શ્રી નરેન્દ્ર મોદી વરિષ્ઠ કેમેરામેન ગોપાલ બિષ્ટની અંતિમ ક્રિયામાં હતા. બિષ્ટ કમનસીબ વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા માધવરાવ સિંધિયા સહિત અન્ય પત્રકારોમાંના એક હતા. ત્યારે તેમને તે સમયના પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીજીનો ફોન આવ્યો.
અટલજીએ પૂછ્યું ‘તમે ક્યાં છો’
શ્રી મોદીએ જવાબ આપ્યો, ‘હું અંતિમ ક્રિયામાં છું’. ત્યારે અટલજીએ કહ્યું, ‘ ઓહ ! જો તમે અંતિમક્રિયામાં હો તો હું તમારી સાથે વાત ન કરી શકું’. પરંતુ તેમણે શ્રી મોદીને સાંજે તેમના નિવાસસ્થાને બોલાવ્યા.
જ્યારે શ્રી મોદી અટલજીને મળ્યા, ત્યારે પ્રધાનમંત્રીએ ટીપ્પણી કરી કે, ‘દિલ્હીએ તમને જાડા કર્યા છે!, તમારે ગુજરાત જવું પડશે’.
શ્રી મોદીએ યોગ્ય રીતે તે સંદેશને સમજ્યો, પણ તે આ નિર્ણયથી આશ્ચર્યમાં હતા. એક પણ વખત ધારાસભ્ય તરીકે પણ કામ ન કરનારા મોદીજી પર પાર્ટી વિશ્વાસપૂર્વક ખૂબ જ મોટી જવાબદારી સોંપી રહી હતી અને જ્યારે ભારત દેશના પ્રધાનમંત્રી પોતે નક્કી કરે ત્યારે કોણ ના કહી શકે.
શ્રી મોદીના પોતાના શબ્દોમાં, તે યાદ કરે છે, ‘ હું કેટલાય સમયથી ગુજરાત ગયો નહોતો, મેં મારા તમામ પાર્ટીના સાથીઓને બોલાવ્યા અને તેમને જણાવ્યું કે તમે મને બોલાવી તો રહ્યા છો પણ હું ક્યાં જઇશ, ત્યાં મારું કોઇ ઘર નથી, હું છેલ્લા કેટલાય સમયથી ગુજરાત આવ્યો નથી. તેમણે મને જણાવ્યું કે અમે તમારા માટે સર્કિટ હાઉસમાં રૂમ નોંધાવી દઇશું. તે સમયે મેં તેમને જણાવ્યું કે હું ધારાસભ્ય નથી, એટલે હું તેનું ભાડું ચૂકવીશ. ’
આ પ્રકારે શ્રી મોદીજીની ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ઇનિંગ્સનો પ્રારંભ થયો. ત્યાર બાદ તે ગુજરાત રાજ્યના સૌથી લાંબા સમય સુધી પદ પર રહેનારા મુખ્યમંત્રી બન્યા અને વિક્રમી 4 વખત શપથ ગ્રહણ કર્યા.