પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે ભારત સરકારના તમામ સચિવોને મળ્યાં હતાં. આ બેઠકમાં મંત્રીમંડળના પ્રધાનો અને સ્વતંત્ર હવાલો સંભાળતા રાજ્ય કક્ષાના પ્રધાનો પણ ઉપસ્થિત હતા.
ચાલુ વર્ષે જાન્યુઆરીમાં પ્રધાનમંત્રીને સચિવોના આઠ જૂથોએ રજૂ કરેલા અહેવાલોના ફોલ અપ સ્વરૂપે કેબિનેટ સચિવે અત્યાર સુધી થયેલા કામ પર સંક્ષિપ્ત રજૂઆત કરી હતી.
આઠ જૂથોમાંથી બે જૂથો માટે નિયુક્ત સચિવોએ આ જૂથોની ભલામણોના અમલીકરણની સ્થિતિ પર રજૂઆત પણ કરી હતી.
સચિવોના 10 નવા જૂથોની રચના કરવામાં આવી છે, જેઓ નવેમ્બરના અંત સુધીમાં વહીવટ સાથે સંબંધિત વિવિધ મુદ્દાઓ પર તેમના રિપોર્ટ સુપરત કરશે. અગાઉના જૂથો ચોક્કસ વિષયો પર કામ કરતાં હતાં, જેનાથી વિપરીત આ જૂથો હવે કૃષિ, ઊર્જા, પરિવહન વગેરે ક્ષેત્રો પર કામ કરશે.
પ્રધાનમંત્રીએ સચિવોને સંબોધતા જાન્યુઆરી મહિનામાં આઠ વિષય આધારિત જૂથોના ભાગરૂપે તેમણે કરેલા કામની પ્રશંસા કરી હતી. તેમણે સચિવોને કેન્દ્ર સરકારના કામની મહત્ત્વપૂર્ણ સમીક્ષા હાથ ધરવા વિનંતી કરી હતી. સચિવો જે ક્ષેત્રોને અભ્યાસ કરશે તેમાં આ સમીક્ષા કરવાની રહેશે. તેમણે યુવાન અધિકારીઓને સંશોધન સંબંધિત મુદ્દાઓમાં સંલગ્ન થવા પણ જણાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ વસતિજન્ય ફાયદા વિશે બોલતાં કહ્યું હતું કે, તમામ જૂથોએ તેમની ભલામણોના ભાગરૂપે ભારતના 800 મિલિયન યુવાનોની તાકાતનો ઉપયોગ કરવા પ્રાથમિકતા આપવી જોઈએ. તેમણે કહ્યું હતું કે, ભારત સરકારના સચિવોની ટીમ ભારતના લોકોની આશા અને આકાંક્ષા પૂર્ણ કરવા નીતિઓ ઘડવા શાણપણ અને અનુભવનો સમન્વય કરે છે. તેમણે કામગીરી આગળ વધારવા શ્રેષ્ઠ કામગીરી કરવા તેમને પ્રેરિત કર્યા હતા.