ગુજરાતમાં શુક્રવારથી ગરીબ કલ્યાણ મેળાના પાંચમા તબક્કાનો પ્રારંભ

મુખ્યમંત્રીશ્રી વિડીયો કોન્ફરન્સથી એક સાથે ર૪ ગરીબ કલ્યાણ મેળાને સંબોધન કરશે

મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી આવતીકાલ, શુક્રવાર તા.૧૭ ઓગસ્ટ-ર૦૧રથી શરૂ થઇ રહેલા ગરીબ કલ્યાણ મેળાના પાંચમા રાઉન્ડમાં રાજ્યના બાવન જેટલા તાલુકાના પ્રાન્ત કક્ષાના ર૪ ગરીબ કલ્યાણ મેળાઓમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કરશે.

ગુજરાતમાં આ અગાઉ ચાર તબકકામાં ૮૬૯ ગરીબ કલ્યાણ મેળા યોજાયેલા જેમાં ૭૬ લાખથી વધારે ગરીબ લાભાર્થીઓને ૧૦ હજાર કરોડ રૂપિયાના સરકારી સાધન-સહાયના લાભો આપવામાં આવ્યા છે. આવતીકાલ તા.૧૭-૮-ર૦૧ર ના રોજ યોજાનારા પાંચમા ગરીબ કલ્યાણ મેળાના પ્રથમ તબક્કામાં ૭ર હજાર જેટલા લાભાર્થીઓને એકજ દિવસે રૂ. ર૧પ કરોડના લાભોનું હાથોહાથ મંત્રીશ્રીઓના હસ્તે વિતરણ થશે.

રાજ્યમાં આજથી ત્રણ દિવસ માટે વણથંભી વિકાસયાત્રા પણ શરૂ થઇ ગઇ છે જેમાં, ૧૦ જિલ્લાઓના ૬૪ તાલુકામાં આવેલી ૯૧૦ તાલુકા પંચાયત બેઠકો ઉપર આ વણથંભી વિકાસયાત્રાના કાર્યક્રમોમાં મંત્રીશ્રીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહીને ગ્રામ વિકાસના રૂા. પરપ કરોડના ખર્ચના ૮૧૮૪ કામોના ખાતમૂર્હત અને લોકાર્પણ કરશે. સાથોસાથ પંચાયતી રાજની સ્વર્ણિમ જ્યંતિ વર્ષમાં આ વર્ષે, પહેલીવાર ગુજરાતના ઇતિહાસમાં આ સરકારે પ૦ વર્ષ દરમ્યાન ૧૮૩૯ર જેટલા પૂર્વપંચાયત પ્રતિનિધિઓ તરીકે જેમણે કોઇને કોઇ યોગદાન આપ્યું છે તેમનું સન્માન કરાશે અને Empower યોજનામાં કોમ્પ્યુટરની તાલિમ લેનારા પ૦૦૦થી વધારે સફળ યુવા તાલીમાર્થીઓને પ્રમાણપત્ર પણ એનાયત કરાશે.

પાલનપુર તાલુકાના સેજલપુરા ગામને અલગ મહેસુલી ગામ જાહેર કરાયું

ગાંધીનગરઃ ગુરૂવારઃ રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા પ્રાદેશિક ફેરફાર અંતર્ગત પાલનપુર તાલુકાનું સેજલપુરા ગામને અલગ મહેસુલી ગામ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. બનાસકાંઠાના પાલનપુરના મોજે વગદા ગામની જાહેરનામાની અનુસૂચિમાં જણાવેલ જમીનો વગદા ગામના રકબામાંથી કમી કરાશે અને તે જમીનોનો મોજે સેજલપુરા ગામના રકબામાં સમાવેશ કરવામાં આવશે અને તેનું અલગ મહેસુલી ગામ રચાશે અને તેનો સમાવેશ પાલનપુર તાલુકામાં કરવામાં આવશે, તેમ મહેસુલ વિભાગના ઠરાવમાં જણાવાયું છે.