પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નીતિ આયોગ દ્વારા “ઇકોનોમિક પોલિસી – ધ રોડ અહેડ (આર્થિક નીતિ – ભવિષ્યનો માર્ગ)” વિષય પર અર્થશાસ્ત્રીઓ અને અન્ય નિષ્ણાતો દ્વારા આયોજિત ઇન્ટરેક્ટિવ સત્રમાં હાજરી આપી હતી.
આ સત્ર દરમિયાન સહભાગીઓએ કૃષિ, કૌશલ્યના વિકાસ અને રોજગારીના સર્જન, કરવેરા અને તેના દર સાથે સંબંધિત બાબતો, શિક્ષણ, ડિજિટલ ટેકનોલોજી, હાઉસિંગ, પ્રવાસન, બેન્કિંગ, સરકારી સુધારા, ડેટા સંચાલિત નીતિ અને વૃદ્ધિ માટે ભવિષ્યના કદમ જેવા વિવિધ આર્થિક વિષયો પર તેમના મતો રજૂ કર્યા હતા.
પ્રધાનમંત્રીએ સૂચનો અને અવલોકનો રજૂ કરવા બદલ વિવિધ સહભાગીઓનો આભાર માન્યો હતો. ખાસ કરીને તેમણે કૌશલ્યના વિકાસ અને પ્રવાસન જેવા ક્ષેત્રોમાં નવીન અભિગમો અપનાવવા માટે અપીલ કરી હતી.
પ્રધાનમંત્રીએ બજેટના ચક્ર વિશે જણાવ્યું હતું કે, બજેટનું ચક્ર વાસ્તવિક અર્થતંત્ર પર અસર કરે છે. તેમણે કહ્યું હતું કે, આપણા હાલના બજેટ કેલેન્ડર મુજબ વિવિધ યોજનાઓ પર ખર્ચ કરવાની મંજૂરી ચોમાસુ બેસવાની સાથે મળે છે. તેના પરિણામે ચોમાસા પૂર્વેના ફળદાયક મહિનાઓમાં વિવિધ સરકારી કાર્યક્રમો પ્રમાણમાં ઓછા કાર્યરત થાય છે કે લગભગ નિષ્ક્રિય જ રહે છે તેવું તેમણે કહ્યું હહતું. તેમણે ઉમેર્યું હતું કે, આ બાબતને ધ્યાનમાં રાખીને અમારી સરકારે ચાલુ વર્ષથી બજેટ પ્રસ્તુત કરવાની તારીખો આગળ કરી છે, જેથી નવું નાણાકીય વર્ષ શરૂ થાય ત્યાં સુધીમાં ખર્ચ કરવાની મંજૂરી મળી જશે.
નીતિ આયોગ દ્વારા આયોજિત આ બેઠકમાં નાણાં મંત્રી શ્રી અરુણ જેટલી, કેન્દ્રીય રાજ્ય કક્ષાના આયોજન મંત્રી શ્રી રાવ ઇન્દરજિત સિંહ, નીતિ આયોગના ઉપાધ્યક્ષ શ્રી અરવિંદ પનગરિયા તથા કેન્દ્ર સરકાર અને નીતિ આયોગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત હતા. બેઠકમાં જાણીતા અર્થશાસ્ત્રીઓ અને આર્થિક નિષ્ણાતોએ પણ હાજરી આપી હતી, જેમાં પ્રોફેસર પ્રવીણ ક્રિષ્ના, પ્રોફેસર સુખપાલ સિંઘ, પ્રોફેસર વિજય પૉલ શર્મા, શ્રી નીલકંઠ મિશ્રા, શ્રી સુરજિત ભલ્લા, ડો. પુલક ઘોષ, ડો. ગોવિંદ રાવ, શ્રી માધવ ચવ્હાણ, ડો. એન કે સિંહ, શ્રી વિવેક દહેજિયા, શ્રી પ્રમથ સિંહા, શ્રી સુમિત બોઝ અને શ્રી ટી એન નિનાન સામેલ છે.