પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદની કેશલેસ વ્યવહારો વધારવાની અપીલને પગલે પ્રધાનમંત્રી કાર્યાલયની ઓફિસના વરિષ્ઠ અધિકારીઓએ આજે વિશિષ્ટ પહેલ હાથ ધરી હતી.
મુખ્ય સચિવ શ્રી નૃપેન્દ્ર મિશ્રા અને અધિક મુખ્ય સચિવ શ્રી પી કે મિશ્રા સહિત અધિકારીઓએ પ્રધાનમંત્રી ઓફિસના કર્મચારીઓ માટે કાર્યશાળાનું આયોજન 7, લોક કલ્યાણ માર્ગમાં કર્યું, જેમાં કર્મચારીઓને યુપીઆઈ, ઇ-વોલેટ્સ વગેરે મોબાઇલ એપ્લિકેશન્સ મારફતે મોબાઇલ બેંકિંગની પ્રક્રિયા શરૂ કરવા અને રોજિંદા વ્યવહારો હાથ ધરવાની તાલીમ અપાઈ હતી.
અધિકારીઓએ કેશલેસ વ્યવહારોની પ્રક્રિયા પ્રદર્શિત કરી હતી અને તેમના કર્મચારીઓને તેમના ફોન્સ પર પ્રસ્તુત મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરવામાં મદદ કરી હતી.
કાર્યશાળાને ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો હતો અને સહભાગીઓ વચ્ચે સ્માર્ટ બેંકિંગ અને વ્યવહારિક સોલ્યુશન્સ અપનાવવાની આતુરતા જોવા મળી હતી.
આ પ્રસંગે એસબીઆઈ અને માયગવના અધિકારીઓ પણ ઉપસ્થિત હતા.