UK Secretary of State for Foreign & Commonwealth Affairs, Mr. Boris Johnson meets the PM

બ્રિટનના વિદેશ અને કોમનવેલ્થ બાબતોના મંત્રી રાઇટ ઑનરેબલ બોરિસ જોહન્સન આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ નવેમ્બર, 2015માં તેમની બ્રિટનની મુલાકાત દરમિયાન અગાઉની બેઠકને યાદ કરી હતી. તે સમયે શ્રી જોહન્સન લંડનના મેયર હતા. પ્રધાનમંત્રીએ તેમને વિદેશ મંત્રી તરીકે નિમણૂક બદલ અભિનંદન આપ્યા હતા

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, નવેમ્બર, 2016માં બ્રિટનના પ્રધાનમંત્રી થેરેસા મેની ભારતની મુલાકાતથી આગામી દિવસોમાં ભારત-બ્રિટનના સંબંધોને આગળ વધારવા માટે જરૂરી માળખું ઊભું થયું છે.

પ્રધાનમંત્રીએ વિવિધ ક્ષેત્રોમાં, ખાસ કરીને સાયન્સ અને ટેકનોલોજી, ફાઇનાન્સ તથા સંરક્ષણ અને સુરક્ષા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે થયેલી પ્રગતિની પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, બ્રિટનમાં ભારતીય ડાયસ્પોરા બંને દેશો વચ્ચે જીવંત સેતુ સ્વરૂપે કામ કરે છે અને બંને દેશના લોકો વચ્ચેના સંબંધોને મજબૂત કરે છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે બંને દેશો આ સંબંધોને ગાઢ બનાવવા સંયુક્તપણે કામ કરવાનું ચાલુ રાખશે.