Chief Minister celebrates Kutchi New Year, Mandvi

Published By : Admin | June 21, 2012 | 12:38 IST

ર્વે મહાનુભાવો અને આ ઘૂઘવતા દરિયા કિનારે ઘૂઘવતો માનવ મહેરામણ..! આપ સૌને નવા વર્ષની અંદર સર્વ પ્રકારના સંકલ્પો પૂર્ણ થાય, આપની સઘળી ઇચ્છાઓ પૂર્ણ થાય, આપનો પરિવાર સુખી રહે અને આપણી કચ્છની ધરતી જગત આખામાં હજુ વધુ ચમકે એવી આ નવવર્ષે શુભકામનાઓ પાઠવું છું.

ભાઈઓ-બહેનો, મારે કચ્છના મારા મિત્રોને અભિનંદન આપવા છે. એમણે એક આ કચ્છના નવવર્ષને સમાજના ઉત્સવ તરીકે ઊજવવાનો, એક સામૂહિક અવસર બનાવવાનો પ્રયાસ કર્યો છે. અને ઘણીવાર સમૂહમાંથી આપોઆપ એક નવી ઊર્જા પેદા થતી હોય છે, નવો આત્મવિશ્વાસ પેદા થતો હોય છે અને મનુષ્યનો મૂળભૂત સ્વભાવ છે કે એ આનંદ પણ વહેંચવા માટે થઈને જગ્યા શોધતો હોય છે. સરસ મજાનું શર્ટ ખરીદ્યું હોય, શરીર પર બરાબર શોભતું હોય પણ દર્પણ સામે જોઈને કંઈ એની જીંદગી પૂરી ન કરે, એને ઇચ્છા હોય કે એના મિત્રો જુએ, એના આનંદમાં ભાગીદાર બને. સરસ મજાની મીઠાઈ બની હોય, ખાધી હોય, પણ મન કરે કે પોતાનો કોઈ સ્વજન પણ સાથે જોડાય. આ મનુષ્યનો મૂળભૂત સ્વભાવ છે. એમ, આ સમાજના પર્વોનું પણ એવું છે. આ સમાજના પર્વોને પણ જ્યારે જ્યારે સામુહિકતા મળતી હોય છે, ત્યારે એ સમાજની શક્તિનો સ્ત્રોત બની જતાં હોય છે. અને એ બાબતે માંડવી નગરપાલિકાએ, મારા સૌ આગેવાનોએ એક સારી પરંપરા માંડવીના દરિયા કિનારે ઊભી કરી છે. અને હવે તો કચ્છમાં કંઈ પણ આવી ઉજવણી કરીએ ને તો એણે ટૂરિઝમની દ્રષ્ટિથી જોડી જ કાઢવી જોઇએ. આપણા સગા-વહાલાં, દૂરદૂરના મિત્રોને કહેવું જોઈએ કે ભાઈ, અમારા નવા વર્ષની ઉજવણીમાં ભાગીદાર બનવા આવો. જુઓ, અમારા કચ્છમાં કેવો ઉમંગ હોય છે..! તો આ અવસર પણ ટૂરિઝમના આકર્ષણનું કારણ બની જાય. અને હવે તો કચ્છને મારે ટૂરિઝમ સમજાવવું પડે એવું નથી, આખું હિંદુસ્તાન બોલે છે, ‘કચ્છ નહીં દેખા, તો કુછ નહીં દેખા’. આ કચ્છની ધજાપતાકા આખી દુનિયામાં લહેરાવવાનો એક આનંદ આવે છે મને મિત્રો, ખબર નહીં કેમ, પણ આનંદ આવે છે. નહીંતો મોં વકાસ્યું કરીને રડ્યા જ કરે, અમારે ત્યાં ભૂકંપ હતો, ભૂકંપ હતો, ભૂકંપ હતો... હવે..? અરે, અમારા કચ્છમાં તો આમ છે ને અમારા કચ્છમાં આમ છે..! આખું બદલાઈ ગયું, ભાઈ. શક્તિનો સાક્ષાત્કાર થાય, એનાથી કેવું પરિવર્તન આવે છે એ આજે આપણે જોઈએ છીએ અને અનુભવીએ છીએ.

ભાઈઓ-બહેનો, આજ હિંદુસ્તાનનો કોઈ જિલ્લો કચ્છની પ્રગતિની તોલે આવી શકે એમ નથી. એની માળખાકિય સુવિધાઓ હશે, એમાં ખેતી ક્ષેત્રે જે અદભુત તરક્કી થઈ રહી છે, જ્યાં પશુપાલન અને દૂધ ઉત્પાદનમાં નવી ક્રાંતિ આવી રહી છે, જ્યાં નવી નવી માળખાકિય સુવિધાઓ ઉત્તરોત્તર વધી રહી છે, જ્યાં અનેક પ્રકારના ઉદ્યોગ-ધંધાઓ વિકસી રહ્યા છે... કોઈપણ બાબતે જુઓ, કચ્છ એની એક આગવી તાકાતનાં દર્શન દેશના બધા જ જિલ્લાઓને કરાવી રહ્યું છે. અને એમાં કચ્છીઓનો પુરુષાર્થ છે, એમાં કચ્છીઓનું ખમીર છે, એમાં કચ્છી પ્રજાના મનમાં જે હામ છે, જે હીર છે, એ એની મોટામાં મોટી મૂડી છે! અને તેથી જેમ આ ભૂમિને નમન કરવાનું મન થાય છે ને, એમ આ ભૂમિના લોકોને પણ નમન કરવાનું મન થાય છે. આ સામર્થ્ય... અને આ રાજ્યની વિશેષતા જ આ છે કે એને જનશક્તિના સામર્થ્યને વિકાસની શક્તિમાં જોડવી છે, વિકાસનો વાવટો ફરકાવવામાં એક એક માનવીને જોડવાની કોશિશ કરી છે. ભગવાન કૃષ્ણ માટે ગોવર્ધન ઊંચકવો મુશ્કેલ નહોતો, ભાઈ. ખૂબ નાની ઉંમરમાં મોં ખોલે અને માને આખા બ્રહ્માંડના દર્શન કરાવી શકતા હોય, એ કૃષ્ણને માટે ગોવર્ધન ઊંચકવો મુશ્કેલ નહોતો. પણ આપણને એમણે રસ્તો બતાવ્યો કે એક એક ગોવાળિયાની લાકડીના ટેકે ગોવર્ધન ઊંચક્યો હોય, એના કારણે સમાજની શક્તિ બનતી હોય છે. આપણે પણ આ ગુજરાતના વિકાસની જે ઊંચાઈઓ પર જઈ રહ્યા છીએ, એના મૂળમાં પ્રત્યેક ગુજરાતીની ટેકણ લાકડી છે, પ્રત્યેક ગુજરાતીનો પુરુષાર્થ છે. અને મને સંતોષ આ વાતનો છે કે છ કરોડ ગુજરાતીઓ ગુજરાતની વિકાસયાત્રામાં ભાગીદાર બન્યા છે. દરેક ગુજરાતી સપનું જોતો થયો છે અને દરેક ગુજરાતી સપનું સાકાર કરવા માટે જહેમત કરતો થયો છે. એને ઓશિયાળા રહેવાનું પાલવે એમ નથી, એને યાચક રહેવાનું પાલવે એમ નથી. એને પુરુષાર્થની પરાકાષ્ઠા કરવી છે, એ વાતાવરણ આપણે ઊભું કર્યું છે. અને વાતાવરણ ઊભું થાય છે સમાજની આવા શક્તિના સામૂહિક દર્શનમાંથી.

ભાઈઓ-બહેનો, કેટલાય લોકો છે જેને ગુજરાતની પ્રગતિ આંખમાં કણાની જેમ ખૂંચે છે, કણાની જેમ. કેટલાક લોકોએ તો જૂઠાણાનો આખો દસકો ઊજવ્યો છે, જૂઠાણા... રોજ સવારમાં એક જૂઠાણું..! અને કેટલાક લોકોએ તો સોપારી લીધી છે કે હવે આ ડિસેમ્બરમાં તો મોદીને પાડી જ દેવો છે..! હવે એટલા બધા બિચારા નિરાશ થઈ ગયા છે, એટલા બધા હતાશ થઈ ગયા છે કે “સાલું, આટઆટલાં જૂઠાણા ચલાવીએ, આટઆટલા ગપગોળા ચલાવીએ, રોજ નવા આરોપો મૂકીએ પણ પ્રજાના મન પર અસર કેમ નથી થતી, એની એમને ચિંતા સતાવે છે..!” ભાઈઓ-બહેનો, એમના નસીબમાં જે કામ લખાયું છે એ એ લોકો કરે છે અને ગુજરાતની જનતાએ મારા નસીબમાં જે કામ મૂક્યું છે એ કામ જિંદાદિલીથી હું કરું છું. આપે મને જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ પર હું મક્કમ ડગ માંડતો ચાલ્યો છું. અને એ માર્ગ છે, વિકાસનો, પ્રગતિનો. અને મિત્રો, આ જ માર્ગે બધું બદલાશે. આજે પણ ૨૦૦૧ ના ભૂકંપના એ દિવસો વિચારીએ અને કલ્પના કરો કે બધું જ લોકોના પર, નસીબ પર છોડી દેવાયું હોત તો આજે શું દશા થઈ હોત? પણ બધાએ જ્યારે સામૂહિક જવાબદારી લીધી, સરકાર ખડે પગે ખડી થઈ ગઈ, જોતજોતામાં સ્થિતિ બદલી નાખી, ભાઈઓ. અને મારા મનનું કમિટ્મેન્ટ આ દર્શન..! મિત્રો, મુખ્યમંત્રીના શપથ લીધા પછી મેં પહેલું કામ કર્યું હતું, કચ્છની ધરતી પર આવવા માટેનું, દુખિયારાનાં આંસુ લૂછવા. મિત્રો, ગુજરાતના ભૂકંપ પછીની પહેલી દિવાળી હતી અને દિવાળી સૌ કોઈ મનાવે પણ મારી સરકાર હતી જેણે દિવાળી ઊજવવાનું કૅન્સલ કરીને કચ્છના દુખિયારાંઓને ત્યાં દિવાળીની રાત ગાળવાનું નક્કી કર્યું હતું. સંવેદના કોને કહેવાય, સમાજ માટેની ભક્તિ કોને કહેવાય એ મેં ડગલે ને પગલે પુરવાર કર્યું છે. ભાઈઓ-બહેનો, સત્તા વગર તરફડતા, જૂઠાણાઓનો આશરો લઈને ગુજરાતની છ કરોડની જનતાને ગુમરાહ કરવા મથતા, પૈસાના જોરે અપપ્રચારની આંધી ચલાવનારા તત્વો ન પોતાનું ભલું કરી શકવાના છે, ન ગુજરાતનું ભલું કરી શકવાના છે. અને આ તત્વોને તો હું કહું છું ભાઈ, જરા તમારી દિલ્હી સરકારનાં પરાક્રમો તો જુઓ..! કંઈ સરખું કરવું હોય તો ત્યાં કરી આવોને, આખો દેશ બરબાદ કરી મૂક્યો છે, આખો દેશ. રૂપિયાની લૂંટ ચાલી છે, મિત્રો. અને લાખો કરોડોથી નીચી વાત જ નથી આવતી. એક એક કામમાં લાખ કરોડ, બે લાખ કરોડ, દોઢ લાખ કરોડ, જાણે જીંદગીમાં ફરી મોકો જ ન મળવાનો હોય એમ મંડ્યા છે. જેસીબી લઈને મંડ્યા છે, જેસીબી લઈને... પહેલાંની કૉંગ્રેસ પાવડો લઈને મંડતી, આ હવે જેસીબી લઈને મંડ્યા છે, લૂંટ ચલાવી રહ્યા છે. અને આખા દેશની જનતા એમને ઓળખી ગઈ છે, દેશ બરાબર ઓળખી ગયો છે. અને છતાંય, બેશરમી કેટલી, નફ્ફટાઈ કેટલી..? અહીંયાં ઊજળા દૂધ જેવા થઈને પાછા આવીને ઊભા થઈ જાય છે. એમને ખબર નથી કે જનતા તમને બરાબર ઓળખી ગઈ છે. અને હવે આ દેશ હંમેશા હંમેશા માટે જનતા જનાર્દનને લૂંટનારાઓને કાયમ માટે જાહેર જીવનમાંથી મુક્ત કરીને જ રહેવાનો છે, આવો મારો પૂરો ભરોસો છે. એક સારું કામ એમને કહેવાની ફુરસદ નથી, કરવાની ફુરસદ નથી. અખાડા જ કર્યા કરવાના, ડખા જ કર્યા કરવાના અને ગુજરાતનો વિકાસ ન થાય, પ્રગતિ ન થાય, એના માટે આડશો નાખવાની, રુકાવટો પેદા કરવાની..!

ભાઈઓ-બહેનો, આપણો કચ્છ, આને દુષ્કાળગ્રસ્ત કહેવાય કે ન કહેવાય? સદીઓથી આપણે દુષ્કાળગ્રસ્ત કહેવાઈએ કે ન કહેવાઈએ? વર્ષોથી પાણીની ખેંચ કહેવાય કે ન કહેવાય? જરા ખોંખારીને બોલોને, ભાઈ... પાણીની ખેંચવાળો પ્રદેશ ખરો કે નહીં? પાણી માટે વલખાં મારીએ એવી દશા ખરી કે નહીં? આમાં કોઈ સર્ટિફિકેટની જરૂર છે..? બધાને ખબર છે ને? ચોપડે ચીતરેલું છે ને? આ છાપાં કાઢો, તો વર્ષો વર્ષનાં છાપાં ભરેલાં હોય. આ બધાને સમજણ પડે છે, દિલ્હી સરકારને નથી પડતી. બોલો, એ માનવા જ તૈયાર નથી કે આ દુષ્કાળગ્રસ્ત વિસ્તાર છે, માનવા જ તૈયાર નથી..! કારણ, ભારત સરકારમાં એક યોજના છે કે દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં સિંચાઈ માટેનું પાણી લઈ જવું હોય તો નેવું ટકા ખર્ચો ભારત સરકાર ભોગવે. એ યોજના છે. એનો લાભ હિંદુસ્તાનમાં જે જે દુષ્કાળગ્રસ્ત વિસ્તારો છે એને મળે છે. આપણે લખી લખીને થાક્યા કે અમારે જે આ નર્મદા યોજનાનું પાણી કચ્છમાં લઈ જવું છે, એ દુષ્કાળગ્રસ્ત વિસ્તાર છે, એ કેનાલોનો ખર્ચો અમને નેવું ટકા મળે એ અમારો હક છે અમને આપો. તો એ કહે, ના..! હવે એમને કોણ સમજાવે કે અમે આ દુષ્કાળગ્રસ્ત વિસ્તારના લોકોને માટે કહીએ છીએ, માનવા જ તૈયાર નથી. કારણકે માગણી કરનાર ગુજરાત છે, એને તો પાડી જ દો. પણ દિલ્હીની સલ્તનત કાન ખોલીને સાંભળી લે, અમારા હકનું છે એટલે અમે માંગવાના અને લડવાના. પણ તમે એમ માનતા હો કે તમે નહીં આપો એટલે કચ્છને અમે પાણી વગર રહેવા દઈશું, તો તમને ધૂળ ફાકતા કરી દઈશ પણ કચ્છને પાણી તો આપીશ જ. દુનિયામાંથી ભીખ માંગવી પડશે તો માંગીશ, પણ હું આ કામ પૂરું કરીશ. મારો વાંધો તમારી અન્યાયી પ્રવૃત્તિ સામે છે. અને મોટા ઉપાડે જૂઠાણા ફેલાવવા માટે નીકળેલા લોકો, એક કામ પોતાના કાર્યકાળમાં લોકો માટે કરી શક્યા નથી. ચાલીસ ચાલીસ વર્ષ સુધી ગુજરાતની જનતાએ પંચાયતથી પાર્લામેન્ટ સુધી એક જ પાર્ટીને સત્તા સોંપી અને તેમ છતાંય વિકાસની વાત આ દસકામાં ખબર પડી કે વિકાસ કોને કહેવાય..!

ભાઈઓ-બહેનો, વિકાસની નવી ઊંચાઈઓને પાર કરવી છે આપણે, વિકાસના મંત્રને લઈને આગળ વધવું છે અને રોજ નવા પ્રકલ્પ, રોજ નવી યોજનાઓ એ અમારી મથામણ છે. આપણે ટૂરિઝમ માટે આટલી મથામણ કરી રહ્યા છીએ. ધોળાવીરા, આખી દુનિયાના ટૂરિસ્ટોને આકર્ષે એવું મહામૂલું ક્ષેત્ર આપણી પાસે કચ્છમાં છે. આખી દુનિયા ઊતરી પડે એવી એ જગ્યા છે. પણ સાંતલપુર-ગઢુલીનો રસ્તો અહીં બનાવવો તો ધોળાવીરા જવા-આવવા માટેનો આપણો રસ્તો ટૂંકો થઈ જાય, સહેલાઈથી માણસ જતો-આવતો થઈ જાય... સાહેબ, એ કામને લટકાવીને બેઠા છે. મને સમજાતું નથી કંઈ..! એક રાજ્ય ઉત્સાહ અને ઉમંગ સાથે વિકાસ માટેની અવનવી યોજનાઓ લઈને આવતું હોય, પણ માત્ર ગુજરાત છે, ત્યાં ભાજપવાળા બેઠા છે, મોદી છે એટલે મારો... આવું ઝેર..? મેં એકવાર પ્રધાનમંત્રીની હાજરીમાં કહ્યું હતું કે તમે અમને ગણો છો શું, ભાઈ? અમે કોઈ દુશ્મન દેશનું રાજ્ય છીએ, ભાઈ? અરે, અમે પણ હિંદુસ્તાનના, આ ભારત માતાના સંતાન છીએ, અમારી જોડે જરા સરખો વ્યવહાર કરો. પણ આ જે પ્રવૃત્તિ ચાલે છે ભાઈઓ-બહેનો, એ પ્રવૃત્તિની સામે મારો આક્રોશ છે. તમે વિચાર કરો, આપણા ગુજરાતમાં પચાસ વર્ષ પહેલાં ખંભાતમાં તેલના કૂવાઓમાંથી તેલ નીકળ્યું. એ જ સમયે થોડા સમય પછી આસામમાં નીકળ્યું. આસામ અને ગુજરાત બે જગ્યાએ તેલના ભંડારો મળ્યા છે. ભારત સરકાર એના પર માલિકી ધરાવે છે, પણ જે રાજ્યમાંથી નીકળે એ રાજ્યને એની રોયલ્ટી મળે છે. ભાઈઓ-બહેનો, પહેલાં તો એમણે ખૂબ અન્યાય કર્યો આપણને. પણ અટલજીની સરકાર આવી અને આપણી વાત વળી માની અને વળી આપણું ગાડું જરા સરખું ચાલ્યું ને આપણને લાભ થવા માંડ્યો. વર્ષે રોયલ્ટીના આપણને સંતોષ થાય એટલા રૂપિયા મળવા માંડ્યા. જેવી અટલજીની સરકાર ગઈ અને આ લોકો બેઠા, ધડામ દઈને કાગળિયાં બધાં ફેરવી નાખ્યાં. અને ફેરવવામાં વળી કેવું કર્યું, કે આસામને એમને એમ રાખ્યું, ગુજરાતના બધા નિયમો બદલી નાખ્યા. ખાલી ક્રૂડની રોયલ્ટીના પાંચ હજાર ચારસો કરોડ રૂપિયા ઓછા આપ્યા છે આપણને, પાંચ હજાર ચારસો કરોડ રૂપિયા..! જે ગુજરાતના હકના છે, જે ભારત સરકારે મંજૂર કર્યા હતા, અટલજીના સમયમાં નિર્ણય થયો હતો, અટલજી હતા ત્યાં સુધી મળતા રહ્યા હતા અને ત્યાર પછી રાતોરાત... કેમ ભાઈ, આસામ અને ગુજરાતમાં ભેદભાવ કેમ? અગર જો આસામની ધરતીમાંથી તેલ નીકળે તો આસામને વધારે પૈસા મળે અને ગુજરાતની ધરતીમાંથી નીકળે તો ઓછા પૈસા મળે, ગુજરાતને આ અન્યાય કેમ? આની સામે અમારી લડાઈ છે, ભાઈ. તમને ભેદભાવ કરવાનો કોઈ હક નથી. ગામડાંઓમાં રોડ બનાવવા માટે પેટ્રોલ પર લિટર દીઠ બે રૂપિયા ભારત સરકાર લે છે. આપણા રાજ્યમાં પેટ્રોલની સૌથી વધારે ખપત છે. અરબો-ખરવો રૂપિયા એમને મળે છે, પણ આપણને રોડ બનાવવા માટે દમડીયએ આપતા નથી. બીજા બધાને આપે છે. કેમ ભાઈ, અમારે ગુજરાતના ગામડાંઓના રોડ ન બનાવવાના હોય..? તો આપણને શું કહે કે અરે, તમારા ગામડાંઓમાં તો રોડ પહોંચી ગયા છે, હવે તમારે શું જરૂર છે? મેં કહ્યું કે ભાઈ, અમારે ત્યાં જમાનો બદલાઈ ગયો છે, પહેલાં સાઇકલો ચાલતી હતી, અત્યારે તો ગામડામાંય ગાડીઓ ચાલી પડી છે. એને આમને-સામને કરવા રોડ અમારે પહોળા કરવા પડે, અમારે પેવર રોડ બનાવવા પડે એવી ગામડાંમાંથી માગણી આવી છે એટલે અમને રૂપિયા આપવા પડે તમારે. અને અમારા જ છે પાછા, એવું નહીં કે તમારી મહેનતનું માંગીએ છીએ, ભાઈ. આ ગુજરાતની જનતાના પૈસા છે..! ભાઈઓ-બહેનો, અનેક અવરોધો ઊભા કરવામાં આવે છે, અનેક અડચણો ઊભી કરવામાં આવે છે, છાશવારે સી.બી.આઇ.ની ધમકીઓ આપવામાં આવે છે, બોલો.

ભાઈઓ-બહેનો, આ વિકાસની યાત્રા એ જ એક માર્ગ આપણે અપનાવ્યો છે અને એ જ માર્ગથી લાભ થવાનો છે. પ્રજા જીવનને સુખ જોઈતું હશે, શાંતિ જોઇતી હશે, તો શાંતિ, એકતા અને સદભાવનાના મંત્ર સાથે આપણે આગળ વધ્યા છીએ. આ અમદાવાદમાં આજે વાજતે-ગાજતે જગન્નાથજી ભગવાન આગળ વધી રહ્યા છે. સવારથી નીકળ્યા છે નગરચર્યા કરવા માટે. નહીં તો પહેલાં..? જગન્નાથજીની રથયાત્રા નીકળવાની હોય, તો કચ્છવાળો ત્યાં ફોન કરીને પૂછે કે અમદાવાદ અવાય એવું છે હમણાં, ક્યાંય કર્ફ્યૂ-બર્ફ્યૂ તો નથી ને? એવું હતું ને..? લોકો લગ્નની તારીખ નક્કી કરે ત્યારે નક્કી કરે કે ઊભા રહો હોં, આ રથયાત્રાના દસ દિવસ આગળ-પાછળ બધું બંધ રાખો, કાંઈ ઠેકાણું નહીં, શું થાય ત્યાં..! છોકરા કુંવારા રહી જાય. કર્ફ્યૂ..! મિત્રો, દર ત્રીજા વર્ષે રથયાત્રા હોય, એમાં ક્યાંક હુમલો થયો હોય અને એમાંથી કર્ફ્યૂ ને આ ને તે ને આ જ બધું ચાલતું હોય..! આ પહેલો દસકો એવો છે ભાઈઓ, પહેલો દસકો કે જ્યાં ગુજરાતમાં કર્ફ્યૂનું નામોનિશાન નથી. સુખ-શાંતિ સૌને જોઈએ છે, વેપાર રોજગાર લોકોને કરવા છે, બાળકોને ભણાવવાં છે, દીકરીઓ ગૌરવભેર જીવે એવું વાતાવરણ જોઈએ છે. આ સરકારે એને પ્રાથમિકતા આપી છે, પ્રાધાન્ય આપ્યું છે. અને તેથી ભાઈઓ-બહેનો, આજે જ્યારે માંડવીના કિનારે આવ્યો છું ત્યારે મારી આપ સૌને વિનંતી છે કે આ જૂઠાણાઓ, આ ખોટા આરોપો, માત્ર સત્તા ભોગવવા માટે ગુજરાતને બદનામ કરવાની જે પેરવી ચાલે છે એની સામે આપણે બધાએ લડવું પડશે અને આ શક્તિઓને પરાસ્ત કરવી પડશે. આજે જ્યારે નવા વર્ષનો આરંભ થઈ ગયો છે ત્યારે, આ નવું વર્ષ જનતા જનાર્દનના વિજયનું વર્ષ બની રહે ભાઈ, આ નવું વર્ષ જનતા જનાર્દનના સંકલ્પની પૂર્તિનું વર્ષ બની રહે, આ નવું વર્ષ પ્રત્યેક પરિવારની આશા-આકાંક્ષાઓને પરિપૂર્ણ કરનારું બની રહે એવા સંકલ્પ સાથે નવા વર્ષને ઊજવીએ.

મારી આ મહેફિલ તો લાંબી ચાલવાની છે. હું તો સવારે જગન્નાથજી ભગવાનને વિદાય આપીને અહીં કચ્છ આવ્યો છું. આજે એક દિવસમાં બધા જ ખૂણામાં ફરી વળ્યો છું અને હજુ અમદાવાદ પહોંચવું છે. એટલે મેં અમારા મિત્રોને વિનંતી કરી હતી કે તમારી રંગત બરાબર જમાવજો, પછી મને શું થયું એ કહેજો. પણ આપે મને આટલો બધો પ્રેમ આપ્યો છે કચ્છી ભાઈઓ, જન્મો જન્મ એને નિભાવતો રહું અને એ ઋણ ચૂકવતો રહું એવી મને શક્તિ આપો. જન્મો જન્મ તમારી સેવા કરતો રહું ભાઈઓ, એટલો બધો મને કચ્છી ભાઈઓએ પ્રેમ આપ્યો છે અને હું પણ સવાયું કરીને આપવા માટે બેઠો છું ભાઈઓ, સવાયું કરીને. તો ફરી એકવાર આ નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ..!

ય જય ગરવી ગુજરાત...!!

Explore More
लोकसभा में राष्ट्रपति के अभिभाषण के धन्यवाद प्रस्ताव पर प्रधानमंत्री मोदी का संबोधन

लोकप्रिय भाषण

लोकसभा में राष्ट्रपति के अभिभाषण के धन्यवाद प्रस्ताव पर प्रधानमंत्री मोदी का संबोधन
Modi govt's next transformative idea, 80mn connections under Ujjwala in 100 days

Media Coverage

Modi govt's next transformative idea, 80mn connections under Ujjwala in 100 days
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
मध्य वर्ग के लिए आर्थिक लाभ
March 14, 2019

मध्य वर्ग के लिए आर्थिक लाभ