદર પણ મૌલિક સર્જનાત્મકતા પ્રગટ થતી હશે. પરંતુ મારા પ્રિય નવયુવાન મિત્રો, હું ફરી એકવાર કહું છું કે મને આ કાર્યમાં આપની મદદ જોઈએ છે. હા-હા-હા, હું ફરી કહું છું કે મને આપની મદદ જોઈએ છે અને મને વિશ્વાસ છે કે મારા દેશના કરોડો નવયુવાનો આ કાર્યને કરશે. આપ એક કામ કરો, આજથી જ સંકલ્પ કરો કે આપ સ્વયં ‘કેશલેસ સોસાયટી’ માટે પોતે એક હિસ્સો બનશો. આપના મોબાઈલ ફોન પર ઓનલાઈન ખર્ચ કરવાની જેટલી ટેકનોલોજી છે તે દરેક ઉપલબ્ધ હોય. તેટલું જ નહીં રોજ અડધો કલાક, કલાક કે બે કલાક કાઢીને ઓછામાં ઓછા 10 પરિવારોને આ ટેક્નોલોજી શું છે, ટેક્નોલોજીનો ઉપયોગ કેવી રીતે કરાય, કેવી રીતે પોતાની બેન્કની એપ ડાઉનલોડ કરાય છે ઉપરાંત આપના ખાતામાં જે પૈસા પડ્યા છે તેનો કેવી રીતે ખર્ચ કરી શકાય ? કેવી રીતે દુકાનદારને આપી શકાય? દુકાનદારોને પણ શિખવાડો કે કેવી રીતે વેપાર કરી શકાય? આપ સ્વેચ્છાએ આ કેશલેસ સોસાયટી, આ નોટોના ચક્કરમાંથી બહાર લાવવાના મહાઅભિયાન, દેશને ભ્રષ્ટાચારમુક્ત કરવાનું અભિયાન, કાળા ધનથી મુકિત અપાવવાનું અભિયાન, લોકોને સમસ્યા તેમજ મુશ્કેલીથી મુક્ત કરાવવાનું અભિયાન – આપે તેનું નેતૃત્વ કરવાનું છે. એકવાર લોકોને રૂ-પે કાર્ડનો ઉપયોગ કઈ રીતે થાય તે આપ શિખવાડી દેશો તો ગરીબો આપને આશિર્વાદ આપશે. સામાન્ય નાગરિકોને આ વ્યવસ્થા શિખવાડી દેશો તો તેઓની તો કદાચ બધી ચિંતાઓમાંથી મુક્તિ મળી જશે અને આ કામમાં જો હિન્દુસ્તાનના બધા નવયુવાનો લાગી જાય તો હું નથી માનતો કે વધુ સમય લાગશે. એક મહિનાની અંદર આપણે વિશ્વમાં એક નવા આધુનિક હિન્દુસ્તાનના રૂપમાં ઉભા રહી શકીશું અને આ કામ આપ આપના મોબાઈલ ફોન મારફતે કરી શકો છો. રોજ 10 ઘરોમાં જઈને થઈ શકે, રોજ 10 ઘરને આમાં જોડીને પણ કરી શકો છો. હું આપને નિમંત્રણ આપુ છું, આવો, માત્ર સમર્થન નહીં, આપણે આ પરિવર્તનના સેનાની બનીયે અને પરિવર્તન લઈને જ રહીશું. દેશને ભ્રષ્ટાચાર તેમજ કાળા ધનથી મુક્ત કરવાની આ લડાઈને આપણે આગળ વધારીશું અને દુનિયામાં ધણાં દેશ છે જ્યાંના નવયુવાનોએ એ રાષ્ટ્રના જીવનને બદલી નાખ્યું છે અને એ વાત માનવી પડશે, જે બદલાવ લાવે છે તે નવયુવાનો લાવે છે, ક્રાંતિ કરે છે તે યુવાનો કરે છે. કેન્યા, તેણે બીડું ઝડપ્યું, M-PESA એક એવી મોબાઈલ વ્યવસ્થાની ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો, M-PESA નામ રાખ્યું અને આજે લગભગ આફ્રિકાના આ વિસ્તાર કેન્યામાં સમગ્ર વેપાર આના પર આવી ગયો છે. એક મોટી ક્રાંતિ કરી છે આ દેશે.

મારા નવયુવાનો, હું ફરી એકવાર, ફરી એકવાર આગ્રહ સાથે આપને કહું છું કે આપ આ અભિયાનને આગળ વધારો. દરેક શાળા, કોલેજ, યુનિવર્સિટી, એનસીસી, એનએસએસ, સામૂહિકરૂપથી, વ્યકિતગતરૂપથી આ કાર્યને કરવા હું આપને નિમંત્રણ પાઠવું છું. આપણે આ વાતને આગળ વધારીયે. દેશની ઉત્તમ સેવા કરવાનો આપણને એક અવસર પ્રાપ્ત થયો છે, જે મોકો ગુમાવવાનો નથી.

પ્રિય ભાઈ-બહેનો આપણા દેશના એક મહાન કવિ શ્રીમાન હરિવંશરાય બચ્ચનજીની જન્મજયંતિનો આજે દિવસ છે અને આજે હરિવંશરાયજીના જન્મદિવસ પર શ્રીમાન અમિતાભ બચ્ચનજી એ સ્વચ્છતા અભિયાન માટે એક નારો આપ્યો છે. આપે જોયું હશે કે આ સદીના સર્વાધિક લોકપ્રિય કલાકાર અમિતાભજી સ્વચ્છતાના અભિયાનને બહુ સારી રીતે આગળ વધારી રહ્યા છે.લાગે છે કે સ્વચ્છતાનો વિષય તેમની નસેનસમાં ફેલાઈ ગયો છે અને તેટલે જ તેમના પિતાજીની જન્મજયંતિ પર પણ તેમને સ્વચ્છતાનું કાર્ય યાદ આવ્યું. તેમણે લખ્યું છે કે હરિવંશરાયજીની એક કવિતા છે અને તેની એક પંક્તિ તેમણે લખી છે. “મિટ્ટી કા તન , મસ્તી કા મન, ક્ષણભર જીવન, મેરા પરિયચ”. હરિવંશરાયજી આના માધ્યમથી પોતાનો પરિચય આપતા હતા. “મિટ્ટી કા તન , મસ્તી કા મન, ક્ષણભર જીવન, મેરા પરિયચ”. તો તેમના સુપુત્ર શ્રીમાન અમિતાભજીએ કે જેમની નસેનસમાં સ્વચ્છતાનું મિશન દોડી રહ્યું છે, તેમણે મને હરિવંશરાયજીની કવિતાનો ઉપયોગ કરીને લખીને મોકલ્યું છે

“સ્વચ્છ તન, સ્વચ્છ મન, સ્વચ્છ ભારત, મેરા પરિચય”. હું હરિવંશરાયજીને આદરપૂર્વક નમન કરું છું. શ્રીમાન અમિતાભજી ને પણ મન કી બાત માં આ રીતે જોડાઈને તેમજ સ્વચ્છતાના કાર્યને આગળ વધારવા બદલ ધન્યવાદ કરું છું.
મારા પ્રિય દેશવાસીઓ, હવે તો મન કી બાતના માધ્યમથી આપના વિચારો, આપની ભાવનાઓ, આપના પત્રોના માધ્યમથી, MYGOV પર, નરેન્દ્ર મોદી એપ પર હંમેશા મને આપની સાથે જોડીને રાખે છે. હવે તો 11 વાગ્યે મન કી બાત હોય છે, પરંતુ તેની પછી તરત જ પ્રાદેશિક ભાષાઓમાં પણ શરૂ કરવાના છીએ. હું આકાશવાણીનો આભારી છું, જે નવી પહેલ એ લોકોએ કરી છે જેથી જ્યાં હિન્દી ભાષા પ્રચલિત નથી ત્યાંના પણ મારા દેશવાસીઓને જરૂરથી આનાથી જોડાવાનો મોકો પ્રાપ્ત થશે. આપ સર્વેને ખૂબ ખૂબ ધન્યવાદ…