India & Indonesia agree to prioritize defence and security cooperation.
India & Indonesia agree to build a strong economic & development partnership that strengthens the flow of ideas, trade, capital etc
Both countries agree to work closely in the fields of pharmaceuticals, IT & software, & skill development.
Agreement to speed up establishment of Chairs of Indian & Indonesian Studies in each other's universities.

તમારા મહામહિમ રાષ્ટ્રપતિ જોકો વિડોડો,

પ્રતિષ્ઠિત પ્રતિનિધિઓ,

મીડિયાના મિત્રો,

શરૂઆતમાં હું આકેહમાં તાજેતરમાં આવેલા ધરતીકંપમાં થયેલી જાનમાલની હાનિ પર દુઃખની લાગણી વ્યક્ત કરવા ઇચ્છું છું.

મિત્રો,

હું રાષ્ટ્રપતિ જોકો વિડોડોને આવકારતા સન્માનની લાગણી અનુભવું છું. આ ભારતની તેમની પ્રથમ મુલાકાત છે. હું સૌપ્રથમ નવેમ્બર, 2014માં રાષ્ટ્રપતિ વિડોડોને મળ્યો હતો તથા આપણા સંબંધો કેવી રીતે આપણા અને સંપૂર્ણ એશિયા-પ્રશાંત વિસ્તાર માટે લાભદાયક બની શકે તેના પર વિસ્તૃત ચર્ચા કરી હતી.

મહામહિમ,

તમે એક મહાન રાષ્ટ્રના નેતા છો. દુનિયામાં મુસ્લિમોની સૌથી વધુ વસતિ ધરાવતા દેશ તરીકે ઇન્ડોનેશિયાએ લોકશાહી, વિવિધતા અને સામાજિક સમરસતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. એક લોકશાહી રાષ્ટ્ર માટે આ તમામ મૂલ્યો આધારભૂત છે. આપણા બંને દેશો અને સમાજોએ આપણા ઇતિહાસમાં વાણિજ્યિક અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં મજબૂત સંબંધોનું પોષણ કર્યું છે. આપણે એવા વિસ્તારમાં રહીએ છીએ, જે દુનિયામાં અત્યારે ઝડપથી રાજકીય, આર્થિક અને વ્યૂહાત્મક ફેરફારોમાં પરિવર્તનનું કેન્દ્ર છે. તમારી મુલાકાત અમને આપણી વ્યૂહાત્મક ભાગીદારીને આગળ ધપાવવામાં મદદરૂપ થશે. અને આપણા સંબંધો ભારત-પ્રશાંત વિસ્તારમાં શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપવામાં મદદરૂપ થશે.

મિત્રો,

અમારી એક્ટ ઇસ્ટ પોલિસીમાં ઇન્ડોનેશિયા અતિ કિંમત પાર્ટનર દેશોમાં સામેલ છે. ઇન્ડોનેશિયાનું અર્થતંત્ર દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં સૌથી મોટું અર્થતંત્ર છે. અને, ભારત દુનિયામાં સૌથી વધુ ઝડપથી વિકસતા મોટા અર્થતંત્રોમાંનું એક અર્થતંત્ર છે. બે મોટા લોકશાહી દેશો અને મુખ્ય વિકાસશીલ અર્થતંત્રો તરીકે આપણા આર્થિક અને વ્યૂહાત્મક હિતો સમાન છે. આપણે સામાન્ય પડકારો અને સમસ્યાઓનો પણ સામનો કરીએ છીએ. આજે રાષ્ટ્રપતિ સાથે મારી વિસ્તૃત વાતચીત આપણા સહકારના તમામ ક્ષેત્રો પર કેન્દ્રીત હતી. અમે સંરક્ષણ અને સુરક્ષા ક્ષેત્રમાં સહકારને પ્રાથમિકતા આપવા પણ સંમત થયા હતા. લાંબી દરિયાઈ સરહદો ધરાવતા બે મહત્વપૂર્ણ દેશો અને પડોશી દેશો તરીકે અમે આપત્તિના સમયે પ્રતિસાદ આપવા અને પર્યાવરણનું સંરક્ષણ કરવા દરિયાઈ સુરક્ષા અને સલામતીને સુનિશ્ચિત કરવા સહકાર આપવા સંમત થયા છીએ. દરિયાઈ સહકાર પર સંયુક્ત નિવેદન આ ક્ષેત્રમાં આપણી ભાગીદારીનો એજન્ડા છે. આપણી ભાગીદારી આતંકવાદ, સંગઠિત અપરાધ, નશીલા દ્રવ્યો અને માનવ તસ્કરીને રોકવા માટે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

મિત્રો,

રાષ્ટ્રપતિ અને હું મજબૂત આર્થિક અને વિકાસ ભાગીદારીનું નિર્માણ કરવા પણ સંમત થયા હતા, જે આપણા બંને દેશો વચ્ચે વિચારો, વેપાર, મૂડી અને લોકોના પ્રવાહને મજબૂત કરશે. રાષ્ટ્રપતિ વિડોડોએ ફાર્માસ્યુટિકલ્સ, આઇટી અને સોફ્ટવેર તથા કૌશલ્ય સંવર્ધનના ક્ષેત્રોમાં ઇન્ડોનેશિયા સાથે ગાઢ રીતે કામ કરવા ભારતીય કંપનીઓને પ્રોત્સાહન આપ્યું છે, જેની સાથે હું સંમત છું. બે વિકાસશીલ રાષ્ટ્રો તરીકે અમે અમારી સંબંધિત ક્ષમતાઓનો ઉપયોગ કરીને દ્વિમાર્ગીય રોકાણ પ્રવાહો વધારીને માળખાગત સુવિધા વિકસાવવાનો નિર્ણય પણ કર્યો છે. આ સંબંધમાં સીઇઓ ફોરમે ઉદ્યોગો વચ્ચે ભાગીદારી વધારવા નવી તકો ઓળખવામાં આગેવાની લેવી જોઈએ. અમે સંમત પણ થયા હતા કે સર્વિસ અને ઇન્વેસ્ટમેન્ટમાં ભારત-આસિયાન મુક્ત વેપાર સમજૂતીનું વહેલાસર અમલીકરણ કરવો તથા આ સંબંધમાં પ્રાદેશિક વિસ્તૃત આર્થિક ભાગીદારીને અંતિમ ઓપ આપવો જે મહત્વપૂર્ણ પગલું બની રહેશે. અમે અંતરિક્ષના ક્ષેત્રમાં આપણા બે દાયકા જૂના કિંમતી સહકારને ગાઢ બનાવવાના મહત્વ પર ભાર મૂક્યો છે. આપણી ભાગીદારીને વેગ આપવા રાષ્ટ્રપતિ વિડોડો અને મેં દ્વિપક્ષીય સહકારને મજબૂત કરવાના કામને આગળ ધપાવવા વર્તમાન મંત્રીસ્તરીય વ્યવસ્થાને પૂર્ણ કરવા માટે દિશા આપી છે.

મિત્રો,

આપણા બંને દેશના સમાજ અને આપણો સંયુક્ત વારસો ઇતિહાસ અને મજબૂત સાંસ્કૃતિક સંબંધોની ગાંઠ સ્વરૂપે જોડાયેલા છે. રાષ્ટ્રપતિ અને હું આપણા ઐતિહાસિક જોડાણ પર સંશોધનને પ્રોત્સાહન આપવાના મહત્વ પર સંમત છીએ. અને, આપણે એકબીજાની યુનિવર્સિટીઓમાં ભારતીય અને ઇન્ડોનેશિયન અભ્યાસની ચેર સ્થાપિત કરવાની પ્રક્રિયા ઝડપથી આગળ ધપાવવા સંમત છીએ. આપણે આપણા શિષ્યવૃત્તિ અને તાલીમ કાર્યક્રમોનું વિસ્તરણ કરવા પણ સંમત થયા છીએ. સીધા જોડાણ અને લોકો વચ્ચેના સંપર્કને સુધારવાનું મહત્વ સુવિદિત છે. અને, આ સંબંધમાં આપણે ગરુડ ઇન્ડોનેશિયાના મુંબઈથી સીધી ફ્લાઇટ શરૂ કરવાના નિર્ણયને આવકારીએ છીએ.

મહામહિમ,

તમારી મુલાકાત બદલ હું ફરી તમારો આભાર માનું છું. હું તમારી સાથે આપણા દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈ પર પહોંચાડવા આતુર છું. અને મને વિશ્વાસ છે કે આજે આપણે જે ચર્ચાવિચારણા કરી અને જે સમજૂતીઓ પર હસ્તાક્ષર કર્યા, એ આપણી કામગીરીને આકાર આપવામાં મદદ કરશે તથા આપણા વ્યૂહાત્મક સંબંધને નવી દિશા અને નવું જોમ પૂરું પાડશે. હું મારું ભાષણ પૂરું કરું એ અગાઉ ઇન્ડોનેશિયામાં અમારા તમામ મિત્રોનો આભાર માનવા ઇચ્છું છું.

તમારો ખૂબ ખૂબ આભાર.