તા. 26 મે, 2014ના રોજ નરેન્દ્ર મોદીએ ભારતના પ્રધાનમંત્રી તરીકે સોગંદ લીધા અને ભારતે આઝાદી હાંસલ કરી તે પછી જન્મેલા પ્રથમ પ્રધાનમંત્રી બન્યા. પ્રગતિશીલ, સમર્પિત અને દ્રઢ નિશ્ચયી નરેન્દ્ર મોદી અબજો ભારતીયોની આશા-અપેક્ષાઓનું પ્રતિબિંબ પાડે છે.
મે, 2014માં તેમણે પદ ધારણ કર્યું ત્યારથી તેમણે દરેક ભારતીય વ્યક્તિ પોતાની આશાઓ અને અપેક્ષાઓ સાકાર કરી શકે તેવી સર્વગ્રાહી અને સમાવેશી વિકાસની મજલ પસંદ કરી છે. હરોળમાં છેલ્લી ઊભી રહેલી વ્યક્તિને સેવા પૂરી પાડવાના 'અંત્યોદય'ના સિધ્ધાંતમાં માને છે.
નવતર વિચારો અને વિવિધ પહેલ દ્વારા સરકારે ખાત્રી રાખી છે કે પ્રગતિનું ચક્ર ઝડપી ગતિથી આગળ વધે અને દરેક નાગરિકને વિકાસના ફળ હાંસલ થાય. શાસન ખૂલ્લું, સરળ અને પારદર્શક બન્યું છે.
સૌ પ્રથમ પ્રધાનમંત્રી જનધન યોજના દ્વારા તેમણે દેશના દરેક નાગરિકને નાણાંકીય પધ્ધતિ સાથે ખાત્રીપૂર્વક જોડવાનો પ્રયાસ કર્યો. તેમણે 'મેક ઈન ઈન્ડિયા'નો નારો આપ્યો અને તેને પૂરક બની શકે તે માટે બિઝનેસને આસાન બનાવવા રોકાણકારો અને ઉદ્યોગ સાહસિકોમાં અભૂતપૂર્વ ઉદ્દીપકનું કામ કર્યું. 'શ્રમ એવ જયતે'ની પહેલ દ્વારા તેમણે નાના અને મધ્યમ ઉદ્યોગોના શ્રમિકોનું સશક્તિકરણ કર્યું અને આપણા યુવાનોને કૌશલ્ય માટે પ્રેર્યા.
સૌ પ્રથમવાર ભારત સરકારે દેશના લોકો માટે ત્રણ સામાજિક સુરક્ષા યોજનાઓ શરૂ કરી અને વૃધ્ધોને પેન્શન તથા ગરીબોને વીમો આપવાનું કામ કર્યું. જુલાઈ 2015માં પ્રધાનમંત્રીએ ડિજિટલ ઈન્ડિયા મિશનનો પ્રારંભ કર્યો, જેમાં લોકોના જીવનમાં ટેકનોલોજી ગુણાત્મક પરિવર્તન લાવવા માટે મહત્વની ભૂમિકા ભજવી રહી છે.
તા. 2 ઓક્ટોબર, 2014ના રોજ મહાત્મા ગાંધીની જન્મ જયંતી પ્રસંગે પ્રધાનમંત્રીએ ''સ્વચ્છ ભારત મિશન'' મારફતે દેશભરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું. આ ચળવળને ઐતિહાસિક વ્યાપ અને પ્રભાવક અસર હાંસલ થઈ.
નરેન્દ્ર મોદીના વિદેશ નીતિ અંગેના પ્રયાસોમાં વિશ્વના ફલક ઉપર વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકેની ભારતની સાચી ક્ષમતા ઉભરી આવી છે. તેમણે સાર્ક દેશોના વડાઓની હાજરીમાં તેમણે પોતાનો હોદ્દો સંભાળ્યો તેમણે યુનાઈટેડ નેશન્સની જનરલ એસેમ્બલીમાં જે પ્રવચન આપ્યું તેની દુનિયાભરમાં પ્રશંસા થઈ હતી. 17 વર્ષના લાંબા ગાળા પછી નરેન્દ્ર મોદી નેપાળની, 28 વર્ષ પછી ઓસ્ટ્રેલિયાની, 31 વર્ષ પછી ફીજી અને 34 વર્ષ પછી સેશેલ્સની દ્વિપક્ષી મુલાકાત લેનાર ભારતના પ્રથમ પ્રધાનમંત્રી બન્યા હતા. પદ ધારણ કર્યા પછી નરેન્દ્ર મોદીએ યુનો, બ્રિકસ અને જી-20 સમિટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું અને તેમણે વિશ્વના આર્થિક અને રાજકીય મુદ્દાઓ અંગે જે મંતવ્યો વ્યક્ત કર્યા તેને વ્યાપક પ્રશંસા હાંસલ થઈ હતી. તેમની જાપાનની મુલાકાત ઈન્ડો-જાપાન સંબંધોમાં એક ગતિશીલ પ્રકરણ ખૂલ્લું મૂકતો યુગ શરૂ થયો. તે માંગોલિયાની મુલાકાત લેનાર પ્રથમ પ્રધાનમંત્રી બન્યા તથા તેમની ચીન અને દક્ષિણ કોરિયાની મુલાકાતો ભારતમાં મૂડી રોકાણ ખેંચી લાવવામાં સફળ નિવડી. તેમની ફ્રાન્સ અને જર્મનીની મુલાકાત દરમિયાન તેમણે યુરોપ સાથે સંબંધો સ્થાપવાનું ચાલુ રાખ્યું.
શ્રી નરેન્દ્ર મોદીએ આરબ જગત સાથે મજબૂત નાતો બાંધવાના પ્રયાસોને વિશેષ મહત્વ આપ્યું. તેમની ઓગષ્ટ 2015ની યુએઈની મુલાકાત છેલ્લા 34 વર્ષમાં ભારતના પ્રધાનમંત્રીની પ્રથમ મુલાકાત બની રહી. આ દ્વારા ગલ્ફ દેશો સાથે ભારતની આર્થિક ભાગીદારી વધારવા માટે ઉચ્ચસ્તરની ભૂમિકા રચાઈ.
જુલાઈ 2015માં શ્રી મોદીએ મધ્ય એશિયાના પાંચ દેશોની મુલાકાત લીધી તે પણ ચીલો ચાતરનારી પૂરવાર થઈ. આ દેશો સાથે ઊર્જા, વ્યાપાર, સાંસ્કૃતિક અને આર્થિક ક્ષેત્રો માટેના મહત્વના કરારો થયા. ઓક્ટોબર 2015માં નવી દિલ્હીમાં ઐતિહાસિક ઈન્ડિયા-આફ્રિકા સમિટનું આયોજન થયું, જેમાં 54 આફ્રિકન દેશોએ ભાગ લીધો. આ સમિટમાં 41 આફ્રિકન દેશોના આગેવાનો હાજર રહ્યા. ભારત-આફ્રિકા વચ્ચેના જોડાણને સુદ્રઢ કરવા અંગે ચર્ચાઓ થઈ. પ્રધાનમંત્રીએ જાતે મુલાકાતી આફ્રિકન આગેવાનો સાથે દ્વિપક્ષી બેઠકો યોજી.
નવેમ્બર, 2015માં પ્રધાનમંત્રી પેરિસમાં યોજાયેલી COP21 શિખર પરિષદમાં જોડાયા. જ્યાં તેમણે વિશ્વના આગેવાનો સાથે મળીને જલવાયુ પરિવર્તન અંગે ચર્ચા કરી. શ્રી મોદી અને ફ્રાન્સના પ્રેસિડેન્ટ હોલાન્દેએ સાથે મળીને સૌર ઊર્જા દ્વારા ઘરમાં પ્રકાશ પૂરો પાડવા માટેનું ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સ ખૂલ્લું મૂક્યું.
એપ્રિલ 2016માં પ્રધાનમંત્રી ન્યૂક્લિયર સિક્યોરિટી સમિટમાં જોડાયા અને વૈશ્વિક સ્તરે ન્યૂક્લિયર સલામતીના મહત્વ અંગે સબળ સંદેશો આપ્યો. તેમણે સાઉદી અરેબિયાની મુલાકાત લીધી, જ્યાં તેમને સાઉદી અરેબિયા સાશ ઓફ કીંગ અબ્દુલ અઝીઝ નું સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત કરાયું.
ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી ટોની એબોટ, રિપબ્લિક ઓફ ચાઈનાના પ્રમુખ શી જીનપીંગ, શ્રીલંકાના પ્રેસિડેન્ટ મૈત્રીપાલા સિરિસેના, રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદીમીર પુતીન અને જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ જેવા વિશ્વના કેટલાક આગેવાનોએ ભારતની મુલાકાત લીધી અને આ મુલાકાતોથી ભારત અને આ રાષ્ટ્રો વચ્ચેનો સહયોગ વધારવાની દિશા મળી. 2015ના પ્રજાસત્તાક દિને પ્રેસિડેન્ટ બરાક ઓબામાએ મુખ્ય મહેમાન તરીકે ભારતની મુલાકાત લીધી, જે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો માટે પ્રથમ ઐતિહાસિક મુલાકાત બની રહી. ઓગષ્ટ 2015માં ભારતમાં FIPIC સમિટનું આયોજન થયું, જેમાં પેસિફિક આઈલેન્ડસના ટોચના નેતાઓ હાજર રહ્યા. આ સમારંભમાં ભારત અને પેસિફિક આઈલેન્ડસના દેશો સાથે જોડાણના મહત્વના મુદ્દાઓ ચર્ચાયા.
નરેન્દ્ર મોદીએ એક દિવસ માટે ઈન્ટરનેશનલ ડે ઓફ યોગ ઉજવવા માટે અનુરોધ કર્યો, જેને યુનોમાંથી અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો. સૌ પ્રથમવાર દુનિયાના 177 દેશોએ સાથે મળીને 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિન તરીકે ઉજવવાનો યુનોમાં ઠરાવ કર્યો.
17 સપ્ટેમ્બર, 1950 દિવસે ગુજરાતના એક નાનકડા ગામમાં ગરીબ છતાં પ્રેમાળ પરિવારમાં જનમ્યા હતા જે પરિવાર એક રૂપિયાની પણ બચત ધરાવતો ન હતો. શરૂઆતમાં જે તકલીફોનો સામનો કર્યો તેનાથી મોદીને ભારે ઉદ્યમનું મહત્વ સમજાયું અને સામાન્ય માણસો નિવારી શકાય તેવી જે મુસીબતોનો સામનો કરે છે તેની જાણકારી મળી. આથી તેમને નાની ઉંમરે જ લોકોની અને દેશની સેવા કરવાની પ્રેરણા મળી. શરૂઆતના વર્ષોમાં તેમણે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ) નામની રાષ્ટ્રવાદી સંસ્થા સાથે કામ કર્યું અને રાષ્ટ્ર નિર્માણ માટે સમર્પિત થયા. પછીથી તે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના સંગઠનમાં જોડાયા. શ્રી મોદીએ તેમનો એમ.એનો અભ્યાસ ગુજરાત યુનિવર્સિટીમાં પોલિટિકલ સાયન્સના વિષય સાથે કર્યો છે.
વર્ષ 2001માં શ્રી મોદી પોતાના રાજ્ય ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને 4 ટર્મ સુધી મુખ્યમંત્રી તરીકે રહેવાનો વિક્રમ સ્થાપ્યો. તેમણે અતિ ઘાતક ભૂકંપની અસરોનો સામનો કરી રહેલા ગુજરાતનું પરિવર્તન કરીને તેને ગ્રોથ એન્જિનમાં રૂપાંતર કર્યું. અને એ દ્વારા ભારતના વિકાસમાં સબળ યોગદાન આપ્યું.
નરેન્દ્ર મોદી એક લોક નેતા છે, જે લોકોની સમસ્યાઓ હલ કરીને તેમના કલ્યાણ માટે સમર્પિત છે. મોદીને લોકોની વચ્ચે રહેવા કરતા, તેમના આનંદ અને દુઃખ-દર્દમાં સહભાગી બનવા સિવાય અન્ય કોઈ બાબત વધુ સંતોષ આપતી નથી. લોકો સાથે તે એક સબળ વ્યક્તિગત જોડાણ ધરાવે છે. તેમની મજબૂત ઓનલાઈન હાજરી આ બાબત માટે પૂરક બને છે. તે ભારતના અત્યંત ટેકનો-સેવી નેતા તરીકે જાણીતા છે અને લોકો સુધી પહોંચવા અને તેમના જીવનમાં પરિવર્તન લાવવા માટે વેબનો ઉપયોગ કરે છે. તે ફેસબુક, ટ્વીટર, ગૂગલ પ્લસ, ઈન્સ્ટાગ્રામ, સાઉન્ડ ક્લાઉડ, લીંક્ડઈન, વાઈબો અને અન્ય ફોરમ સહિત સોશિયલ મિડિયા ઉપર પણ અત્યંત સક્રિય છે.
રાજકારણ ઉપરાંત નરેન્દ્ર મોદી લેખનનો શોખ ધરાવે છે. તેમણે કવિતાઓ સહિતના કેટલાક પુસ્તકો લખ્યા છે. તે પોતાના દિવસનો પ્રારંભ યોગ દ્વારા કરે છે, જેનાથી તેમના રોજબરોજના અત્યંત ઝડપી કામકાજમાં શરીર અને મગજ વચ્ચે શાંતિની અનુભૂતિ થાય છે.
આ એક એવી વ્યક્તિ છે, જે હિંમત, કરૂણા અને દ્રઢ નિશ્ચયનું પ્રતિક છે અને ભારતે નવી ચેતનાના સંચાર માટે તેમના પર પસંદગી ઉતારી છે.