પ્રણામ અમ્મા,
મંચ ઉપર બેઠેલા માનનીય મહાનુભવો,
નમસ્કારમ્!
આજના પાવક અને પવિત્ર પ્રસંગે હું અમ્મા માટે ઊંડો આદર વ્યક્ત કરૂં છું. હું, પ્રભુને પ્રાર્થના કરૂં છું કે તેમને લાંબુ આયુષ્ય અને સારી તંદુરસ્તી પ્રાપ્ત થાય. કરોડો ભક્તોને તે માર્ગદર્શન પૂરૂં પાડી રહ્યા છે. એટલું જ નહીં, ઘણા ભક્તો માટે તે જીવનનો પર્યાય બન્યા છે. સાચી માતાની જેમ તેમના ભક્તોનું સીધા અને આડકતરા તથા દર્શનિય અને અદ્રશ્ય કાર્યો દ્વારા તે પોષણ કરે છે.
હું નસીબદાર છું કે જેમને અમ્માના આશિર્વાદ અને બિનશરતી પ્રેમ મળ્યો છે તેમાં મારો સમાવેશ થાય છે. 3 વર્ષ પહેલા મને અમ્રીતાપુરી ખાતે અમ્માના 60મા જન્મદિવસની ઉજવણી પ્રસંગે આદર વ્યક્ત કરવાની તક મળી હતી. આજે આ ઉત્સવમાં હું વ્યક્તિગત હાજરી આપી શકું તેટલો ભાગ્યશાળી નથી, પરંતુ ટેકનોલોજીના માધ્યમથી તેમનું અભિવાદન કરતા આનંદ અનુભવું છું. હું હમણા જ કેરળથી પરત ફર્યો છું અને કેરળના લોકોએ મારી પર જે પ્રેમ અને હેત વરસાવ્યું છે તેનાથી હું પ્રભાવિત થયો છું.
ભારત એ એવા સંતોની ભૂમિ છે કે જેમને દરેક ચીજમાં ભગવાન દેખાય છે. આવી ચીજોમાં માનવજાત મોખરે છે. આ કારણથી માનવજાતની સેવા એ તેમનો મુખ્ય ઉદ્દેશ છે. મને જાણકારી છે કે પોતાના બાળપણમાં પણ અમ્મા પોતાનું ભોજન અન્યને આપી દેવાનું પસંદ કરતા હતા. વૃધ્ધો અને મોટી ઉંમરના લોકો તેમજ જરૂરિયાતમંદ લોકો તરફ બાળપણથી જ લાગણી ધરાવતા હતા.
આ ઉપરાંત તેઓ બાળપણમાં ભગવાન કૃષ્ણની પૂજા કરતા હતા.
આ બંને ગુણો તેમની તાકાત બન્યા છે. પ્રભુની ભક્તિ અને ગરીબો પ્રત્યે કરૂણા સંદેશો મને અમ્મા સાથેના વ્યક્તિગત સંબંધને કારણે મળ્યો છે. દુનિયાભરના અમ્માના લાખો ભક્તો પણ આવું જ માને છે.
અમ્મા દ્વારા ચલાવાતી વિવિધ સંસ્થાઓ અને કાર્યક્રમો તેમજ સામાજિક અને સખાવતી પ્રવૃત્તિઓ અંગે મને જાણકારી છે. તે હંમેશા દુનિયાના ગરીબોને સહાયરૂપ બનીને તેમની – આહાર, નિવાસ, આરોગ્ય, શિક્ષણ અને રોજગારી જેવી પાંચ મુખ્ય જરૂરિયાતો પૂરી કરી રહ્યા છે. આ પ્રસંગે હું તેમણે સ્વચ્છતા, પાણી, આવાસ, શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રે કરેલા કામો તથા દાન અંગે ઉલ્લેખ કરવાનું પસંદ કરીશ. મારી સમજ મુજબ આમાંના કેટલાક લાભાર્થીઓને આજે પ્રમાણપત્રો અપાશે. ખાસ કરીને ટોયલેટસના નિર્માણ માટે અમ્માએ હાથ ધરેલા પ્રયાસોથી અમારા સ્વચ્છ ભારતના કાર્યક્રમને મોટી સહાય મળી છે. અમ્માએ કેરળમાં સ્વચ્છતાના પ્રયાસો માટે રૂ.100 કરોડ પ્રદાન કરવાનું વચન આપ્યું છે. આમાં ગરીબો માટે 15000 શૌચાલયના બાંધકામનો સમાવેશ થાય છે. આજે મને માહિતી આપવામાં આવી છે કે રાજ્યભરમાં અમ્માના આશ્રમ દ્વારા 2000 શૌચાલયના બાંધકામની કામગીરી પૂરી કરવામાં આવી છે.
હું જાણું છું કે અમ્મા દ્વારા પર્યાવરણની જાળવણી માટે કરાયેલા વિવિધ પ્રયાસોમાંનું આ એક ઉદાહરણ છે. એક વર્ષ પહેલા અમ્માએ નમામી ગંગે કાર્યક્રમ માટે રૂ.100 કરોડનું ઉદાર દાન આપ્યું હતું. હું જાણું છું કે કુદરતી આફતો વખતે અમ્મા અસરગ્રસ્તોને સહાય કરે છે. મને એ જાણીને ખૂબ જ આનંદ થયો છે કે અમ્રીતા યુનિવર્સિટીના સંશોધકો દુનિયામાં અત્યંત નડતરરૂપ સમસ્યાઓ માટે નવા અભિગમો અપનાવી રહ્યા છે.
અંતમાં હું, આ ઉજવણીમાં સામેલ થવાની જે તક મળી છે તે બદલ નિષ્ઠાપૂર્વક આભાર વ્યક્ત કરૂં છું.
વધુ એકવાર, હું અમ્મા માટે ભારે આદર વ્યક્ત કરૂં છું.