તે વર્ષ 1995નું હતું. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો સૌપ્રથમ વખત વિજય થયો હતો અને પોતાના બળે બહુમતી સરકાર બનાવી હતી. તેના બે મહિના પછી સમગ્ર રાજ્યમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગરપાલિકાઓની ચૂંટણી થવાની હતી. જ્યારે આ માટેની તડામાર તૈયારી ચાલી રહી હતી, ત્યારે એક દિવસ મોદીએ તેમના કેટલાક ભરોસાપાત્ર સાથીદારો, પક્ષની બહારના સહાયકોની બેઠક યોજી હતી અને તેમને એક ઉપકરણ આપ્યું હતું. તેમના સાથીદારોએ અગાઉ આ ઉપકરણ ક્યારેય જોયું નહોતું. મોદી તાજેતરમાં વિદેશ પ્રવાસ કરીને પરત ફર્યા હતા અને ત્યાંથી આ ઉપકરણ લઈ આવ્યા હતા. આ ઉપકરણ હતું – ડિજિટલ કેમેરા. પછી તેમણે તેમના સાથીદારોને આ ઉપકરણ સાથે કામગીરી સુપરત કરી. તેમણે સમગ્ર રાજ્યમાં પક્ષના અભિયાનની ટીમ સાથે ફરવાનું હતું અને તેઓ જે જુએ એ ડિજિટલ કેમેરામાં રેકોર્ડ કરવાનું હતું – લોકો અને તેમના અભિપ્રાયો, તેમનો પહેરવેશ, તેમની આદતો, જાહેર સભાઓમાં તેમની હાજરી, લોકો કાર્યસ્થળે શું ભોજન લે છે, ચાના સ્ટોલ પર શું કરે છે – આ તમામ બાબતો ગુજરાતનો હાર્દ હતી અને તેને ડિજિટલ કેમેરામાં કેદ કરવાની હતી. પશ્ચિમમાં ડિજિટલ કેમેરા લોકપ્રિય થયા એ અગાઉ તેમણે તેનો ઉપયોગ શરૂ કરી દીધો હતો અને  આ રીતે ફક્ત ભારતમાં તેનો ઉપયોગ શરૂ થયો હતો.

આ એક એવી આદત છે, જે મોદીમાં હંમેશા જોવા મળી છે – ટેકનિક અને ડિજિટલ શોધોને વિલંબ કર્યા વિના તરત જ પારખવી અને પછી તેનો પોતાના માટે જ નહીં, પણ સુશાસનની પ્રક્રિયામાં ઉપયોગ કરીને અન્ય લોકોથી આગળ રહેવું. એટલે નવાઈ પામવા જેવું નથી કે રાજકારણીઓની સાથે વિસ્તૃત સમાજમાં પણ મોદી એ લોકોમાં મોખરે છે, જેમણે સોશિયલ મીડિયાના એકમાર્ગી નહીં, પણ દ્વીમાર્ગ માધ્યમ તરીકે ઓળખીને તેનો લોકો સાથે સંવાદ સ્થાપિત કરવા માટે ઉપયોગ કર્યો. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સોશિયલ મીડિયા પર સક્રિય પ્રદાનકર્તા તેમની સાથે હંમેશા જોડાયેલા રહેતા હતા. મોદીએ પ્રધાનમંત્રી તરીકે જુલાઈ, 2014માં MyGov (માયગવ એટલે કે મારી સરકાર)ની સ્થાપના કરીને આ પ્રયાસને સંસ્થાગત સ્વરૂપ આપ્યું હતું. આ જ કડીમાં એક વર્ષ પછી ‘ડિજિટલ ઇન્ડિયા’ની ઔપચારિક સ્થાપના એક મુખ્ય પ્રયાસ સ્વરૂપે થઈ, જે એક કાર્યદક્ષ, પારદર્શક અને જવાબદાર સુશાસનના મોડલને પ્રદર્શિત કરે છે. વર્ષ 2015માં કેલિફોર્નિયામાં સેન જોઝમાં આયોજિત ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમમાં બોલતા મોદીએ પોતાના વિચારને સંક્ષિપ્તમાં રજૂ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, “જ્યારે તમે સોશિયલ મીડિયાના ચકિત થઈ જાય તેવા વિસ્તાર અથવા કોઈ ડિજિટલ માધ્યમ દ્વારા પ્રદાન સેવાના વિષયમાં વિચાર કરો છો, ત્યારે તમને વિશ્વાસ આવે છે કે તમે લાંબા સમયથી હાંસિયામાં રહેલા લોકોના જીવનને પણ બદલી શકો છો. એટલે મિત્રો, આ વિશ્વાસ સાથે જ ડિજિટલ ઇન્ડિયાના વિચારનો જન્મ થયો હતો. ભારતની મોટા પાયે કાયાપલટ કરવા માટેનું આ સાહસ છે, જે કદાચ માનવ ઇતિહાસમાં અભૂતપૂર્વ હશે. આ ભારતના સૌથી નબળા, છેવાડાના અને ગરીબ નાગરિકોના જીવનને જ સ્પર્શ નહીં કરે, પણ આપણા દેશના જીવન અને કાર્યશૈલીને પણ સંપૂર્ણપણે બદલી નાંખશે.”