પાટીદાર સમાજ આરોગ્ય ટ્રસ્ટ સંચાલિત એમ.એસ.લખાણી સુપર સ્પેશ્યાલીસ્ટ કિરણ હોસ્પિટલનું સૂરતમાં ભૂમિપુજનઃ
ભારતના સાત લાખ ગામોને સ્ટેસ્યુ ઓફ યુનિટીના લોહ પુરુષ સરદાર પટેલના એકતાના વિશ્વના સૌથી ઉચા સ્મારકના નિર્માણમાં ભાગીદાર બનવાનું આહ્વાનઃ
સમાજની શકિતને જોડવાનું ૩૧મી ઓકટોમ્બર સરદાર જયંતિથી અભિયાનઃ
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમસ્ત પાટીદાર સમાજ આરોગ્ય ટ્રસ્ટ, સૂરત સંચાલિત એમ.એસ.લખાણી સુપર સ્પેશ્યાલીટી હોસ્પીટલના ભૂમિપુજન સમારોહમાં જણાવ્યું કે, સેવા પરમો ધર્મ અને માનવસેવાના સમાજ સંસ્કાર ગુજરાતની મહાજન શ્રેષ્ઠી પરંપરાની ઊર્જા છે.
મુખ્યમંત્રીશ્રીએ સરદાર વલ્લભભાઇ પટેલ લોહપુરુષ હતા એમણે દેશની એકતાનું ભગીરથ કામ કર્યું તેનું દુનિયામાં સૌથી ઊચું સ્મારક-સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સરોવર ડેમના નર્મદા નદીની ઉપર બનાવવાના સંકલ્પની ભૂમિકા આપી સહયોગની અપેક્ષાનું અને ૧૦૦૦ સ્વયંસેવકનું આહ્વાન કર્યું હતું.
સમસ્ત પાટીદાર સમાજના આરોગ્ય ટ્રસ્ટે સૂરતમાં આઠ લાખ ચો.ફુટના વિશાળ નિર્માણની કિરણ સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલનું સંચાલન દાતાઓના સંપન્ન સહકારથી તૈયાર થશે. મહાનગરપાલિકાએ આ હોસ્પિટલ સંકુલ માટે જમીન ફાળવી છે.
શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંપન્ન દાતાશ્રીઓની માનવસેવાની શ્રેષ્ઠી ભાવનાને અભિનંદન આપતા જણાવ્યું કે, ઉત્તમ આરોગ્ય સેવાનો આ પ્રકલ્પ બની રહેશે. આપણા સમાજમાં સદીઓથી મહાજન શ્રેષ્ઠીઓની પરંપરા ઉભી કરી છે. જે આજે અને ભવિષ્યમાં ચાલતી રહી છે, રહેવાની છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, લાખા વણજારાની વાવ પરબો, ધર્મશાળા, ગૌશાળા, પાંજરાપોળો જ નહી શિક્ષણ સંસ્થાઓ, ધર્માદા દવાખાના વગેરે સરકારનું મોટું કાર્ય સમાજ ઉપાડતો રહયો છે. જે સેવાભાવની પરંપરા આજે પણ ગુજરાતમાં આગળ ધપી રહી છે. નાણા કમાવવા અને તેની સંપત્તિનો સદ્ઉપયોગ કરવો એ માનવીય સેવાની હદયમાં સરવાણી વહેતી હોય તો જ સંભવી શકે એમ તેમણે જણાવ્યું હતું.
ટ્રસ્ટની હોસ્પિટલમાંય જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈને પણ નવી જીંદગી મેળવશે તેના આશીર્વાદ અનેકગણું પુણ્યનું કામ છે તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
સૂરતના પાટીદાર સમાજે બેટી બચાવનું જે ભગીરથ સામાજિક આંદોલન ઉપાડયું તેની પ્રશંસા કરતા શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, આ સમાજે ઉત્તમ નાગરિક કર્તવ્ય બજાવીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે અને રાજયને કયારેય ઉની આચના આવે એવા ઉત્તમ સેવા કાર્યો શિક્ષણ, આરોગ્ય અને સમાજ ઉત્કર્ષના કામો ગુજરાતમાં થઈ રહ્યા છે.
આવી ડાયનેમિક હોસ્પિટલ વિશિષ્ઠ પ્રકારના રોગોની સારવારનું ઉત્તમ સરનામું બની રહેશે એવી શ્રધ્ધા તેમણે વ્યકત કરી હતી.
સ્વામિ વિવેકાનંદે નારાયણની સેવા અને સેવા પરમો ધર્મઃ ને દરિદ્વનારાયણની સેવાનો આદર્શ આપેલો તેને આ હોસ્પિટલ સાકાર કરશે એમ પણ તેમણે જણાવ્યું હતું.
આરોગ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ અને મહેસૂલમંત્રી શ્રીમતી આંનદીબેન પટેલે આ હોસ્પિટલના નિર્માણ પાછળની માનવસેવાની ભાવનાને બિરદાવી હતી.
આ પ્રસંગે હોસ્પિટલના ટ્રસ્ટીશ્રીઓ મથુરભાઈ સવાણી, પ્રમુખશ્રી ગોવિદભાઈ ધોળકીયાએ હોસ્પિટલ સંચાલન અને દાતાશ્રીઓની ભૂમિકા આપી હતી અને રૂા.૫૨ કરોડના મુખ્ય દાતા વસંતભાઈ લખાણી, ભૂમિપુજન માટે રૂા.૧૧ કરોડનું દાન કરનારા શ્રી લવજીભાઈ બાદશાહનું અને સખાવતીઓનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે અભિવાદન કરવામાં આવ્યું હતું.