પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સક્રિય સુશાસન અને સમયસર અમલીકરણ માટે આઇસીટી આધારિત, મલ્ટિ-મોડલ પ્લેટફોર્મ પ્રગતિ મારફતે આજે સાતમા આદાનપ્રદાનની અધ્યક્ષતા કરી હતી.
પ્રધાનમંત્રીએ ટેલિકોમ ક્ષેત્ર સાથે સંબંધિત ફરિયાદોના સંચાલન અને નિવારણ માટે પ્રગતિની સમીક્ષા કરી હતી. તેમાં મોટા ભાગની ફરિયાદો સેવાની નબળી ગુણવત્તા, લેન્ડલાઇન કનેક્શનના જોડાણ અને બિન-કાર્યદક્ષતા સાથે સંબંધિત હતી. સચિવ (ટેલિકોમ વિભાગ)એ આ સંબંધે અત્યાર સુધી લેવાયેલા પગલાં વિશે જાણકારી આપી હતી. પ્રધાનમંત્રીએ શક્ય તેટલી વહેલી તકે સ્થિતિમાં ઊડીને આંખે વળગે તેવો ફેરફાર લાવવા તમામ સ્તરે જવાબદારી નક્કી કરવા અને કાર્યદક્ષતા સુધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ એપ્રિલ, 2015માં પોતાની સમીક્ષા યાદી કરીને લોકોની સમસ્યાઓનું સમાધાન કરવા ઉપલબ્ધ અને વર્તમાન ટેકનોલોજીકલ સોલ્યુશનોનો ઉપયોગ કરવા અપીલ કરી હતી.
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)માં થયેલી પ્રગતિની સમીક્ષા દરમિયાન પ્રધાનમંત્રીએ વર્ષ 2022 સુધીમાં તમામને મકાન પૂરું પાડવાની કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. તેમણે રાજ્યોને આ લક્ષ્યાંક હાંસલ કરવા વ્યૂહરચનાઓ, નિશ્ચિત સમયમાં પૂર્ણ થાય તેવી કાર્યયોજનાઓ અને તેના પર નજર રાખવાની વ્યવસ્થા રજૂ કરવા વિનંતી કરી હતી. તેમણે કામની ઝડપ અને ગુણવત્તા સુધારવા આધુનિક ટેકનોલોજી ઇનપુટનો ઉપયોગ કરવા પણ અપીલ કરી હતી.
પ્રધાનમંત્રીએ ભારત સરકારના તમામ સચિવો અને મુખ્ય સચિવોને “વેપારવાણિજ્ય સરળ કરવા” સાથે સંબંધિત સ્થિતિની સમીક્ષા કરવા જણાવ્યું હતું. તેમણે વિશ્વના “વેપારવાણિજ્ય સરળ કરવા”ના રિપોર્ટનો સંદર્ભ ટાંકીને આ રિપોર્ટમાં ઉપયોગમાં લેવાયેલા માપદંડો પર આધારિત પ્રગતિની આકારણી કરવા અધિકારીઓને કહ્યું હતું. તેમણે કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીઓને સાપ્તાહિક ધોરણે પ્રગતિની સમીક્ષા કરવા પણ જણાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ તેલંગાણા, ઓડિશા, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, કેરળ, તમિલનાડુ, કર્ણાટક, હરિયાણા, બિહાર, પશ્ચિમ બંગાળ અને મેઘાલય સહિત કેટલાક રાજ્યોમાં પથરાયેલા રેલવે, માર્ગ, બંદર, ઊર્જા અને કુદરતી ગેસના ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ માળખાગત પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા પણ કરી હતી. પ્રધાનમંત્રીએ સમયસર પ્રોજેક્ટ પૂર્ણ કરવાના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો, જેથી ખર્ચમાં વધારો ટાળી શકાય તથા પ્રોજેક્ટમાં કલ્પના કરવામાં આવેલા લાભ સમયસર જનતાને મળી શકે. આજે સમીક્ષા કરવામાં આવેલા પ્રોજેક્ટ્સમાં સામેલ છેઃ બિર્નિહાટ-શિલોંગ લાઇન; જોગબાની-વિરાટનગર (નેપાળ) રેલવે લાઇન; સુરત-દહીસર હાઇવે; ગુરગાંવ-જયુપર હાઇવે; ચેન્નાઈ અને એન્નોર પોર્ટ કનેક્ટિવિટી પ્રોજેક્ટ; કોચિન શિપયાર્ડ ડ્રાઇ-ડોકનું નિર્માણ; અને પૂર્વ કિનારાથી પશ્ચિમ કિનારા સુધી મલ્લાવરમ-ભોપાલ-ભિલવાડા-વિજયપુર નેચરલ ગેસ પાઇપલાઇન.