“જૈસે થે” વાદીઓને હચમચાવી દીઘા હતા!

ગુજરાતની સ્થાપના 1લી મે, 1960ના રોજ થઈ હતી અને તે દાયકાના અંત સુધીમાં તો રાજ્યની સ્થાપના અંગેનો આરંભિક ઉત્સાહ તેમજ આશાવાદ સાવ ઓસરી ગયા હતા. ઝડપી સુધારા અને પ્રગતિના સપના તૂટી ગયા હતા અને ગુજરાતના સામાન્ય લોકોનો ભ્રમ ભાંગી ગયો હતો. ઈન્દુલાલ યાજ્ઞિક, જીવરાજ મહેતા અને બળવંતરાય મહેતા જેવા રાજકીય માંઘાતાઓના સંઘર્ષ તેમજ બલિદાનોને રાજકારણમાં પેસી ગયેલા નાણાંકીય લોભ તેમજ સત્તાની ભૂખે નિરર્થક બનાવી દીધા હતા. 1960ના દાયકાના અંત તથા 1970ના દાયકાના આરંભે તો ગુજરાતમાં કોંગ્રેસી સરકારના ભ્રષ્ટાચાર તથા ગેરવહિવટે માઝા મૂકી દીધી હતી. 1971માં ભારતે યુદ્ધમાં પાકિસ્તાનને હરાવી દીધું હતું અને ગરીબોના ઉત્થાનનો વાયદો કરીને કોંગ્રેસની સરકાર ફરી સત્તા ઉપર આવી હતી. આ વચન ઠાલું નિવડ્યું હતું અને ‘ગરીબી હટાવો’નું સૂત્ર થોડા સમયમાં બદલાઈને ‘ગરીબ હટાવો’ બની ગયું હતું. ગરીબોનું જીવન તો વધુ દુષ્કર બની ગયું હતું અને ગુજરાતમાં તો પડ્યા ઉપર પાટું જેવો ઘાટ કારમા દુષ્કાળ અને ભીષણ મોંઘવારીએ કર્યો હતો. જીવન જરૂરિયાતની પાયાની વસ્તુઓ માટે લાંબી લાંબી લાઈનો આખા રાજ્યમાં એક રોજીંદું, સામાન્ય દ્રશ્ય બની ગયું હતું. સામાન્ય લોકો માટે આ તકલીફોમાંથી કોઈ રાહતના

.

સંકેત ક્યાંય મળતા નહોતા. આવી સ્થિતિમાં કોઈ સુધારાલક્ષી પગલા લેવાના બદલે, ગુજરાતની કોંગ્રેસી નેતાગીરી જૂથવાદના ઝઘડામાં ગૂંથાયેલી હતી અને લોકોની તકલીફો પ્રત્યે તેણે કોઈ દરકાર, સંવેદનશીલતા દાખવી નહોતી. તેના પરિણામે, ઘનશ્યામભાઈ ઓઝાની સરકારને ઉથલાવી તેના સ્થાને ચીમનભાઈ પટેલે સત્તા હસ્તગત કરી હતી. જો કે, એ સરકાર પણ એટલી જ નિષ્ફળ સાબિત થઈ હતી અને ગુજરાતના લોકોમાં અસંતોષનો જ્વાળામુખી સક્રિય થઈ ગયો હતો. આ આગ વ્યાપક આક્રોશ બનીને સમગ્ર રાજ્યમાં ફેલાઈ ગઈ હતી. ડિસેમ્બર, 1973માં મોરબી એન્જિનિયરીંગ કોલેજના કેટલાક વિદ્યાર્થીઓએ તેમના ફૂડ બિલમાં થયેલા અસાધારણ વધારા સામે વિરોધ કર્યો હતો. આ વિરોધને જોતજોતામાં વ્યાપક ટેકો મળ્યો અને તેના પરિણામે સરકાર સામે રાજ્યમાં એક વ્યાપક જન આંદોલન શરૂ થયું. રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર અથાગ પ્રયાસો છતાં લોકોનો આ અસંતોષ ડામી શકી નહોતી. આ અસંતોષ ભ્રષ્ટાચાર અને મોંઘવારી સામેની એક વ્યાપક લોકચળવળ હોવા છતાં એ વખતના ગુજરાતના શિક્ષણ મંત્રીએ આ આંદોલન માટે જનસંઘ ઉપર આક્ષેપ કરતાં સ્થિતિ વધુ વણસી ગઈ હતી. 1973માં નરેન્દ્ર મોદીએ સામાજિક સક્રિયતામાં તેમજ સામાન્ય પ્રજાજનોને સ્પર્શતા પ્રશ્નોમાં ઊંડો રસ લેવાનું શરૂ કરી દીધું હતું. એક યુવા પ્રચારક અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)ના સહયોગી તરીકે નરેન્દ્ર મોદી નવનિર્માણ આંદોલનમાં જોડાયા હતા અને તેમને સોંપવામાં આવેલી કામગીરી નિષ્ઠાપૂર્વક બજાવી હતી. નવનિર્માણ આંદોલન દરેક રીતે એક જન આંદોલન હતું અને સમાજના તમામ વર્ગોમાંથી લોકો એક અવાજે તેમાં જોડાયા હતા. આંદોલનને એક સન્માનિત અગ્રણી અને ભ્રષ્ટાચાર સામેની લડતના મસિહા તરીકે જાણીતા એવા લોકનાયક જયપ્રકાશ નારાયણનું પણ સમર્થન મળતા તે વધુ મજબૂત બન્યું હતું. જયપ્રકાશ નારાયણ અમદાવાદ આવ્યા ત્યારે એ લોકલાડિલા નેતાના સંપર્કમાં આવવા અને તેમની સાથે નિકટ રહીને કામ કરવાની તક નરેન્દ્ર મોદીને મળી હતી. યુવા નરેન્દ્ર મોદીના માનસ ઉપર આ પીઢ નેતા સાથેના સંસર્ગની એક ઊંડી છાપ પડી હતી. નવનિર્માણ આંદોલન ખૂબજ સફળ રહ્યું હતું અને ચીમનભાઈ પટેલને મુખ્ય મંત્રીપદેથી ફક્ત છ મહિનામાં જ રાજીનામું આપવાની ફરજ પડી હતી. રાજ્યમાં નવેસરથી ચૂંટણીઓ યોજાઈ હતી અને અપેક્ષા મુજબ કોંગ્રેસની સરકારનો પરાજય થયો હતો. વિધિની વક્રતા તો એ હતી કે ગુજરાતની ચૂંટણીઓના પરિણામો 12મી જૂન, 1975ના દિવસે જાહેર થયા હતા. એ દિવસે જ અલ્હાબાદ હાઈકોર્ટે પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીને ચૂંટણીમાં ભ્રષ્ટાચાર માટે દોષિત ઠરાવ્યાં હતાં અને પ્રધાનમંત્રી તરીકે તેમના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ મૂકી દીધો હતો. તેના એક અઠવાડિયા પછી ગુજરાતમાં બાબુભાઈ જશભાઈ પટેલના નેતૃત્ત્વમાં નવી સરકારે શપથ લીધા હતા. નવનિર્માણ આંદોલન નરેન્દ્ર મોદી માટે વ્યાપક જનઆંદોલનનો પહેલો પરિચય હતો અને તેનાથી સામાજિક મુદ્દાઓ વિષે તેમનો વૈશ્વિક દ્રષ્ટિકોણ નોંધપાત્ર પ્રમાણમાં બહોળો બન્યો હતો. આ ચળવળના પગલે જ નરેન્દ્ર મોદીને તેમની રાજકીય કારકિર્દીમાં પહેલો હોદ્દો – ગુજરાતમાં લોક સંઘર્ષ સમિતિના મહામંત્રી તરીકેનો મળ્યો હતો. આ ચળવળ દરમિયાન તેમને વિદ્યાર્થીઓના પ્રશ્નો ખૂબજ નિકટથી સમજવાની વિશેષરૂપે તક મળી હતી અને તેઓ મુખ્યમંત્રી બન્યા ત્યારે એ તક તેમના માટે ખૂબજ મહત્ત્વની મૂડી જેવી સાબિત થઈ હતી. 2001થી તેમણે શિક્ષણ ક્ષેત્રે સુધારા ઉપર વિશેષ ધ્યાન આપ્યું અને ગુજરાતની યુવા પેઢીને વિશ્વ સ્તરનું શિક્ષણ સુલભ બનાવ્યું છે. નવનિર્માણ આંદોલન પછીનો ગુજરાતનો ઉત્સાહ પણ ખૂબજ અલ્પજીવી નિવડ્યો હતો અને 25મી જૂન, 1975ની મધરાતે, પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદી દીધી હતી, તે નિયમો હેઠળ નાગરિક સ્વાતંત્ર્ય તથા અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય સસ્પેન્ડ કરાયા હતા. નરેન્દ્ર મોદીના જીવનના મહત્ત્વના તબક્કાઓમાંના એકનો આરંભ થઈ ગયો હતો.