બીએપીએસ યુવા પ્રવૃત્તિ ષષ્‍ટીપૂર્તિ મહોત્‍સવ

યુવા રેલીને પ્રસ્‍થાન

બીએપીએસની યુવા પ્રવૃત્તિના દિવ્‍ય-ભવ્ય સમારોહથી વિશ્વ ચકાચૌંધ

 મુખ્‍ય મંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ બીએપીએસ યુવા પ્રવૃત્તિ ષષ્‍ટીપૂર્તિ મહોત્‍સવના અવસરે યુવા રેલીનું પ્રસ્‍થાન કરાવતાં જણાવ્‍યું હતું કે, સંતશક્તિના પ્રેરક માર્ગદર્શનથી હિન્‍દુસ્‍તાનની યુવા શક્તિ વિશ્વની માનવજાતને સેવા-ચારિત્ર્ય અને સંસ્‍કારનો આધ્‍યાત્‍મિક ચેતનાનો પ્રભાવ ઉભો કરશે. તેમણે જણાવ્‍યું કે, બી.એ.પી.એસ.ની સંતશક્તિની આ યુવા જયોત રેલી વિશ્વમાં ભારતીય સંસ્‍કૃતિની ઊર્જા પ્રગટાવશે.

બોચાસણવાસી અક્ષરપુરૂષોત્તમ સ્વામિનારાયણ સંસ્‍થાની યુવા પ્રવૃત્તિના હિરક જયંતિનો ભવ્‍ય એવો આ અવસર આજે સાંજે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં યોજાયો હતો. શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ આ પ્રસંગે જણાવ્‍યું કે, આ યુવા શક્તિના સાક્ષાત્‍કારના વિશ્વભરમાં દર્શન થઇ રહ્યા છે. જેમાં એવી શક્તિ છે જે માનવકલ્‍યાણ અને માનવમૂલ્‍યો માટે નવી આશા, નવી ચેતના અને નવા વિશ્વાસનો સંચાર કરે છે. આવી ઘટના ગુજરાતની ધરતી પર આકાર લઇ રહીછે તેનું ગૌરવ છે.

સંતો ભૂતકાળ અને વર્તમાનને જાણનારા અને ભવિષ્‍યને ઘડનારા હોય છે. યોગીજી મહારાજે યુવા સંસ્‍કારનું જે બીજારોપણ કર્યું તે આજે ૬૦ વર્ષમાં યુવા પ્રવૃત્તિનું વટવૃક્ષ બની ગયું છે. આ યુવા વટવૃક્ષ માનવજાતને નિરંતર સુવાસ અને સંસ્‍કાર આપતું રહેશે. સાથે જ સંકટો સામે સમાધાનની છાયા અને ઉજ્જવળ ભવિષ્‍યની આશા પણ પુરું પાડતું રહેશે, તેમ મુખ્‍ય મંત્રીશ્રીએ જણાવ્‍યું હતું.

ર૧મી સદી હિન્‍દુસ્‍તાનની સદી છે, કારણ કે વિશ્વમાં આપણો દેશ એવો સૌથી યુવાન દેશ છે જેની પાસે ૬પ ટકા યુવા શક્તિ છે. આ યુવા શક્તિ વિશ્વને શું ન આપી શકે? એવો નિર્ધાર વ્‍યકત કરતાં શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ જણાવ્‍યું કે, કોમ્‍પ્‍યુટર ટેકનોલોજીના બૌદ્ધિક કૌશલ્‍યથી ભારતના યુવાનોએ સમગ્ર વિશ્વને ચકાચૌંધ કરી દીધું છે. પરંતુ હવે હિન્‍દુસ્‍તાનની એ યુવા શક્તિ સંતોના માર્ગદર્શનથી આધ્‍યાત્‍મિક અને માનવ કલ્‍યાણનો દિવ્‍ય માર્ગ પણ બતાવશે.

ગ્‍લોબલ વોર્મિંગ જેવા સંકટો સામે ભારતના પૂર્વજો, ઋષિ, સંતોએ સમસ્‍યાનો ઉકેલ બતાવ્‍યો છે. આતંકવાદને પરાસ્‍ત કરવા વસુધૈવ કુટુંમ્‍બકમ અને અદ્વેતવાદનો માર્ગ બતાવ્‍યો છે. આજ મહાન તત્વજ્ઞાન વિશ્વને જોડવાનો પરિવારભાવ જગાવે છે, એમ મુખ્‍ય મંત્રીશ્રીએ જણાવ્‍યું હતું.

ભગવાન સ્‍વામિનારાયણે સેવા ધર્મનો મહિમા સાકાર કરી બતાવ્‍યો છે. ગરીબોની સેવાના માધ્‍યમ દ્વારા સામાજિક આંદોલન, આધ્‍યાત્‍મનું અનુષ્‍ઠાન બની ગયું અને યોગીજી મહારાજથી લઇને પ્રમુખ સ્‍વામી મહારાજ સુધીના સંતોની સંસ્‍કાર પરંપરાએ યુવાશક્તિમાં સંસ્‍કારનું અભિયાન ચલાવ્‍યું છે. જેમાં સેવા, ચારિત્ર્ય, સદ્દભાવ, સંયમ અને ત્‍યાગનું યુવા આંદોલન પ્રેરિત કર્યું છે, એમ શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ જણાવ્‍યું હતું.

પ્રમુખ સ્‍વામી મહારાજે મુખ્‍ય મંત્રીશ્રીને ભૂતકાળમાં જે આશીર્વાદ આપેલા તેના સંસ્‍મરણોથી ભાવવિભોર થતાં શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ જણાવ્‍યું કે, આવા સંતમૂર્તિના ચરણમાં આશીર્વાદ પ્રાપ્‍ત કરવાનું સૌભાગ્‍ય મને મળ્યું છે.

આ યુવાશક્તિના દિવ્‍ય ચેતના રથનું આંદોલન જન-જન સુધી હિન્‍દુસ્‍તાનના ખૂણે ખૂણે તથા વિશ્વભરમાં તેમણે માનવ મૂલ્‍યોમાં ઊર્જા જોઇએ છે તે સૌને આંદોલિત કરશે એમ જણાવી મુખ્‍ય મંત્રીશ્રીએ આ સંતશક્તિનું યુવા પ્રવૃત્તિનું દિવ્‍ય આંદોલન તેમને ગુજરાતને નવી ઉંચાઇઓ પર લઇ જવાની ઊર્જા આપશે તેવો વિશ્વાસ વ્‍યકત કર્યો હતો.

પ્રમુખ સ્‍વામીની બિરાજમાન પ્રતિમાનું અભિવાદન કર્યા બાદ શ્રી નરેન્‍દ્રભાઈ મોદીનું મહંત સ્‍વામી અને ર્ડાકટર સ્‍વામીએ ઉષ્‍માભર્યું અભિવાદન કર્યું હતું.

આ પ્રસંગે લાખોની વિશાળ સંખ્‍યામાં સ્‍વામિનારાયણ સંપ્રદાયના યુવા ભક્તો અને તેમના પરિવારજનો તથા સંતગણ ઉપસ્‍થિત રહ્યા હતા.

યુવાશક્તિના જોમ-જુસ્‍સાથી છલકતા યુવાનોએ પ્રસ્‍તુત કરેલી વિવિધ ધર્મ-સાંસ્‍કૃતિક કૃતિઓએ અનેરૂં આકર્ષણ જગાવ્‍યું હતું.