પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં નેશનલ એકેડેમિક ડિપોઝિટરી (એનએડી)ની સ્થાપના અને કાર્યરત કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયનો ઉદ્દેશ ડિજિટલ ઇન્ડિયામાં અન્ય એક પરિમાણ અને વિઝનને સંવર્ધિત કરવાનો છે.
એનએડી આગામી ત્રણ મહિનામાં સ્થાપિત અને કાર્યરત થશે તથા 2017-18માં સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવશે.
ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં નાણાંપ્રધાનના 2016-17ના બજેટ ભાષણમાં સીક્યોરિટીઝ ડિપોઝિટરીની પેટર્ન પર ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓના શાળા અભ્યાસ પ્રમાણપત્રો, ડિગ્રી અને અન્ય શૈક્ષણિક સન્માનો માટે ડિજિટલ ડિપોઝિટરી સ્થાપિત કરવાની પ્રતિબદ્ધતાને સામેલ કરવામાં આવી હતી.
સીક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) કાયદા, 1992 હેઠળ રજિસ્ટર્ડ ડિપોઝિટરીની સંપૂર્ણ માલિકીની બે પેટાકંપની એનએસડીએલ ડેટાબેઝ મેનેજમેન્ટ લિમિટેડ (એનડીએમએલ) અને સીડીએસએલ વેન્ચર્સ લિમિટેડ (સીવીએલ) દ્વારા એનએડી કાર્યરત થશે.
સિસ્ટમમાં ડેટા ડિજિટલ અલોડ કરવાની અધિકૃતતા માટે શૈક્ષણિક સંસ્થાઓ જવાબદાર હશે. ડિપોઝિટરીઝ એનએડીમાં ડેટાની સંકલિતતા સુનિશ્ચિત કરશે. એનએડી શૈક્ષણિક સંસ્થાઓ/બોર્ડ/લાયક આકારણી સંસ્થાઓ, વિદ્યાર્થીઓ અને અન્ય યુઝર્સ/બેંકો, કર્મચારી કંપનીઓ, સરકારી સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ જેવી ખરાઈ સંસ્થાઓને રજિસ્ટર કરશે.
તે વિદ્યાર્થીઓ કે અન્ય અધિકૃત યુઝર્સને સુરક્ષા વિશેષતાઓ સાથે શૈક્ષણિક પ્રમાણપત્રની પ્રિન્ટેડ નકલ કે ડિજિટલ નકલ પ્રદાન કરશે. કોઈ પણ અધિકૃત યુઝર જે દિવસે વિનંતી કરશે એ જ દિવસે એનએડી શૈક્ષણિક પ્રમાણપત્રોની ખરાઈ કરશે.
ઉદાહરણ તરીકે સંભવિત રોજગારદાતાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ પાસેથી શૈક્ષણિક પ્રમાણપત્રો વિદ્યાર્થીઓની મંજૂરીના આધારે જ સુલભ કરવામાં આવશે.
એનએડી તેના ડેટાબેઝની ખરાઈ, સંકલિતતા અને વિશ્વસનિયતા જાળવશે. તે ડેટાબેઝમાં શૈક્ષણિક પ્રમાણપત્રો અસરકારક રીતે ઉમેરવા શૈક્ષણિક સંસ્થાઓ/બોર્ડ/લાયક આકારણી સંસ્થાઓને તાલીમ આપશે અને આ માટેની સુવિધા સુલભ કરાવશે.